Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતની આઝાદીની ઐતિહાસિક ઘોષણા ક્યારે થઈ હતી?
ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ર૦ ફેબ્રુઆરીના દિવસે દિવસે જ બ્રિટિશ વડાપ્રધાન કલેમેન્ટ એપ્લીએ ભારતને આઝાદ કરવાની ઐતિહાસિક ઘોષણા કરી હતી. તે સમયના બ્રિટિશ પ્રધાનમંત્રીએ જો કે, જૂન ૧૯૪૮ સુધીમાં ભારતને આઝાદી આપવાની ઘોષણા કરી હતી, પરંતુ તે પહેલા જ વર્ષ ૧૯૪૭ ની ૧પ ઓગસ્ટે જ ભારતને સ્વતંત્ર દેશ જાહેર કરી દેવામાં આવ્યો હતો અને ભારત-પાકિસ્તાનના ભાગલા પડી ગયા હતાં. આમ, ભારતની આઝાદીની ઘોષણા સાથે સંકળાયેલા ર૦ ફેબ્રુઆરીને ભારતીય આઝાદીની બુનિયાદ પણ માનવામાં આવે છે.
જો કે, અહીં આપણે સામાજિક ન્યાયની સાથે પણ ર૦ ફેબ્રુઆરી કેવી રીતે સંકળાયેલી છે, તેની થોડી જાણકારી મેળવીએ. દર વર્ષે ર૦ ફેબ્રુઆરીના દિવસે વિશ્વ સામાજિક ન્યાય દિવસ મનાવાય છે.
આ ઉજવણીનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં સામાજિક ન્યાયની ચેતના જગાવવાનો ગણાય છે. આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે સામાજિક ન્યાયના ક્ષેત્રમાં ગરીબી નિર્મુલન, જાતિય સમાનતા, બેરોજગારી નાબૂદી, સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ સુરક્ષા તથા માનવાધિકારોનું રક્ષણ વગેરે વિષયોને સાંકળીને વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમો, વર્કશોપ, સંમેલનો, એક્ઝિબિશન્સ, વાર્તાલાપો, જુથચર્ચાઓ, સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ અને સોશ્યલ મીડિયા સહિતના માધ્યમો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવે છે.
આ ઉપરાંત રંગભેદ, જાતિભેદ અને અમીર-ગરીબ જેવા ભેદભાવો સામે પણ જાગૃતિ ફેલાવવામાં આવે છે. તે ઉપરાંત માનસિક, શારીરિક કે આર્થિક માપદંડોને બુનિયાદ બનાવીને ભેદભાવો ઊભા કરતી માનસિક્તા પર પ્રહાર કરવાના ઉપાયો પણ અમલમાં મૂકાઈ રહ્યા છે.
સામાજિક ન્યાય અને વિકાસ જેવા વિષયો પર વર્ષ ૧૯૯પ માં કોમેન હેગન, ડેન્માર્કમાં વિશ્વ શિખર સંમેલન યોજાયું હતું, જેમાં ૧૦૦ થી વધુ લીડર્સ જોડાયા હતાં. તે પછી ૧૦ વર્ષ પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્યોએ આ સંદર્ભે ન્યૂયોર્કમાં ઘોષણા કરી તે પછી આ વિચાર આગળ વધ્યો, જેને વર્ષ ર૦૦૭ માં આખરી ઓપ અપાયો. વર્ષ ર૦૦૭ ની ર૬ નવેમ્બરે દર વર્ષે ર૦ ફેબ્રુઆરીના દિવસે વિશ્વ સામાજિક ન્યાય ઉજવવાનું નક્કી થયું. તે પછી વર્ષ ર૦૦૯ ની ર૦ ફેબ્રુઆરીના દિવસે સૌ પ્રથમ વિશ્વ સામાજિક ન્યાય દિવસ ઉજવાયો.
ટૂંકમાં દુનિયામાંથી લિંગ, રંગ, ઉંમર, ક્ષેત્ર, ધર્મ, સંપ્રદાય, પરંપરા, ક્ષમતા જેવા માપદંડો આધારિત તમામ ભેદભાવો તોડીને સમગ્ર વિશ્વમાં સામાજિક સમરસતા અને સમાન ન્યાય સ્થાપિત કરવાનો છે.
વર્ષ ર૦ર૪ ની સામાજિક ન્યાય દિવસની ઉજવણી 'સામાજિક ન્યાય સામેના અવરોધો પર અંકુશ મેળવીને નવા અવસરો પ્રાપ્ત કરવા'ના થીમ પર થઈ રહી છે.
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આળસથી ભરપૂર અને આદતથી મજબૂર હોય, તેની ઉન્નતિ અઘરી...
કબીરજીનો આ દૂહો ઘણો જ પ્રચલિત બન્યો છે અને આળસુ પ્રકૃતિ ધરાવતા લોકો માટે ઘણો જ પથદર્શક અને ઉપયોગી છે. કબીરજીના ઘણાં દૂહા માનવજીવનમાં રહેલી બુરાઈનો અને ત્રુટિઓ પ્રત્યે લોકોને જાગૃત કરે છે. કબીરજીના ઘણાં દૂહાઓ અને અખાના છપ્પા ભલે વ્યંગાત્મક લાગે કે શબ્દપ્રયોગો આકરા હોય, પરંતુ તેમાંથી જ મુંઝાયેલા કે દુભાયેલા લોકોને પોતાની આંતરિક સમસ્યાઓનો ઉકેલ પણ મળી જતો હોય છે.
કલ કરે સો આજ કર
'કલ કરે સો આજ કર' એટલે કે કોઈ કામ આવતીકાલ પર છોડવું ન જોઈએ અને જે કામ આજે થઈ શકતું હોય, તે આજે જ સંપન્ન કરી લેવું જોઈએ. તેવી જ રીતે અત્યારે જ થઈ શકે તે કામ અત્યારે જ સંપન્ન કરી લેવું જોઈએ અને થોડીવાર પછી કરવાની માનસિક્તા ટાળવી જોઈએ. કવિ કહે છે કે ક્ષણમાં પ્રલય થઈ શકે છે, મતલબ કે મૃત્યુ આવી શકે કે બ્રેઈનસ્ટ્રોક, એટેક કે કોઈ દુર્ઘટનાનો ભોગ બનીને અપંગતા કે નિર્બળતા પણ આવી શકે છે, અને એવું પણ થશે, તો તું તારા અધુરા કામો કેવી રીતે પૂરા કરીશ?
આજ કરે સો અબ...
આપણે ઘણી વખત કેટલાક કામો આજે કરવા જેવા હોય, છતાં આળસ કે અન્ય કારણે આવતીકાલ પર ધકેલી દેતા હોઈએ છીએ અથવા સવારના કામો બપોરે કે બપોરના કામો સાંજે કરશું, તેવું વિચારીને પાછળ ધકેલતા હોઈએ છીએ, જેથી કેટલાક કામો તો દિવસોના દિવસો સુધી ખેંચાયા કરતા હોય છે, અને ઘણી વખત તો એમાંથી જ વિકરાળ સમસ્યાઓ પણ ઊભી થઈ જતી હોય છે, ખરૂ કે નહીં?
'ચલાવી' લેવાની માનસિક્તા
ઘણાં લોકો કૌશલ્યથી ભરપૂર હોય છે. ઉચ્ચ અભ્યાસ કરીને કોઈને કોઈ વિષય પર નિપુણતા ધરાવતા હોય છે કે પછી વેપાર-ઉદ્યોગ કે કૃષિના ક્ષેત્રે મહારત ધરાવતા હોય છે, પરંતુ તેનામાં રહેલું આળસ તેને આગળ વધવા દેતું હોતું નથી. કેટલીક તળપદી કહેવતો અહીં લખી શકાય તેવી નથી, પરંતુ ટૂંકમાં ઘણાં લોકો 'ચલાવી' લેવાની માનસિક્તા ધરાવતા હોય છે અને જો સંકેલો કરવાથી કામ ચાલી જતું હોય તો બોલવાની તસ્દી પણ લેતા હોતા નથી!
સ્વાસ્થ્યને કોરી ખાતું આળસ
આળસને ઉધઈ સાથે સરખાવી શકાય. ઉધઈ જેવી રીતે લાકડાને કોતરીને ખોખલુ કરી નાંખે છે, તેવી જ રીતે આળસ પણ આપણા સ્વાસ્થ્યને કોરી ખાય છે અને શરીરને ખોખલુ કરી નાંખે છે. ઉધઈ જેવા આળસને ઝડપથી હટાવી શકાતું નથી અને ઉધઈ જેવું જ જીદ્દી આળસ ખૂબ જ અસરકારક ઉપાયો કરવાથી જ હટી શકે છે, તેથી આળસને પહેલેથી જ પનપવા ન દેવું જોઈએ અને આળસને આપણો સૌથી મોટો દુશ્મન ગણીને તેમાંથી દૂર રહેવું જોઈએ.
એકાદ-બે દુર્ગુણો હજારો સદ્ગુણો પર ભારી
ઘણાં ગુણવાન લોકો આગળ વધી શકતા નથી, તેની પાછળ પણ આળસનો અસૂર જ કારણભૂત હોય છે. માનવીમાં જો આસળ અને બૂરી આદત જેવા એકાદ-બે દુર્ગુણો હોય, તો તે હજારો સદ્ગુણો પર ભારે પડી જતા હોય છે. માનવીમાં હજારો ગુણ હોય, પણ જો તેનામાં બૂરી આદત કે આળસ હોય તો તેના જેવો કમનસીબ કોઈ ન ગણાય. તેની દશા ભરપૂર પાણી ધરાવતા 'તરસ્યા' કૂવા જેવી થઈ જતી હોય છે!
'આળસ' અભિશાપ કે આશીર્વાદ
'આળસ' માનવી માટે તો અભિશાપ જ છે, પરંતુ ઈશ્વરે આ અવગુણનો અંકુશ તરીકે પણ ઉપયોગ કર્યો હોય તેમ સિંહનું આળસ અન્ય વન્ય જીવો માટે તથા માનવી માટે આશીર્વાદરૂપ છે. એવું કહેવાય છે કે, સિંહ નેચરલી આળસુ પ્રાણી છે અને એક વખત મારણ કરીને પેટ ભરાઈ જાય, પછી ઘણાં દિવસો સુધી આરામમાં જ રહે છે. અહીં આળસ 'અંકુશ'નું કામ કરે છે. જો સિંહ આળસુ ન હોત તો શું થાત? તેની કલ્પના કરવી પણ અઘરી છે.
'આળસ'નો ઓજાર તરીકે ઉપયોગ
એવી જ રીતે આપણે પણ 'આળસ'નો અમુક પ્રકારની પ્રવૃત્તિઓ માટે ઓજાર તરીકે ઉપયોગ કરી શકીએ. અયોગ્ય, અનૈતિક અને અવળા કામો કરવામાં 'આળસ' જ કરવું જોઈએ. ગેરકાનૂની, માનવતાવિરોધી, શિષ્ટતાનું હનન કરતું, સૌજન્યતાનું છેદન કરતું કે કોઈને પણ કોઈપણ પ્રકારની હાનિકર્તા હોય તેવું કોઈપણ કૃત્ય કરવામાં તો કાયમી ધોરણે 'આળસ' જ કરવું હિતાવહ છે... ગળે ઉતરે છે આ વાત?
આળસથી ભરપૂર જીવન મડદાં જેવું
આળસથી ભરપૂર હોય, તે જીવન હકીકતે મડદાં જેવું જ ગણાય. મૃતદેહમાં શ્વાસોચ્છવાસની પ્રક્રિયા થતી હોતી નથી અને શરીર ઠંડુ પડી ગયું હોય છે, તે સિવાયની તમામ સમાનતાઓ આળસુ વ્યક્તિ અને મડદાં વચ્ચે હોય છે. મડદુ નિષ્પ્રાણ હોય છે, અને આળસુ વ્યક્તિ ચેતના વિહીન હોય છે. તેના શ્વાસ ચાલે છે, નાડી ધબકે છે, મગજ બરબાર કામ કરે છે, શરીર ગરમ છે, પરંતુ ચૈતન્ય ધબકતું હોતું નથી. આળસુ વ્યક્તિ ગઈકાલમાંથી કાંઈ શિખતો હોતો નથી, વર્તમાનમાં જીવતો નથી અને આવતીકાલની ચિંતા કરતો હોતો નથી, તે કાયમી કમજોરી અને મેદસ્વિતાનો પણ ભોગ બની જાય છે. તેનામાં સ્ફૂર્તિ રહેતી નથી. એટલું જ નહીં, તે જીવનમાં મનોવાંચ્છિત સફળતાઓ મેળવવાની ઘણી બધી તકો પણ માત્ર આળસના કારણે જ ગુમાવી દેતો હોય છે.
આદત સે મજબૂર
કેટલાક લોકોમાં આળસ નથી હોતી, પણ કેટલીક મોટી આદતો તેના પ્રગતિપથમાં સ્પીડબ્રેકર બની જતી હોય છે. ભરપૂર કૌશલ્ય, ઉચ્ચ આવડત, અઢળક જ્ઞાન અને સારૂ સ્વાસ્થ્ય હોવા છતાં 'આદત સે મજબૂર' ઘણાં લોકો ગંતવ્ય સિદ્ધિઓ હાંસલ કરી શકતા નથી, ધાર્યા ધ્યેયો સિદ્ધ કરી શકતા નથી અથવા મનોવાંચ્છિત જિંદગી જીવી શકતા હોતા નથી. કોઈને દારૂ પીવાની આદત હોય છે, તો ઘણાંને ડ્રગ્સ, ગાંજો, અફિણ જેવા નશાવર્ધક પદાર્થોનું નિયમિત સેવન કરવાની આદત હોય છે. તમાકુની બનાવટોના વધારે પડતા સેવન અને ધૂમ્રપાનને પણ આ જ શ્રેણીમાં ગણવા જોઈએ. આ પ્રકારની બૂરી આદતો ઘણી વખત સિદ્ધિઓના શિખર આંબવાની તકો ગુમાવવાનું મૂળભૂત કારણ પણ બનતી હોય છે. આદતોની આંધીમાં અટવાઈને ઘણાં લોકો ઉન્નતિના ઊંચા શિખરો પરથી નિષ્ફળતા અને બરબાદીની ઊંડી ખાઈમાં પણ ધકેલાઈ જતા હોય છે.
બૂરી આદતો
વ્યસનો અને નશાકારક દ્રવ્યોના સેવનને ગંભીર પ્રકારની બૂરી આદતો ગણી શકાય, પરંતુ ઘણી બધી એવી આદતો પણ છે, જેની અસરો ઘણી જ ખતરનાક હોય છે. જાતિય વિકૃતિઓ, અસભ્ય ભાષા, અશોભનિય ચેનચાળા, સૃષ્ટિના નિયમોથી વિરૂદ્ધની જીવનશૈલી, અનિયમિતતા, વિનાકારણ ઉજાગરા, દિવસે નિદ્રા રાત્રે કામના સંજોગોમાં સંતુલનનો અભાવ, ખાન-પાનની અયોગ્ય આદતો તથા કુદરતે ગોઠવેલી જીવનશૈલીથી વિપરીત જીવન જીવવાની વૃત્તિ વગેરેને પણ બૂરી આદતો ગણી શકાય. ઘણી વખત ધંધો-વ્યવસાય, રોજગારી અને પારિવારિક કારણોસર જીવનશૈલી બદલવી પડતી હોય છે, પરંતુ તેવા સંજોગોમાં પણ શરીરને જરૂરી આરામ, પોષણ અને નિદ્રાનું પ્રમાણ જળવાઈ રહે, તેવું સમતુલન (બેલેન્સ) ગોઠવવું જ પડે. ઘણાં ખૂબ જ નિપુણ, ચતૂર, જ્ઞાની અને હાયર એજ્યુકેટેડ લોકોને જીવનશૈલીની અયોગ્ય આદતોના કારણે જ જિંદગી સાથે ઝઝુમતા આપણે જોયા હશે, તેઓએ પોતાની જીવનશૈલીને સૃષ્ટિને સુસંગત બનાવવી જોઈએ અને/અથવા સ્વયં સંઘર્ષ કરીને સંતુલન અને સમતુલન જાળવવું જોઈએ, તેમ નથી લાગતું?
આદતો સુધરી શકે ખરી?
જેવી રીતે વ્યસનો છૂટી શકે નહીં, તે એક ભ્રમ છે, તેવી જ રીતે આદતો સુધરી જ ન શકે, તે પણ એક ભ્રમ જ છે, અને આ પ્રકારનો ભ્રમ તોડવાની ઈચ્છાશક્તિ તથા તાલાવેલી ખુદમાં જ હોવી જરૂરી છે. કોઈપણ મોટીવેટર કે કાઉન્સિલર ત્યાં સુધી સફળ થતો નથી, જ્યાં સુધી જે-તે વ્યક્તિ ખુદ જ આદતો છોડવા કે સુધારવા તત્પર ન હોય!
પોથીના રીંગણાની જેમ પુસ્તકિયા જ્ઞાનની સાથે સાથે પ્રેક્ટિકલ પણ થવું જ પડે. આ સબજેક્ટ માત્ર થિયરીકલ નથી કે વર્બલ કે હર્બળ નથી, પરંતુ ઘણો જ ગહન અને અટપટ્ટો છે. માત્ર કોઈપણ વ્યક્તિ સ્વયં દૃઢ નિર્ધાર કરે, તો આ જ વિષય અને તેના વિશલેષણો ઘણાં જ સરળ બની જાય, પણ...?!
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દર વર્ષે વિશ્વ દાળ દિવસ અથવા વિશ્વ કઠોળ દિવસ ૧૦ ફેબ્રુઆરીના મનાવાય છે. દુનિયાની જુદી જુદી વાનગીઓમાં દાળ (પલ્સ) અને કઠોળનો ભરપૂર ઉપયોગ થાય છે. કઠોળમાં મબલખ પોષક ઘટકો હોય છે. ખાદ્ય સુરક્ષા, નાઈટ્રોજન ફિક્સેશન અને જૈવિક વિવિધતાને પ્રોત્સાહન અને પર્યાવરણીય ફાયદાઓને લઈને પણ વિશ્વ કઠોળ (દાળ) દિવસે વિશ્વભરમાં જુદા જુદા કાર્યક્રમો યોજાય છે. કઠોળ એ સંતુલિત અને પોષક આહાર છે.
વર્તમાન ફાસ્ટ યુગમાં ફાસ્ટફૂડનું મહત્ત્વ વધ્યું છે, તેથી કઠોળ અને દાળનો ભોજનમાં ઉપયોગ ઘટવા લાગ્યો છે, જેથી કુપોષણની સમસ્યા પણ વધે છે અને જાહેર આરોગ્ય પણ જોખમાય છે, આમ છતાં આ ક્ષેત્રે જાગૃતિ ઘણી ઓછી છે, જે ૧૦ મી ફેબ્રુઆરીના દિવસે થતી આ ઉજવણીમાં અગ્રીમ મુદ્દો હોવો જોઈએ.
અત્યારે દુનિયાના ઘણાં દેશો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. તે ઉપરાંત કુપોષણથી થતા મૃત્યુની સમસ્યા પણ ઘટી રહી નથી. પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત, મજબૂત હાડકા, શરીરની ખડતલતા અને શારીરિક વિકાસમાં સૌથી વધુ ભૂમિકા દાળ અને કઠોળની રહે છે.
આપણાં દેશમાં વિશ્વ કઠોળ તથા દાળનો ભરપૂર ઉપયોગ વિવિધ વાનગીઓ બનાવવામાં થાય છે. મગ, અળદ, ચણા, તૂવેર, કળથી, મસૂર, મોગર વગેરે પ્રકારના કઠોળ તથા તેને ભાંગીને ઉત્પન્ન થતી દાળનો મહત્તમ ઉપયોગ ભોજન માટે થાય છે. એક અંદાજ મુજબ સમગ્ર વિશ્વમાં થતા દાળના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો રપ ટકા છે. સ્વાસ્થ્ય સુરક્ષા તથા મજબૂત હાડકા અને ખડતલ શરીર માટે કઠોળ અને દાળનું સેવન યોગ્ય માત્રામાં કરવું જ જોઈએ, તેવી સલાહ પણ તજજ્ઞો દ્વારા અવારનવાર અપાતી હોય છે, ત્યારે ચાલો, આપણે પણ દાળભાત, દાળ બાટી, દાળ પકવાન, ખીચડી, વિવિધ કઠોળનું શાક વગેરે આપણી રોજીંદી થાળીના મેનુમાં અવશ્ય રાખીએ... અને પ્રાસંગિક મેનુમાં પણ અગ્રતાક્રમે રાખીએ...
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સટ્ટાબાજી, ગેમ્બલીંગ, ગેરકાનૂની કે અસુરક્ષિત જોખમી મૂડીરોકાણો એટલે બરબાદી જ બરબાદી...
આપણે જ્યારે નાનું-મોટું ઈન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, ત્યારે એવી સાવચેતી રાખીએ છીએ કે, મૂડી સલામત રહે અને વધુમાં વધુ વળતર મળે. શોર્ટ ટર્મ ઈન્વેસ્ટમેન્ટમાં મૂડી ઝડપથી છૂટી થઈ જાય છે, પરંતુ વળતર ઓછું મળે છે, જ્યારે લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટમાં મૂડીરોકાણ લાંબા સમય સુધી કરવું પડે છે, પરંતુ વળતર પણ વધુ મળે છે, તેવું સામાન્ય રીતે આપણે માનીએ છીએ. કેટલાક જોખમી પરંતુ સાહસિક ટૂંકી મુદ્તના રોકાણોમાં પણ વધુ વળતર મળતું હોય છે, પરંતુ તેમાં મૂળ મૂડીની સલામતી જોખમાતી હોય છે, જ્યારે ઘણાં લાંબા સમયગાળાના રોકાણોમાં ભારે વળતર અપેક્ષિત રીતે વધુ ન મળે, તો પણ ખૂબ મૂડીની સલામતી વધુ રહેતી હોય છે અને નુક્સાન થવાનો ચાન્સ જ રહેતો નથી. આ પ્રકારના ગણિત આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ અને તેના આધારે સંપૂર્ણ આયોજન પણ કરતા હોઈએ છીએ. તે પછી આપણા પોતાના અનુભવે તેમાં ફેરફારો પણ કરતા રહેતા હોઈએ છીએ.
મૂડીરોકાણના પણ ઘણાં પ્રકાર છે. ઉદ્યોગ-ધંધા કે સોના-ચાંદી જેવી ધાતુઓમાં મૂડી રોકાણ, કૃષિ-પશુપાલન અથવા સેવાકીય વ્યવસાયોમાં મૂડી રોકાણ, જમીન-મિલકતો કે રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટમેન્ટ વગેરે પરંપરાગત મૂડીરોકાણો ઉપરાંત હવે બેન્કીંગ સિસ્ટમ, પોસ્ટ વિભાગની યોજનાઓ તથા સરકારી યોજનાઓમાં પણ નાની બચતના સ્વરૃપમાં નાનું નાનું ઈન્વેસ્ટમેન્ટ પણ કરતા હોઈએ છીએ. તે ઉપરાંત બોગસ સ્કીમો તથા કેટલાક જોખમી પોર્ટફોલિયો મુજબ ટૂંકા સમયગાળામાં વધુ વળતર મેળવવા પ્રયાસો પણ થતા હોય છે, અને કેટલાક લોકો આ જ માર્ગે ચાલીને વ્યાજંકયાદી પણ બની જતા હોય છે.
જો કે, લલચામણી, ભ્રામક અને અત્યંત આકર્ષક જાહેરાતોથી ભરમાઈને થતા રોકડ મૂડીરોકાણમાં ઘણી વખત માથે ઓઢીને રોવાનો વારો આવતો હોય છે, તો સટ્ટાબાજી, ગેમ્બલીંગ કે અન્ય ગેરકાનૂની અથવા અસુરક્ષિત મૂડી રોકાણોમાં પ્રારંભિક અને ઝડપી ફાયદો કરાવ્યા પછી અંતે તો બરબાદી જ મળતી હોય છે, તેમ છતાં આદત છૂટતી નથી. એટલે જ તો કહેવત પડી હશે ને કે 'હાર્યો જુગારી બમણું રમે'...
કેટલાક લાંબા સમયની બચતો પર વધુ વ્યાજ મળે છે, અને ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે કેટલાક વર્ષો પછી મૂળ મૂડી ડબલ થઈ જતી હોય છે, જ્યારે ટૂંકા મૂડીરોકાણો પર સાદુ વ્યાજ મળે છે કે પછી વળતર ઓછું મળે છે, એવું જ કાંઈક સત્ય, પ્રામાણિક્તા અને નિષ્ઠાના ક્ષેત્રે પણ થતું જ હોય છે.
સત્યના પ્રયોગો લાંબા અને સલામત મૂડી રોકાણો જેવા હોય છે, અને તેનું વળતર મોડું પણ મોટું મળતું હોય છે, જ્યારે જુઠાણા, ફરેબ અને જાલસાજીનું વળતર ત્વરીત મળતું હોય છે, અને ઘણી વખત મોટું વળતર પણ મળી જતું હોય છે, પરંતુ તેના અંતિમ પરિણામો સારા હોતા નથી અને અંતે પાઘડીનો વળ છેડે ઉતરે, તેમ બરબાદી, બદનામી અને બદમાશીના સ્વરૃપમાં માઠા ફળ ભોગવવા જ પડતા હોય છે.
સોનું કસોટીએ ચડે છે, પરખાય છે અને શુદ્ધ તથા અસલી સોનાની કિંમત વધુ અંકાય છે, પરંતુ નકલી સોનું, નકલી જ્વેલરી કે નકલી હીરાઓની ઉંમર લાંબી હોતી નથી, અને તેની સરખામણી અસલ હીરા-જવેરાત કે સોના સાથે થઈ શકતી નથી. પીત્તળ ભલે ચમકદાર અને પીળું હોય, પરંતુ તેની કિંમત ક્યારેક સુવર્ણ જેટલી થવાની નથી, અને સોનું ભલે ઝાંખુ પડે પડે, પડે તો પણ તેની કિંમત એટલી બધી ઘટવાની નથી. સત્યની કસોટી થાય છે, પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ તેનું મૂલ્ય વધતું જાય છે, જ્યારે જુઠ્ઠાણા, ફરેબ અને ગેમ્બલીંગમાં બરબાદ થઈ જવાનું જોખમ રહે છે અને ઘણાં લોકોને આખી ઉંમર જેલમાં પણ વિતાવવી પડતી હોય છે, તો ઘણાં લોકોના જીવ પર પણ જોખમ ઊભું થઈ જતું હોય છે, ખરૃને?
કરો તેવું ભરો, કરણી તેવી ભરણી, વાવો તેવું લણો, અન્ન તેવો ઓડકાર, કર્યા તો ભોગવવા જ પડે વિગેરે કહેવતો ઘણી જ પ્રચલિત છે, અને તેનો ગુઢાર્થ પણ બધા સમજે છે, છતાં લોભ, લાલચ, ડર, શોર્ટકટ અને દેખાદેખીમાં માનવી એવા કૃત્યો કરી બેસે છે, કે ક્ષણિક કે તત્કાળ લાભ, સુખ, ફાયદો કે ભોગ-વિલાસ-જાહોજલાલીની પ્રાપ્તિ થાય, તો પણ અંતે તો લાંબા સમયથી કે મૃત્યુપર્યંતની બરબાદી જ મળતી હોય છે. ઘણી વખત આ પ્રકારના કૃત્યો પછી કેટલાક લોકોનો જીવ પણ જતો હોય છે અને લોકોને આત્મહત્યા માટે મજબૂર પણ થવું પડતું હોય છે. આથી જ એવું કહેવાય છે કે, ધીરજના ફળ મીઠાં હોય છે, અને ચેતતા નર સદા સુખી, સંતોષી જન સદૈવ સુખી, લાલચ બૂરી બલા છે...
એવું કહેવાય છે કે, મોટા મોટા મૂડીપતિઓ સંપૂર્ણપણે સુખી હોય છે અને દુનિયા તેની પાછળ તેના પૈસાના કારણે જ દોડતી હોય છે. પૈસો જ સર્વેસર્વા છે અને 'નાણા વગરનો નાથિયો... નાણે નાથાલાલ' જેવી કહેવતો મુજબ માત્ર પૈસાદારોને જ માન-સન્માન, પ્રતિષ્ઠા અને વાહવાહી મળતી હોય છે. જો તેવું જ હોત તો આજે ફ્લોરેન્સ નાઈટીંગેલ, મધર ટેરેસા કે પોતડીધારી ગાંધીજીના ગુણગાન ગવાઈ રહ્યા ન હોત. ઘણાં લબ્ધ-પ્રતિષ્ઠિત મહાનુભાવોની સાદગીભરી જિંદગી અથવા ગરીબાઈ-આર્થિક રીતે નબળી સ્થિતિની આજે પણ ચર્ચા થાય છે, અને દૃષ્ટાંતો અપાય છે, તે શું સૂચવે છે?
ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના નિધન પછી તેના પરિવારની સ્થિતિ કેવી હતી, તે સર્વવિદ્તિ છે. સૌરાષ્ટ્રના સાદગીપૂર્વક જીવન ગુજારનાર એક ધારાસભ્યના ઘરનું ગુજરાન તેના ધર્મપત્ની એક ગામડામાં ફ્લોરમીલ ચલાવીને કરતા હતાં, પરંતુ તે ધારાસભ્યનું વર્ચસ્વ જે-તે સમયે છેક દિલ્હી સુધી હતું. તાજેતરમાં જ જેને ભારતરત્નનો ખિતાબ મળ્યો છે તે કર્પુરી ઠાકુરની આર્થિક સ્થિતિ અને સાદગીની કથાઓ આપણે વિસ્તારપૂર્વક આજે પણ સાંભળી રહ્યા છીએ. આ પ્રકારના અનેક દૃષ્ટાંતો આપણી આજુબાજુ આજે પણ જોવા મળતા હોય છે.
સત્ય, નિષ્ઠા, પ્રામાણિક્તા, કલા, ઉદારતા જેવા સદ્ગુણો અને આદર્શો માટે કોઈ તાલીમવર્ગો નથી હોતા, કે તેને માર્કેટમાંથી ખરીદી કે હાયર કરી શકાતા નથી. આ પ્રકારના સદ્ગુણો અને આદર્શો વ્યક્તિની અંદરથી જ સ્ફૂરતા હોય છે અને પનપતા હોય છે, જો કે આ તમામ આદર્શો, સદ્ગુણો અને મૂલ્યોને જાળવી રાખવા ઘણાં જ મુશ્કેલ હોય છે, અને તેના કારણે જ ઘણાં લોકો આ અમૂલ્ય મૂડી ગુમાવી પણ દેતા હોય છે, પરંતુ જે લોકો સોના કે રત્નની જેમ કસોટીની એરણે ચડીને અંતે ખરા ઉતરે છે, ત્યારે તેની સામે દુનિયા ઝુકતી હોય છે અથવા સિદ્ધિઓની સીડી તથા કામિયાબીની પરાકાષ્ટાએ પહોંચીને તેઓ વાસ્તવમાં લબ્ધ-પ્રતિષ્ઠિત બની જતા હોય છે. એટલું જ નહીં, ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ પણ જતા હોય છે. આ પ્રકારના લોકોએ જે સિદ્ધિ મેળવી હોય છે, તેને પ્રસિદ્ધિ ભલે ઓછી મળે, મળે કે ન મળે, પરંતુ તેના અંતરાત્માને તો આનંદ થતો જ હોય છે, કારણ કે 'જોબ સેટિસ્ફેક્શન' એટલે કે 'કાર્યસંતોષ'થી વધુ મૂલ્યવાન કોઈ ચીજ આ દુનિયામાં મોજુદ નથી... રાઈટ?
સંબંધોમાં સફળતા,સુવિધા, સ્વાર્થ અને સગવડિયા આદર્શોનું મિશ્રણ થતું જોવા મળતું હોય છે, અને મોટાભાગે 'ગીવ એન્ડ ટેઈક'ના બદલે 'ટેઈક એન્ડ ધેન ગીવ'નું વલણ જોવા મળતું હોય છે. એટલું જ નહીં, હવે તો 'ફર્સ્ટ ટેઈક એન્ડ ગીવ ઈફ યુ વોન્ટ'ની માનસિક્તા વધી રહી છે.
ઓળખાણ મોટી ખાણ પણ હોય છે અને સોનાની ખાણ પણ હોય છે, તેવી જ રીતે સંબંધો પણ ક્યારેક સ્થાયી મૂડીની જેમ ફળદાયી બનતા હોય છે, જ્યારે ઘણી વખત કેટલાક સંબંધ ગળાની ફાંસ જેવા બની જતા હોય છે. સંબંધો હવે માર્કેટવેલ્યુ, ઈન્વેસ્ટમેન્ટ અને પોન્ઝી સ્કીમોની જેમ વળતરિયા ગણિતો પર નિર્ભર રહેવા લાગ્યા છે અને પરિવારભાવનાઓ પણ દમ તોડવા લાગી છે. અયોધ્યામાં રામમંદિરના ભવ્ય નિર્માણના કારણે રામાયણના પાત્રો પુનઃ લોકચેતનામાં પ્રવેશવા લાગે અને ભગવાન શ્રીરામની જેમ સંતાનો આજ્ઞાકારી બની રહે, ભરતની જેમ પોતે રાજા હોવા છતાં કૂટિરમાં રહીને અયોધ્યાનું શાસન ચલાવવા જેવી ભાવના દરેક ભાઈઓમાં પનપવા લાગે અને કોઈને પણ 'વચન' આપી દેતા પહેલા જરા વિચારી લેવાની જાગૃતિ પણ સૌમાં આવે તેવું ઈચ્છીએ!
ઘણાં લોકોને 'સ્મશાન વૈરાગ્ય'ની અનુભૂતિ થઈ હશે, સ્મશાને ચિત્તા પર ચડેલા સ્વજનના પાર્થિવ દેહને જોઈને થોડા સમય પૂરતો વૈરાગ્ય આવી જાય, કે આ રસ્તે જ બધાને જવાનું છે, આ માણસ શું સાથે લઈ ગયો? અમીર હોય કે ગરીબ હોય, દરેકને અંતે તો પંચમહાભૂતમાં વિલિન જ થઈ જવાનું છે, તો પછી આટલી દોડધામ શા માટે?
માનવી જ્યારે પૃથ્વી પર અવતરે, ત્યારથી સંબંધોની શરૃઆત થાય છે, અને પહેલા માતા-પિતા અને પરિવાર માટે તેઓ 'જવાબદારી' બની જાય છે. મોટા થયા પછી ધીમે ધીમે એ જવાબદારીઓનું સિફ્ટીંગ થતું જાય છે, અને તેમાં પોતાના પરિવારો પણ વિસ્તરતા જાય છે, જેમાંથી સંયુક્ત અને વિભક્ત પરિવારો જેવા ભાગલા પડે છે, અને તેની સાથે સાથે જવાબદારીઓના પણ ભાગલા પડે છે. જીવનની કરૃણતા ત્યારે સર્જાય છે, જ્યારે 'જવાબદારી' બની ગયેલા માતા-પિતાનું જીવન પણ 'ભાગલાઓ'માં વહેંચાય છે અને ત્રણ-ચાર દીકરાઓના ઘરે વારાફરતી રહેવું પડે છે. માતા-પિતાની જવાબદારીઓના આ ભાગલાનું પ્રતિબિંબ 'બાગબાં' જેવી મૂવીમાં પડે છે, અને આ પ્રકારની ફિલ્મો માતા-પિતાને નાણા, માર્કેટવેલ્યુ, સ્વાર્થ અને સગવડિયા વિચારોના ત્રાજવે તોલવાનું પાપ કરતા સંતાનો માટે બોધપાઠરૃપ છે, ખરૃ કે નહીં?
'ઓલ્ડ ઈઝ ગોલ્ડ' જેવા શબ્દપ્રયોગો કેટલીક ચીજવસ્તુઓ-પદાર્થો માટે થતા હશે, પરંતુ વર્તમાન યુગમાં માનવી જેમ જેમ વૃદ્ધ થતો જાય તેમ તેમ બોજરૃપ થતો જતો હોય છે. હવે એક નવી વ્યાખ્યા રચાવી જોઈએ... 'ઓલ્ડ ઈઝ બર્ડન'...!
સંબંધોમાં સ્નેહ અને સમયાંતરનું સિંચન થાય તો એ ગાઢ-પ્રગાઢ સંબંધો જ જીવનભરનો સથવારો બની જતા હોય છે, પરંતુ તેમાં જો સ્વાર્થ અને 'ટેઈક બટ નોટ ગીવ' જેવી ઉધઈ લાગી જાય તો તેમાંથી ઘણી વખત ઘાતકીપણું અને સર્વનાશ નોતરતી હરકતો પણ જન્મ લેતી હોય છે. આપણે ત્યાં સારૃ છે કે હજુ પણ સ્વાર્થવિહોણાં સંબંધોનું અસ્તિત્વ છે અને તે પ્રવર્તમાન ખોખલા કારણોનો સામનો પણ કરી રહ્યું છે... જેને ટકાવવું અઘરૃ છે, પરંતુ અસંભવ તો નથી જ, ખરૃ ને?
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક અધિકાર એવો છે, જે આપણી ફરજ પણ છે...
ભારત વર્ષ ૧૯૪૭ માં આઝાદ થયું, અને વર્ષ ૧૯પ૦ માં પ્રજાસત્તાક થયું. તા. ર૬ મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના આગળના દિવસે એટલે કે રપ મી જાન્યુઆરીએ પ્રત્યેક દેશવાસીઓ માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ ઉજવાય છે.
આઝાદ ભારતમાં વયસ્ક લોકોને મતાધિકાર મળ્યો છે, અને અત્યારે ૧૮ વર્ષની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે. આ અધિકાર એવો છે, જે આપણો અધિકાર પણ છે, અને ફરજ પણ છે. મતાધિકાર પ્રાપ્ત કરનાર મતદાતાઓ તમામ દેશવાસીઓ વતી જનપ્રતિનિધિઓને ચૂંટે છે. આ વર્ષ ર૦ર૪ માં લોકસભાની ચૂંટણી થનાર છે, ત્યારે તમામ મતદાતાઓએ તમામ દેશવાસીઓ વતી નવા સંસદસભ્યો લોકસભા માટે ચૂંટવાના છે.
વર્ષ ૧૯પ૦ ની રપ મી જાન્યુઆરીના દિવસે ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થઈ હોવાથી વર્ષ ર૦૧૧ થી દર વર્ષે રપ મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાય છે, અને મતદાન જાગૃતિના અભિયાનો ચલાવાય છે. ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીઓ દરમિયાન 'સ્વીપ' નામનો કાર્યક્રમ પણ ચલાવાય છે.
આઝાદી પછી લોકસભા, રાજ્યની વિધાનસભાઓ, પાલિકા-મહાપાલિકા-ત્રિસ્તરીય પંચાયતો માટે ઘણી ચૂંટણીઓ થઈ ગઈ. લોકસભાની ચૂંટણી થયા પછી તેમાં બહુમતીના આધારે દેશની સરકાર ચૂંટાય છે, પરંતુ આજ સુધી એક પણ સરકાર એવી નથી, જે દેશના તમામ નોંધાયેલા મતદાતાઓ દ્વારા ચૂંટાઈ હોય, એટલે કે આખા દેશમાં એકંદરે સો એ સો ટકા મતદાન થયું હોય, બીજા અર્થમાં કહીયે તો અત્યાર સુધીમાં તમામ દેશવાસીઓએ ચૂંટેલી એક પણ સરકાર આવી નથી. આ કારણે મતદારોને જાગૃત કરવા અને અવશ્ય મતદાન કરવાની સમજ આપવા દર વર્ષે રપ મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસ અથવા નેશનલ વોટર્સ ડે ઉજવાય છે.
મેઈકીંગ એવરી વોટ કાઉન્ટ,
નો વોટર ટુ બી લેફ્ટ બિહાઈન્ડ
વર્ષ ર૦ર૪ માં નેશનલ વોટર્સ ડે નું ઉક્ત થીમ છે, જે પ્રત્યેક મતદાતાની નોંધણી કરીને તેને મતદાન કરવા પ્રેરવાનો સંદેશ આપે છે, મતલબ કે પ્રત્યેક ૧૮ વર્ષિય નાગરિક મતદારયાદીમાં સામેલ થઈ જાય, તેની ઝુંબેશ વારંવાર ચલાવાય છે, અને તે પછી તે તમામ મતદારો મતદાન અવશ્ય કરે, તે માટે મતદાતા જાગૃતિ અભિયાનો ચલાવાય છે.
મતદારયાદીની એકરૃપતાના સૂચનો
મતદાર યાદીઓ સુધારવા અને નવા મતદારો નોંધવા તથા નિધન થયું હોય કે ભારતનું નાગરિકત્વ છોડી દીધંુ હોય, તેવા મતદારોની બાદબાકી કરવા અત્યારે જે પ્રક્રિયા અપનાવાઈ રહી છે, તેમાં ધળમૂળથી ફેરફાર કરીને નાનીઅમોટી દરેક ચૂંટણી માટે સમાન અને કાયમી મતદારયાદી અંગે ઘણાં સૂચનો થતા હોય છે, તે ધ્યાને લેવા જરૃરી છે, તેની પછી ક્યારેક વાત કરીશું...
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુમાન, ગુસ્સો અને ગરુતાગ્રંથીને લગામ લાગે તો સફળતા સરળ બની જાય...
બાળપણથી જ અનોખી બુદ્ધિપ્રતિભા ધરાવતા વિવેકમાં નામ એવા જ ગુણ પણ હતાં અને ખૂબ જ વિવેકી, વિનમ્ર અને બધાનો વહાલો હતો. તેની કોઠાસુઝ અને કાંઈક ને કાંઈક નવું શીખવાની ધગશ તથા શાર્પ મેમરીપાવરના કારણે તે પ્રાથમિક શિક્ષણથી હાયર સેકન્ડરી સુધી હંમેશાં ટોપ પર રહેતો અને તે પછી ઉચ્ચ અભ્યાસ કરીને આઈ.એ.એસ. બન્યો હતો. એ દરમિયાન વિવેકને ઘણાં દોસ્તો મળ્યા, ગ્રુપ મોટું થયું અને પરિવાર પણ વિવેકની પ્રગતિથી ગૌરવ અનુભવતો હતો. વિવેકની આ સિદ્ધિઓના મૂળમાં જ તેની બુદ્ધિપ્રતિભાની સાથે સાથે સદ્ગુણોનું સંયોજન હતું.
વિવેકની સફળતા અને સિદ્ધિઓમાં તેના પરિવારનું બલિદાન, માતા-પિતાનો અવિરત સહયોગ અને ભાઈ-બહેનોનું પ્રોત્સાહન પણ કારણભૂત હતું. દસમું ધોરણ પાસ કર્યા પછી વિવેકે હંમેશાં હોસ્ટેલ, બોર્ડીંગ, પી.જી. વગેરેમાં રહીને અભ્યાસ કર્યો હોવાથી તે આઈ.એ.એસ. બન્યો, ત્યાં સુધીમાં તેની આજુબાજુ મોટું ફ્રેન્ડ સર્કલ સર્જાઈ ગયું હતું, પરંતુ તે વર્ષોથી પોતાના પરિવારથી દૂર રહ્યો હતો. આ કારણે પોતાના સ્વજનોની સ્નેહાળ હૂંફ અને માતા-પિતાએ પેટે પાટા બાંધીને કરાવેલા ઉચ્ચ અભ્યાસની સાથે જોડાયેલી સ્મૃતિઓ વિસરવા લાગ્યો હતો. એટલું જ નહીં, તેનામાં ધીમે ધીમે ગુરૃતાગ્રંથી પણ પનપવા લાગી હતી. તે સુપરિયાલિટી કોમ્પ્લેક્ષથી જાણે કે પીડાવા લાગ્યો હતો.
આઈ.એ.એસ.ની ઉપલબ્ધિ પછી તેની કારકિર્દી ઉજ્જવળ બની. વતનથી દૂરના રાજ્યમાં પોસ્ટીંગ મળ્યું. તેની બુદ્ધિપ્રતિભા અને કોઠાસુઝના કારણે અનેક એવોર્ડ મળ્યા, અને પોતાની દરેક ફરજો ખૂબ જ લગનથી નિભાવતો હોવાથી તેને ઘણી જવાબદારીઓ પણ સોંપાઈ. વિવેકની ઉપલબ્ધિઓ અને સફળતાઓને ધીમે ધીમે તેનામાં ગુરુતાગ્રંથી તો વધારી જ દીધી હતી, અને જીદનું મિશ્રણ થતા તેનો સ્વભાવ પણ થોડો બદલાવા લાગ્યો હતો, પરંતુ કેટલીક વર્કીંગ મોનોપોલીના કારણે તેનામાં ગુમાન-ઘમંડ અથવા અનુચિત અભિમાન પણ વધવા લાગ્યું હતું.
વિવેક હવે અવિવેકી થવા લાગ્યો હતો. બાળપણથી નામ પ્રમાણે ગુણ હતાં, પરંતુ ઉચ્ચ પોસ્ટ, મોટો હોદ્દો, સફળતાઓ, સિદ્ધિઓ, પ્રશંસાપત્રો, એવોર્ડસ, સન્માન સમારંભો અને મીડિયા-સોશ્યલ મીડિયા-અખબારોના માધ્યમથી થયેલી પબ્લિસિટીના કારણે એક તરફ તેની નામના દશે ય દિશાઓમાં વધવા લાગી હતી, તો બીજી તરફ તેમનામાં પ્રવેશેલા ઘમંડ, જીદ અને સુપરિયારિટી કોમ્પ્લેક્ષ જેવા છૂપા પરિબળોએ તેને તોછડો, અવિવેકી અને અતડો પણ બનાવી દીધો હતો.
પોતાના પરિવારથી તે હજારો કિલોમીટર દૂર હતો, અને કારકિર્દીના પ્રારંભે દરરોજ ફોન કરતો, મેસેજ મોકલતો, સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાના કોલેજકાળના મિત્રો તથા વતનના ફ્રેન્ડસર્કલ સાથે સતત સંપર્કમાં રહેતો હતો. ઘણી વખત વીડિયોકોલ કરીને પરિવાર અને માતા-પિતાના ખબર-અંતર પૂછી લેતો હતો, અને તેના ભાઈ-બહેનોના અભ્યાસ તથા અન્ય પારિવારિક બાબતોની ચર્ચા કરી લેતો હતો, પરંતુ હવે તે પોતાની સિદ્ધિઓના ગગનમાં એટલો ઊંચે ઊડી રહ્યો હતો કે તે ધીમે ધીમે પોતાના પરિવાર, વતનના મિત્રો અને સ્વજનોને ભૂલવા લાગ્યો હતો.
માતા-પિતાને વિવેકના વેવિશાળની ચિંતા હતી, અને ઘણાં લોકો આ માટે પૃચ્છા પણ કરતા હતાં. નાના ભાઈને એડમિશન માટે મદદ કે ગાઈડન્સની જરૃર હોય ત્યારે પહેલાની જેમ વિવેક તેને સહયોગ આપવાના બદલે ફોન જ ઉપાડતો નહીં. નાની બેનનું વેવિશાળ નક્કી કરવા વતનમાં આવવાનો પણ તેને 'ટાઈમ' નહોતો, અને આ માટે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવતો તો વિવેકના પી.એ. દ્વારા જ તેને ટાઈમ નહીં હોવાનો જવાબ આપી દેવામાં આવતો હતો. પરિવારનો નિભાવ હવે પિતાના પેન્શનમાંથી કરવો મુશ્કેલ હોવાથી નાના ભાઈએ પણ પોતાના ઉચ્ચ કારકિર્દીના સપનાઓ છોડીને નાની નોકરી સ્વીકારી લીધી હતી.
વિવેકને પરણાવવાના સપના જોતા માતા-પિતાને ત્યારે તીવ્ર આઘાત પહોંચ્યો, જ્યારે તેઓએ જણાવ્યું કે વિવેક તો એક ઉચ્ચ અભ્યાસ કરેલી યુવતી સાથે રહેવા લાગ્યો છે. તે લિવ-ઈન-રિલેશનશીપમાં રહે છે, અને સગાઈ કે લગન કર્યા વિના જ પતિ-પત્નીની જેમ રહે છે અને બન્ને જોબ કરે છે.
વિવેક હવે પહેલાની જેમ વિવેકી તો રહ્યો નહોતો, પરંતુ પરિવાર સાથેના સંબંધો તથા વતનના મિત્રોને પણ ભૂલી ચૂક્યો હતો, તેથી માતા-પિતાના એક વખત હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને વિવેકના જ એક મિત્ર સાથે વિવેકના નોકરીના સ્થળે પહોંચ્યા. ઓફિસમાં પી.એ.ને મળ્યા, અને ફોન પર લીધેલા સમયનો હવાલો આપ્યો. પી.એ.એ તેઓને માનભેર બોલાવ્યા અને ચા-પાણી પીવડાવ્યા.
વિવેકનો મિત્ર થોડા સમયમાં અકળાયો, કારણ કે બેલ વાગતી અને પ્યૂન જે નામ પોકારતો, તે અંદર ઓફિસમાં જતા અને બહાર આવતા, પરંતુ વિવેકના માતા-પિતાનો વારો જ આવ્યો નહીં... પી.એ. દ્વારા ઈન્ટરકોમમાં પુછવામાં આવતું ત્યારે વિવેક તેને કહેતો કે પહેલા અગત્યના કામો પતાવી લઉં... તેઓ તો ઘરના જ છે ને... તેઓ તો બેસશે... રાહ જોશે...
એકાદ કલાક સુધી વિવેક મળવા નહીં આવતા પિતાને આઘાત લાગ્યો અને બહાર નીકળી ગયા. તેની પાછળ પાછળ માતા અને મિત્ર પણ નીકળી ગયા. પિતા એ આઘાત સહન કરી શક્યા નહીં, અને ભારે હૃદયે વતનમાં પરત આવ્યા પછી બીમાર પડી ગયા... તે પછી પુત્ર વિવેક સાથેના તમામ સંપર્કો તોડી નાખ્યા... માતા પણ બીમાર રહેવા લાગ્યા...
વિવેકે તે દિવસે માતા-પિતા પરત જતા રહ્યા હોવા છતાં એકાદ ફોન કરવાનો વિવેક પણ દાખવ્યો નહીં, પરંતુ તેની સાથે લિવ-ઈન-પાર્ટનરશીપમાં રહેતી યુવતીનો ઘણાં દિવસો પછી ફોન આવ્યો કે તે હવે વિવેક સાથે લિવ-ઈન-પાર્ટનરશીપમાં રહેતી નથી, પરંતુ વિવેક સાથે પણ ડિપાર્ટમેન્ટલ ઈન્કાવયરી શરૃ થઈ છે... તેથી તેને પરિવારના સહયોગની જરૃર છે... તમે મદદ કરજો...
આમ, વિવેક પોતાના મૂળભૂત સંસ્કારો અને સદ્ગુણોમાંથી વિચલીત થઈને બરબાદીના માર્ગે વળ્યો અને અંતે ડિસમીસ થયો. બીજી તરફ તેનો નાનો ભાઈ ખાનગી પેઢીમાં નોકરી કરતો હતો, ત્યાં સૌનો વિશ્વાસ જીલી એ ઘણો આગળ વધ્યો અને નોકરી કરતાં કરતાં જમીન-મકાનની લે-વેચમાં બ્રોકરનું કામ પણ કરવા લાગ્યો હતો, અને સારૃ એવું કમાયો હતો. તે પછી તે રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યો હતો. એટલું જ નહીં, વયોવૃદ્ધ માતા-પિતાની સારસંભાળ રાખવાની સાથે સાથે નાની-બહેનનું વેવિશાળ પણ કરાવી દીધું હતું, અને હવે ધામધૂમથી પરણાવવાની હતી.
એ પછી પરિવારના કોઈપણ સારા-માઠા પ્રસંગે વતનમાં નહીં આવનાર વિવેકને સહયોગ આપવા વયોવૃદ્ધ માતા-પિતા અને ભાઈએ તેનો સંપર્ક કર્યો, ત્યારે ખબર પડી કે ભાઈ મોટી મુશ્કેલીમાં છે, અને કોઈ બીજાએ કરેલા ષડ્યંત્રનો ભોગ બન્યો છે. તેમના ગ્રુપમાં પણ તેને કોઈ સહયોગ આપતું નથી અને તેને કાનૂની મદદ નહીં મળે તો જેલમાં જવું પડે તેમ છે.
વિવેકનો ભાઈ તરત જ માતા-પિતાના આગ્રહને લક્ષ્યમાં લઈને મદદ કરવા પહોંચ્યો, ત્યારે વિવેક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, અને ભાઈની સાથે વતનમાં આવીને માતા-પિતાના પગે પડ્યો. તેમણે કહ્યું કે, 'ઘમંડ, સફળતાનો નશો અને ગુસ્સો કરવાની પડી ગયેલી ટેવના કારણે જ હું બરબાદ થયો છું, અને ગુસ્સામાં આવીને ભૂતકાળમાં પરિવારજનોની અવગણના કરી, તેના ફળ ભોગવી રહ્યો છું. ગુસ્સાની ટેવના કારણે ઊભા થયેલા દુશ્મનોએ બદલો લેવા મને ષડ્યંત્રમાં ફસાવી ને કૌભાંડિયા અધિકારીનું લાંછન લગાવ્યું છે, પરંતુ હુ તદ્ન નિર્દોષ છું...'
તે પછી તેના બાળપણના મિત્રોમાંથી રાજનેતા બનેલા અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચેલા એક મિત્રનો સંપર્ક કરીને વિવેકે પોતાના પરિવારની મદદથી કાનૂની લડાઈ લડી, અને સાથે સાથે બહેનને ધામધૂમથી પરણાવી. તેમની બહેન પણ ઉચ્ચ અભ્યાસ કરીને પ્રોફેસર બની હતી અને તેમનું વેવિશાળ પણ પ્રોફેસર સાથે જ થયું હતું... કાનૂની જંગ જીતીને નિર્દોષ ઠર્યા પછી વિવેક ફરીથી માનભેર ઉચ્ચ અધિકારી બન્યો, અને ભાઈ તથા માતા-પિતાને પોતાની સાથે જ રાખવાની પેશકશ કરી, તો પરિવારે ખૂબ જ નમ્રતાપૂર્વક ઈનકાર કરીને કહ્યું કે, 'વિવેક... હવે તું પહેલાનો વિવેક બની ગયો છે, તે જ બહું છે, હવે તું પરણીને ખુશ રહે... હવે અમારી ચિંતા કરતો નહી...!
આ કહાની ઘણાં લોકોને ગમશે અને ઘણાંને નહીં ગમે, પરંતુ એક વાત ચોક્કસ છે કે સફળતાનો નશો સંબંધોને તથા સ્વાર્થી અને સિદ્ધિઓનો સમાગમ વિવેકને હાઈજેક કરી જાય છે, સંસ્કારો અને સદ્ગુણોને હરી લ્યે છે અને અંતે બરબાદીને નોતરે છે.
જે લોકો સફળતાના ગગનમાં વિહરે, સિદ્ધિઓના શિખરો સર કરે અને ઉચ્ચ હોદ્દાઓ મેળવે, તેમ છતાં પોતાનો વિવેક ચૂકતા નથી. જમીન સાથે જોડાયેલા રહે છે, સંસ્કારો છોડતા નથી કે સદ્ગુણોની સાચી મૂડી સાચવીને રાખે છે. એટલું જ નહીં, પોતાના પરિવાર, ભાઈ-બહેન, માતા-પિતા અને બાળપણના મિત્રવર્તુળની જીવનપર્યંત ખેવના કરે છે, તેઓ જ સફળતાઓને પચાવી શકે છે, સિદ્ધિઓને જાળવી શકે છે અને સંસ્કારો-સદ્ગુણોનો સંચય કરી શકે છે... અન્યથા વિવેકની જેમ અવિવેકી, અભિમાની અને અતડા થયા પછી તેના માઠા પરિણામો પણ ભોગવવા પડે છે... તોતિંગ વૃક્ષોના મૂળિયા હંમેશાં મજબૂત અને ઊંડા જ હોય છે.
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વર્ષે મકસંક્રાંતિનું પર્વ ૧પ જાન્યુઆરીના કેમ?
આ વર્ષે મકરસંક્રાંતિનું વર્ષ ૧૪ જાન્યુઆરીના દિવસે નહીં, પણ ૧પ મી જાન્યુઆરીના દિવસે ઉજવાશે. હિન્દુ તહેવારો મોટાભાગે હિન્દુ કેલેન્ડર અને વિક્રમ સંવતની તિથિઓ મુજબ ઉજવાય છે, પરંતુ માત્ર મકરસંક્રાંતિનું પર્વ જ એવું છે, જે ઈસ્વીસનના અંગ્રેજી કેલેન્ડર અનુસાર ઉજવાય છે, અને તે મોટાભાગે ૧૪ મી જાન્યુઆરીના દિવસે હોય છે, પરંતુ અપવાદરૂપ કેટલાક વર્ષે મકરસંક્રાંતિનું પર્વ ૧પ મી જાન્યુઆરીના દિવસે ઉજવાય છે, તેનું જ્યોતિષશાસ્ત્ર ઉપરાંત ભૌગોલિક અને આધ્યાત્મિક કારણ પણ હોય છે.
આ મકરસંક્રાંતિનું પર્વ તારીખ-મહિના-ઈસ્વીસન મુજબ ઉજવાય છે, તેનું કારણ જે દિવસે સૂર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ થાય છે અને મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે કે ઉત્તરમાંથી દિશામાં ધનરાશિમાંથી મકર રાશિ તરફ ગતિ કરે છે, તેથી તે દિવસે જ ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ ઉજવવી પડતી હોય છે, અને આ ભૌગોલિક પ્રક્રિયા આ વર્ષે ૧પ મી જાન્યુઆરીના થનાર હોવાથી આ વર્ષે ૧પ મી જાન્યુઆરીના દિવસે મકરસંક્રાંતિ ઉજવાશે.
સૂર્યનારાયણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ સ્થિર છે, પણ જે રીતે આપણને આકાશમાં ગિતમાન દેખાય છે તે મુજબ જ્યોતિષશાસ્ત્ર મુજબની ગણત્રી તથા ભૌગોલિક ગતિવિધિઓની નોંધ થતી હોય છે. સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશે, અને ઉત્તરાયણ થાય, તે દિવસે વિક્રમ સંવત મુજબ દર વર્ષે એક સમાન તિથિ હોતી નથી, તેથી કદાચ સરળતા અને ઉજવણીની એકરૂપતા જળવાઈ રહે તે હેતુથી મકરસંક્રાંતિની ઉજવણી ઈસ્વીસન મુજબ થતી હશે, ખરૂ ને?
જે હોય તે ખરૂ, આપણે ત્યાં આમ પણ ઘણાં તહેવારો બબ્બે દિવસે અલગ-અલગ ઉજવાતા હોય છે, અને તેનું કારણ વિશાળ દેશના જુદા જુદા પ્રાન્તોના વિવિધાસભર રીતિ-રિવાજો, પરંપરાઓ અને માન્યતાઓ હોઈ શકે છે. આપણે તો આપણાં વિસ્તારમાં અને આપણી શ્રદ્ધા-માન્યતા મુજબ ઉજવણી કરવાની, અને બન્ને દિવસ પતંગ ચગાવવાના, બરાબર ને?
વર્ષ ર૦ર૪ મા સોમવાર ને ૧પ મી જાન્યુઆરીના દિવસે મકરસંક્રાંતિના પતંગ ઊડશે, તેની સાથે સાથે જ કમૂરતા પૂરા થઈ જતા વેવિશાળ-લગ્ન અને અન્ય શુભ પ્રસંગોનો ધમધમાટ શરૂ થઈ જશે.
મકરસંક્રાંત અથવા મકરસંક્રાંતિથી ક્રમશઃ દિવસ મોટો થતો જશે, અને રાત ટૂંકી થતી જશે. આ કારણે જ મકરસંક્રાંતિને ક્રાન્તિનો કાળ કહેવામાં આવે છે, કારણ કે સૂર્યનારાયણ દક્ષિણથી ઉત્તર તરફ ક્રાન્તિ કરે છે. આ વર્ષ ર૦ર૪ મા લોકસભાની ચૂંટણી પણ થનાર હોવાથી ઘણાં લોકો ચૂંટણી સાથે મકરસંક્રાંતિને ટાંકીને અવનવી રસપ્રદ કોમેન્ટો પણ કરવા લાગ્યા છે!
ખરમાસની સમાપ્તિ અને વાસી ખીસર
ખરમાસ ૧પ ડિસેમ્બર ર૦ર૩ થી શરૂ થયો હતો અને વર્ષ ર૦ર૪ ની ૧પ જાન્યુઆરીની મધ્યરાત્રિ પછી પૂર્ણ થશે, તેથી ૧૬ મી જાન્યુઆરીના દિવસને વાસી ખીસર પણ કહેવાય છે. ખીસર એ ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિનો પર્યાય શબ્દ મનાય છે.
જો કે, કેટલાક જાણકારો ઉત્તરાયણ અને મકરસંક્રાંતિને ભિન્ન ભિન્ન પણ માને છે. ધન રાશિમાંથી મકર રાશિમાં સૂર્યના પ્રવેશને મકરસંક્રાંતિ કહેવાય, અને સૂર્ય દક્ષિણમાંથી ઉત્તર તરફ ગતિ કરે તેને ઉત્તરાયણ કહેવાય, તેથી અલગ-અલગ અર્થઘટનો છતાં આ દિવસનું મહત્ત્વ તો એકસમાન જ હોય છે.
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સંક્રાંતિનો કાળ ખરેખર ક્રાન્તિ કેરો કાળ છે...
એક દૂધવાળાની વાતો પ્રચલિત છે. ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય કરતા એક પરિવારનો યુવાન તેમના પિતાના નિધન પછી દૂધનો ધંધો સંભાળી લ્યે છે. તે પહેલા તે યુવાન પશુઓ ચરાવવા અને સારસંભાળનું જ કામ કરતો હતો, અને જ્યારે ઢોર ચરાવવા ગયો હોય ત્યારે પશુઓ ચરિયાણમાં ઘાસ વિગેરે ચરતા હોય તેવા સમયે તે આકાશમાં મીટ માંડીને ઝાડના છાંયડે બેઠો બેઠો સ્વપ્નોમાં સરી જતો હતો અને પોતાના તથા પોતાના પરિવારના ઉત્કર્ષ માટે શું શું કરી શકાય તેના વિચારો પણ કરતો રહેતો હતો. આ સ્થિતિમાં ઘણી વખત તેમના પશુઓ ગૌચર કે ચરિયાણની નિશ્ચિત સીમા ઓળંગીને કોઈ ખેડૂતના ખેતરમાં ઘૂસી જાય, અને ઊભા પાકને નુક્સાન કરે, ત્યારે તે યુવાનને ઠપકો સાંભળવો પડતો અને પિતાની નારાજગી પણ વહોરી લેવી પડતી હતી, પરંતુ બીજી તરફ તે આળસ કર્યા વિના ઢોર ચરાવી, પાણી પીવડાવીને ઘરે આવ્યા પછી પણ નિષ્ઠાપૂર્વક પરિવારને મદદરૂપ થતો હોવાથી સૌ કોઈનો લાડલો પણ હતો. એટલું જ નહીં, તેના કેટલાક વિચારો અને સૂચનો તેમના અર્ધશિક્ષિત ભાઈ-ભાંડુઓને ગમતા પણ ખરા, પરંતુ વડીલો દ્વારા પરંપરાગત વ્યવસાય પ્રત્યેની લાગણી અને ધગશ જોઈને આ યુવાન પોતાનું મન વાળી લેતો હતો.
પરિવારની પરિસ્થિતિ સાધારણ હોવાથી અને પરંપરાગત વ્યવસાયમાંથી ગુજરાન સારૂ ચાલી શકતું હોવાથી તે પરિવારના વડીલો તે જમાનામાં બાળકોને ભણાવતા જ નહીં, અથવા તો સરકારી પ્રાથમિક શાળામાં મોકલીને અનિયમિત અને પાર્ટટાઈમ એજ્યુકેશન અપાવતા અને કિશોરવયના થતા જ પ્રાથમિક કક્ષાએથી જ અભ્યાસ છોડાવીને પરંપરાગત વ્યવસાયમાં જોતરી દેતા હતાં. આ કારણે તેઓ બહું ભણી શકતા નહીં. આ યુવાન પણ એ જ કારણે બહુ ભણી શક્યો નહોતો, પરંતુ તેના અરમાન ઊંચા હતાં. તેવામાં પિતાની અનંત વિદાય પછી શહેરમાં દૂધ વેંચવા જવાનું તે યુવાનની માથે આવ્યું હતું.
તે પછીની વાર્તા ઘણી જ પ્રચલિત છે અને વિવિધ સ્વરૂપે કથા-કહાનીઓમાં તેનો ઉલ્લેખ થતો રહે છે. આ યુવાન શહેરમાં દૂધ વેંચવા તો નીકળ્યો, પરંતુ માથા પર દૂધનો ઘડો લઈને ચાલતી વખતે પોતાની રોજીંદી આદત મુજબ સ્વપ્નોમાં ખોવાઈ ગયો અને ઊઘાડી આંખે સપના જોવા લાગ્યો. ચાલતાં ચાલતાં તેમણે વિચાર કર્યો કે આજથી દૂધ વેંચીને જે નાણા આવશે, તેમાંથી થોડી થોડી બચત કરીને એકાદ વર્ષ પછી હું કોઈ નાનો-મોટો વ્યવસાય કરીશ અને પશુપાલનનો વ્યવસાય ભાઈઓને સોંપીને દૂધના બાય-પ્રોડક્ટ્સ બનાવવાનું શીખી લઈશ. આ રીતે મૂલ્યવર્ધન કરીને ધીમે ધીમે કમાતો જઈશ, અને પછી આપણી આર્થિક સ્થિતિ સુધરે પછી નાના ભાઈ-બહેનોને ભણાવવા પણ મોકલીશ. તે પછી વધુ કમાઈશ, અને આપણે નળિયાવાળું મકાન પાડીને ત્યાં મેડી (બે માળનું મકાન) બનાવીશ, અને સુંદર મજાના મકાનની મેડીની અગાસી પરથી અમે બધા મકરસંક્રાંતિમાં પતંગ ઊડાવીશું, અને એ 'કાપ્યો છે...'નો આનંદ લેશું. ઉઘાડી આંખે આ સ્વપ્નો જોતા જોતા તે યુવાન આકાશમાં ઊડતા કાલ્પનિક પતંગને જોવા જતાં તેના માથા પરથી દૂધનો ઘડો નીચે પડી જાય છે, અને દૂધ ઢોળાઈ જાય છે... અને એ સાથે જ યુવાનના સ્વપ્ના પણ દૂધમાં રોળાઈ જાય છે!
આ કહાની એક માર્ગદર્શક વાર્તા છે,અને તેના નેગેટીવ અને પોઝિટિવ અર્થઘટનો થઈ શકે છે. આ કહાનીનો કાલ્પનિક વિસ્તાર પણ બન્ને રીતે થઈ શકે છે, પરંતુ અહીં આપણે પ્રાથમિક રીતે એવું તારણ કાઢી શકીએ કે ઉઘાડી આંખે સપના જોતી વખતે એટલું જાગૃત પણ રહેવું જોઈએ કે દૂધનો ઘડો માથા પરથી નીચે પડી ન જાય.. મતલબ કે આપણી અત્યારની વાસ્તવિક્તા અને તેની નક્કરતા વિસરાય ન જાય...
આ કહાની જેવી કલ્પનાઓ હજુ પણ સ્વીકૃત ગણાય અને થોડા જાગૃત રહીને ઊઘાડી આંખે સપના જોયા પછી તેમાંથી જ ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પણ કદાચ મળી જાય, પરંતુ ઘણી વખત આપણે કપોળ કલ્પનાઓ કરતા હોઈએ છીએ, અને તેમાંથી શંકા-કુશંકાઓ અને આશંકાઓ જન્મ લેતી હોય છે. આ પ્રકારની કપોળ કલ્પિત આશંકાઓ, શંકા-કુશંકાઓ ઘણી વખત ખતરનાક પરિણામો લાવતી હોય છે, અને આવી જ કપોળ કલ્પનાઓના કારણે ઘણી વખત હત્યાકાંડો, હિંસક ઘટનાઓ અને જિંદગીભરના વેરઝેર પણ સર્જાઈ જતા હોય છે. કપોળ કલ્પનાઓ તથા કુદરતી હકારાત્મક કલ્પનાઓમાં પણ આસમાન-જમીનનો ફર્ક હોય છે. કપોળ સ્વપનાઓની અસર હેઠળ કોઈપણ પ્રકારની તપાસ, પુરાવા કે આધારો વગર કોઈપણ વ્યક્તિની પ્રામાણિક્તા, નિષ્ઠા, ચારિત્ર્ય, વફાદારી કે કૌશલ્ય વિષે આશંકાઓ રાખીને મનોમન અણગમો, નફરત કે નારાજગીને પનપવા દેવી ઘણી જ ખતરનાક નિવડતી હોય છે, અને ધીમે ધીમે વિસ્ફોટકો જેવી ભયાનક બની જતી હોય છે. આ જ પ્રકારે કપોળ કલ્પનાઓ હેઠળ જો શંકાઓ-કુશંકાઓ-આશંકાઓ આપણા દિલો-દિમાગ પર કબજો કરી લ્યે, તો તેમાંથી સર્જાયેલા પૂર્વગ્રહો અને ધૃણાના કારણે મોટા-મોટા સંઘર્ષો, દંગલો કે અનિચ્છિન્ય ઘટનાક્રમોની બુનિયાદ પણ રચાઈ જતી હોય છે. રોજીંદા જીવનમાં આપણે એ પ્રકારના ઘણાં ઘટનાક્રમો સર્જાતા જોતા પણ હોઈએ છીએ. પોઝિટિવ, હકારાત્મક, સર્જનાત્મક, પ્રેરણાત્મક અને પોસીબલ (શક્ય હોય તેવી) કલ્પનાઓ આપણા જીવનને ઉન્નતિ તરફ જ લઈ જતી હોય છે, પરંતુ કપોળ કલ્પનાઓ એટલે કે તદ્ન વાહિયાત, શંકા-કુશંકાઓ, આશંકાઓથી ગ્રસિત નેગેટીવ, સંદેહાત્મક, ખંડનાત્મક અને વિના કારણ ઉત્તેજક મનોભાવના સાથેની અયોગ્ય કલ્પનાઓ બરબાદી તરફ જ ઢસડી જતી હોય છે.
શંકા, કુશંકાઓ, આશંકાઓમાંથી રાયનો પર્વત કેવી રીતે થતો હોય છે, તે અખા અને ખૂબજ સરળ શબ્દોમાં, લોકભોગ્ય ભાષાઓ અને સચોટ પરિભાષામાં અદ્ભુત રીતે સમજાવ્યું છે... કે...
વા વાયા ને નળિયું ખસ્યું,
તે દેખી ને કૂતરૃં ભસ્યું,
કોઈ કહે મેં દીઠો ચોર,
ત્યાં થયો બહુ શોરબકોર.
ટૂંકમાં વાતનું વતેસર કેવી રીતે થઈ જાય, અને પવન આવતા નળિયું ખસે અને અવાજ આવતા કૂતરૃં ભસવા લાગે, ત્યારે કોઈ વ્યક્તિ ચોર દીઠો હોવાની કપોળ કલ્પના કરી બેસે, તો તેમાંથી શોર-બકોર ઉત્પન્ન થતો હોય છે, મતલબ કે ઘણી વખત આ પ્રકારની જુઠ્ઠી કલ્પનામાંથી અનિચ્છિનિય ઘટનાઓ તથા માઠા પરિણામોની પણ પૂરેપૂરી સંભાવનાઓ રહેતી હોય છે.
'મન હોય તો માળવે જવાય'... એટલે કે મનોબળ મજબૂત હોય તો આપણું મગજ પણ વાસ્તવિક્તાને જ સ્વીકારવા લાગતું હોવાથી કપોળ કલ્પનાઓ ઓછી આવે, અને કોઈ અનહોની બનતી પણ અટકી જતી હોય છે, ખરૃં કે નહીં?
મકસંક્રાંતિમાં આપણે ભલે મનોરંજન માણીએ અને એકબીજાની દોર પર પ્રહાર કરીને એકબીજાના પતંગ કાપવાની મજા માણીએ... પરંતુ એ દિલચશ્પ અને ખેલદિલી સાથે રમાતી સ્પર્ધામાંથી વાસ્તવિક જીવનમાં કોઈની પ્રગતિનો માર્ગ અવરોધીને કે બીજાની લીટી ભૂંસવાનો પ્રયાસ કરવાના બદલે આપણી લીટી જ મોટી કરીએ, તે અત્યંત જરૂરી છે. મકરસંક્રાંતિનું પર્વ ક્રાંતિકારી ગણાય છે, અને આ પર્વથી મંગલ પ્રસંગોની પુનઃ શરૂઆત થઈ જાય છે. સંક્રાંતિનું ધાર્મિક, આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક મહત્ત્વ તો હતું જ, અને હવે માર્કેટીંગ યુગમાં આર્થિક દૃષ્ટિએ પણ વિશેષ મહત્ત્વ ઉમેરાયું છે.
મકરસંક્રાંતિને વિવિધ પ્રદેશોમાં જુદા-જુદા નામે ઓળખવામાં આવે છે, અને તેનું મહાત્મય પણ જુદા જુદા સંદર્ભો, પૌરાણિક-ઐતિહાસિક ઘટનાઓ અને કેટલાક વિશેષ પ્રસંગોને સાંકળીને વર્ણવવામાં આવે છે. ઋતુચક્ર અને સૂર્યની ગતિની દૃષ્ટિએ પણ મકરસંક્રાંતિનું અલગ જ મહત્ત્વ વર્ણવાય છે, પરંતુ આ પર્વને ક્રાંતિનું પર્વ પણ ગણવામાં આવે છે, અને તેની પાછળના તાર્કિક કારણો પણ છે. સૌ કોઈને મકરસંક્રાંતિ પર્વની વિશેષ શુભકામનાઓ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
'આદત સે મજબૂર' એવો કટાક્ષ વ્યસનો ઉપરાંત જુગાર, સટ્ટો, અસુરક્ષિત ફોકસ માટે પણ થાય છેઃ
કોઈપણ પ્રકારનું વ્યસન બરબાદી જ નોતરે છે, તે સૌ કોઈ જાણે છે, તેમ છતાં વ્યસન છૂટી જ શકતું નથી, અને વ્યસનને છોડવાના પ્રયાસો કરવા છતાં કેટલાક સમયમાં ફરી ચાલુ થઈ જાય છે, અને તેનું કારણ એવું આપવામાં આવતું હોય છે કે વ્યસન બંધ કર્યા પછી તેની આડઅસરો થઈ હતી. કોઈ કહે છે કે વ્યસન છોડ્યા પછી મગજ બરાબર કામ કરતું નહોતું, તો કોઈ એવું પણ કહે છે કે વ્યસન બંધ કર્યા પછી રોજીંદી પ્રક્રિયાઓ ખોરવાઈ જતી હતી, અને કેટલીક શારીરિક સમસ્યાઓ પણ ઊભી થતી હતી. કોઈ વળી વ્યસન છોડ્યા પછી શારીરિક અને માનસિક બન્ને પ્રકારની તકલીફો ઊભી થઈ હોવાનું જણાવે છે, તો કોઈ વ્યસનનો પ્રકાર બદલીને 'બકરૃ કાઢીને ઊંટને આમંત્રણ આપવા' જેવી 'વચલા' માર્ગ કાઢતા હોય છે. એક સર્વ સામાન્ય દલીલ એવી પણ થતી રહેતી હોય છે કે, લાંબા સમયનું વ્ય્સન ત્યજવું એ મુશ્કેલ જ નહીં, અસંભવ છે!
હકીકતમાં વ્યસન નહીં છૂટવું, એ માનસિક સમસ્યા જ છે. વ્યસન મનને નબળું બનાવે છે, તેથી જ વ્યસન છોડવા માટે દૃઢ મનોબળ અને અડગ નિર્ધાર કરવો જરૃરી હોય છે. 'મન હોય તો માળવે જવાય'ના હાર્દને સમજીને મનને અત્યંત મજબૂત બનાવવું પડે અને દૃઢ મનોબળની સાથે અફર પ્રણ લઈને વ્યસન છોડવાનો સતત પ્રયાસ કરવો જોઈએ. જ્યાં સુધી સફળતા ન મળે, ત્યાં સુધી સતત પ્રયત્નો કરતા રહેવા જોઈએ. વ્યસન છૂટી જ શકે છે, તે નિર્વિવાદ હકીકત છે. જુનું વ્યસન છોડવું અત્યંત અઘરૃ છે, પરંતુ અશક્ય તો નથી જ હો...
જે લોકો એવું કહેતા હોય કે વ્યસન છોડવું અશક્ય છે. ઘણાં પ્રયાસો કર્યા, પરંતુ સફળતા મળી જ નહીં. વ્યસન છોડતા જ પેટની તકલીફ થવા લાગી. કુદરતી પ્રક્રિયાઓ ખરોવાઈ ગઈ, ખોરાક, નિદ્રા, કુદરતી હાજત સહિતના શેડ્યુલ જ વિખેરાઈ ગયા. ખાવાનું પચતું નથી, મગજ તો સુન્ન જ થઈ જાય છે અને શરીર પર જાણે નિયંત્રણ જ રહેતું નથી. નિરાસાજનક અને નકારાત્મક વિચારો આવે છે અને ક્યાંય ગમતું જ નથી. રાત્રે ઊંઘ આવતી નથી અને શરીરમાં જાણે કૌવત જ ન હોય તેવી નબળાઈ આવી જાય છે. ક્યારેક આંખે અંધારા આવે છે, તો ક્યારેક 'ધૂમ' એટલે કે ચક્કર જેવું આવે છે. કેટલાક લોકો અપચો, ગેસ્ટ્રોલાઝ, વોમિટીંગ અને હેડેક-બોડીયોકની ફરિયાદ પણ કરતા હોય છે.
વ્યસન છોડવાના પ્રયાસોના પ્રારંભે આ તમામ પ્રકારની અનુભૂતિઓ થતી જ હોય છે, તે તદ્ન સાચી વાત છે, પરંતુ આ અનુભૂતિઓ માત્ર ને માત્ર માનસિક જ હોય છે. એમ પણ કહી શકાય કે આ પ્રકારની અનુભૂતિઓ માનસિક ભ્રમનું જ પરિણામ હોય છે. આને અર્ધસત્ય પણ ગણાવી શકાય. આ પ્રકારની અનુભૂતિઓને ભ્રમણા કહો, અર્ધસત્ય કહો કે નક્કર હકીકત ગણો, તો પણ તેમાંથી છૂટવું તદ્ન અસંભવ જ છે, તેમ માનવું પણ ભૂલભરેલુ છે. આપણી વચ્ચે જ એવા ઘણાં દૃષ્ટાંતો પણ જોવા મળશે. જેઓએ દાયકાઓ જુનું બીડીનું બંધાણ છોડી દીધું હોય, વર્ષોથી તમાકુનું સેવન કરતા હોય અને દૃઢ માનસિક્તા સાથે તમાકુંને તિલાંજલિ આપી દીધી હોય, કે પછી શરાબનું કે ધૂમ્રપાનનું જુનું વ્યસન ત્યાગી દીધું હોય!
વ્યસનો છોડવાની બાબતમાં આપણાં મનને અનુકૂળ હોય તેવા દૃષ્ટાંતો સાંભળવા આપણને ગમે છે. વ્યસનોને જસ્ટીફાય કરવા માટે આપણે એમ પણ કહીએ છીએ કે તમાકુ ખાતા હોય કે દારૃ પીતા હોય કે પછી અન્ય કોઈપણ પ્રકારનો નશો કરતા હોય તેને કેન્સર થાય જ છે, તેવું ક્યાં છે? ઘણાં લોકો ૮૦-૯૦ વર્ષની ઉંમરે પણ બીડી પીતા હોય છે, ઘણાં લોકો મૃત્યુપર્યંત તમાકુનું સેવન કરવા છતાં તંદુરસ્ત રહ્યા છે, કે પછી ઘણાં લોકો આજીવન શરાબનુું સેવન કરવા છતાં તંદુરસ્ત રહ્યા હોવાના તર્કો આપણે રોજ-બ-રોજ સાંભળતા પણ હોઈએ છીએ અને આ પૈકીના કેટલાક અભિપ્રાયો સાથે આપણે સહમત પણ હોઈએ છીએ, ખરૃ કે નહીં?
'મન હોય તો માળવે જવાય... નાચનારીનું આંગણું વાંકુ' અથવા 'મન હોય તો માળવે જવાય... નાચવું નહીં તેનું આંગણું વાંકુ' જેવી કહેવતો આ પ્રકારની દલીલ-તર્કોનો છેદ ઊડાવે છે, રાઈટ?
ઘણાં લોકો એવું કહેતા સંભળાય છે કે એક વિખ્યાત સંત તો સાદગીભર્યું જીવન જીવ્યા હતાં અને જીવનપર્યંત કોઈપણ વ્યસન નહોતું, તેમ છતાં તેને પણ કેન્સર થયું હતું, તેથી કેન્સર તમાકુ ખાવાથી થઈ જ જાય, તેવી માન્યતા ખોટી છે. આ પ્રકારે તો આપણે આપણી જાતને જ છેતરતા હોઈએ છીએ અને ખતરનાક વ્યસનોને જસ્ટીફાય કરવાના પ્રયાસો કરતા હોઈએ છીએ. તમાકુના સેવનથી દરેક વ્યક્તિને કેન્સર થઈ જ જાય, તેવું ન હોય, તો પણ તમાકુના કારણે કેન્સર થતા સંખ્યાબંધ લોકોના મૃત્યુ થાય છે અને ઘણાં ઘર બરબાદ થઈ જાય છે, તે નક્કર હકીકત છે, તે ભૂલવું ન જોઈએ.
આ વાસ્તવિક્તા જાણીને આપણે સૌએ એવો ભ્રમ મનમાંથી કાઢી નાંખવો જોઈએ કે વ્યસનો છોડી જ શકતા નથી. ઝાડને બાથ ભરીને ઊભેલો વ્યક્તિ એવું કહે કે ઝાડે તેને પકડી રાખ્યો છે, અને તે છૂટી શકતો નથી, પરંતુ હકીકતે તે પોતે જ ઝાડને પકડીને ઊભો હોય છે, અને ઝાડને ધરાર છોડતો હોતો નથી. કાંઈક એવી જ રીતે આપણે વ્યસનના ગુલામ બની જઈએ છીએ અને ઘણાં પ્રયાસો કરવા છતાં ન છૂટે ત્યારે હાર માની લઈને આ પ્રકારના તર્કોના શરણે જઈએ છીએ. હકીકતમાં આપણી વચ્ચે જ ઘણાં બધા એવા લોકો હોય જ છે, જેમણે વર્ષો જુની આદતો, વ્યસનો કે નશો કરવાની બીમારીને મક્કમતાપૂર્વક તિલાંજલિ આપી દીધી હોય. હવે તો એવા રિહેલિબિટેશન સેન્ટર્સ પણ ખુલ્યા છે, જ્યાં હાથમાં રગડીને તમાકુ મૂકવાથી લઈને ખતરનાક ડ્રગ્સના સેવન સુધીના વ્ય્સનોમાંથી છૂટકારો મેળવવાનો માર્ગ મળી શકે છે.
વ્યસનો માત્ર તમાકુ, શરાબ કે ડ્રગ્સના જ હોય તેવું નથી, કેટલાક એવા વ્યસનો પણ હોય છે, જે ખાવા-પીવાની ચીજોથી કે સુંઘવા અથવા ધૂમ્રપાનથી નહીં, પરંતુ કુટેવો, આદતો અને કુસંગતમાંથી ઉપજે છે અને આપણું જીવન બરબાદ કરી નાંખે છે.
એક કહેવત છે કે કાળિયા સાથે ધોળિયો બાંધીએ, તેથી વાન ન આવે, પણ શાન તો આવી જ જાય, તેવી જ રીતે ઘણી વખત બુરી આદતોનો ભોગ બનેલા લોકો વિચિત્ર પ્રકારના વ્યસનોમાં ફસાઈ જતા હોય છે. કહેવત મુજબ 'કાળિયા સાથે ધોળિયો બાંધીએ, તો વાન ન આવે એટલે કે બલેક કલરના બળદની સાથે વ્હાઈટ કલરનો બળદ બાંધીએ, તો કદાચ સફેદ બળદને કાળો રંગ ન લાગે, પરંતુ કાળા બળદ જેવી હરકતો તો કરવા જ લાગ્યો હોય', માનવજીવનમાં પણ એવું જ હોય છે અને સંગતની સારી-માઠી અસરો થતી જ હોય છે.
'આદત સે મજબૂર' એવો કટાક્ષ ઘણાં લોકો માટે થતો હોય છે. આ આદતો વ્યસનો સિવાયની પણ હોઈ શકે છે. દૃષ્ટાંત તરીકે જુગાર રમવાની આદત, સટ્ટો રમવાની આદત કે પછી અસુરક્ષિત સેક્સ માણવાની આદત...!
આ પ્રકારની બૂરી આદતો વ્યસનો જેટલી જ ખતરનાક હોય છે. જુગાર, શેર-શટ્ટો વગેરેના કારણે ઘણાં લોકોના ઘર બરબાદ થઈ જાય છે, કેટલાક નબળા મનોબળના લોકો આત્મહત્યા પણ આવા જ કારણે કરી લેતા હોય છે, અને ઘણી વખત આ કારણે જ વ્યાજખોરોની ચંગુલમાં ફસાઈને સપરિવાર પલાયન કે આત્મહત્યા કરવા મજબૂર બની જતા હોય છે. અસુરક્ષિત સેક્સની બૂરી આદત ધરાવતા લોકો એઈડ્ઝ જેવી જીવલેણ બીમારીનો ભોગ બનતા હોય છે અને ઘણી વખત પોતાના તથા પરિવારના આબરૃના ધજાગરા પણ ઊડતા હોય છે. આત્મહત્યાની સમસ્યાનું આ પણ એક કારણ છે.
વ્યસનો જીવનનો હિસ્સો પણ બની શકે છે, અને જીવનનો અંત પણ લાવી શકે છે. વ્યસનો મગજ (દિમાગ) ને તેજીથી ચલાવી પણ શકે છે, અને એટલી જ તેજીથી ડિપ્રેશનની ભેટ પણ આપી શકે છે. વ્યસનોથી ક્ષણિક ઉત્તેજના, શક્તિ કે જુસ્સો મળી શકે છે, પરંતુ તે પછી લાંબા ગાળાની બીમારીઓ કે સતત નબળાઈની ભેટ પણ આપી શકે છે. વ્યસનોથી થતા રોગ એટલા ભયંકર હોય છે કે તે ઘણી વખત જીવતા વ્યક્તિને નર્ક જેવી પીડા આપીને મરવા મજબૂર કરી દેતા હોય છે. વ્યસનથી ફાયદો શૂન્ય છે, પરંતુ નુક્સાન અગણિત છે. વ્યસનોની ફળશ્રૂતિથી થતાં રોગોના ઉપચાર પાછળ ઘણી વખત જિંદગીભરની બચત ખર્ચાઈ જાય છે, તો જમીન-મકાન-સ્થાવર-જંગમ મિલકતો પણ વેંચાઈ જાય છે, અને આ પ્રકારના દર્દથી પીડાતા પતિને બચાવવા અંતિમ ઉપાય તરીકે પોતાનું મંગલસૂત્ર વેંચવા પણ પત્નીઓ મજબૂર થતી હોવાના દૃષ્ટાંતો પણ બનેલા છે, તેથી ક્ષણિક મજા આપતા વ્યસનો હકીકતે તો આપત્તિ અને આપણા પરિવારની હસી-ખુશી, સુખ-શાંતિ અને સંપત્તિની કબર ખોદવાના સાધનો જ ગણાય, ખરૃ ને ?
તો ચાલો, સંકલ્પ કરીએ કે વર્ષ ર૦ર૪ માં મક્કમ બનીને વ્યસન, બુરી આદતોને તિલાંજલિ આપીને દેખાડી દઈશું કે અમે કમજોર નથી!
- વિનોદ કોટેચા
વ્યસનો દર વર્ષે લાખો જિંદગી ભરખી જાય છે
ભારતમાં દર વર્ષે ૯ થી ૧૦ લાખ લોકો તમાકુ અને તેનાથી મિશ્રિત પદાર્થોનું સવન કરવાથી મૃત્યુ પામે છે. તમાકુનું સેવન અલગ અલગ રીતે થાય છે. હાથની હથેળીમાં ચુના સાથે તમાકુની પાંદડીઓને મસળીને દાંત વચ્ચે મૂકવાનું વ્યસન, પાન-મસાલા-સોપારી સાથે મિશ્રણ કરીને, ગુટખાના સ્વરૃપમાં અને બજર (છીંકણી) દાંતમાં ઘસીને તમાકુનું સેવન થાય છે. ધૂમ્રપાનના પણ વિવિધ સ્વરૃપો છે. બીડી, સિગારેટ, ચલમ, હોકો, સિગાર વગેરે દ્વારા તમાકુનું ધૂમ્રપાનના સ્વરૃપમાં સેવન થતું હોય છે.
વીસમી સદીમાં તમાકુએ દુનિયામાં લગભગ દસ કરોડ લોકોના જીવ લીધા હતાં, અને હાલમાં વિશ્વમાં દર વર્ષે લગભગ ૮૪ લાખ લોકોના મૃત્યુ તમાકુના સેવનથી થતા રોગોના કારણે થતું હોવાનું કહેવાય છે. એક અભિપ્રાય મુજબ તમાકુ બંધ કરી દીધા પછી પણ તેના કારણે કેન્સર થવાની શક્યતાઓ લાંબા સમય સુધી રહેતી હોય છે, તેથી તમાકુ છોડી દીધાના કેટલાક વર્ષ પછી કેન્સર થાય, તો એવું કહી ન શકાય કે તમાકુનું સવન કરતા હતાં, ત્યાં સુધી કાંઈ ન થયું અને તમાકુ છોડ્યા પછી કેન્સર થઈ ગયું!
એક અન્ય આંકડા મુજબ વિશ્વમાં માત્ર તમાકુના વિવિધ પ્રકારના સેવનના કારણે દર વર્ષે ૮૦ લાખ લોકો મૃત્યુ પામે છે, અને ધૂમ્રપાનના કારણે થતા મૃત્યુ ઉપરાંત કેટલાક લોકો તો માત્ર ધૂમ્રપાન કરનારા લોકોના સતત સંપર્કમાં રહેતા હોવાથી પણ જવ ગુમાવતા હોય છે, કારણ કે ધૂમ્રપાન કરનાર વ્યક્તિ દ્વારા છોડવામાં આવતો ધૂમાડો સતત સાથે રહેતા વ્યક્તિના શ્વાસમાં પણ જાય છે.
હમણાંથી નિઃસંતાન દંપતીઓની સારવાર કે પરીક્ષણ દરમિયાન એવું બહાર આવ્યું છે કે, તમાકુનું વ્યસન, ડ્રગ્સનું સેવન, શરાબની આદત કે અસુરક્ષિત માસાંહારના કારણે સેક્સની તકલીફ થતી હોય છે અને તેના કારણે સંતાન પ્રાપ્તિ થવામાં અવરોધ આવે છે, તેથી આ પ્રકારનું વ્યસન તત્કાળ છોડી દેવાની સલાહ આપવામાં આવતી હોય છે, અને સંતાન પ્રાપ્તિ માટે ઘણાં લોકો ર્યસનો છોડી દે, તેના થોડા વર્ષોમાં સંતાનપ્રાપ્તિ થતી પણ હોય છે.
એનસીઆરબીના રિપોર્ટ મુજબ વર્ષ ર૦૧પ થી વર્ષ ર૦૧૮ દરમિયાન દેશમાં ઝેરી શરાબ પીવાથી દર વર્ષે દોઢેક હજાર લોકોના જીવ જાય છે, જ્યારે શરાબનું વ્યસન પણ દર વર્ષે સંખ્યાબંધ લોકોના મૃત્યુનું કારણ બને છે. ડ્રગ્સનું સેવન પણ વિશ્વમાં લાખો લોકોના મૃત્યુનું કારણ બને છે. આથી દરેક પ્રકારનું વ્યસન હાનિકર્તા, જીવલેણ અને આર્થિક, શારીરિક, માનસિક-સામાજિક અને પારિવારિક રીતે બરબાદ કરનારૃ હોવાથી તેને મક્કમ થઈને તિલાંજલિ આપવામાં જ આપણી ભલાઈ હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સંસદની સુરક્ષામાં ચૂકનો મુદ્દો ગરમાયા પછી દેશભરમાં સંસદની ગરિમા અને સંસદના મહત્ત્વ વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. ઘણાં લોકો જાણતા જ હશે કે આપણા દેશના પાંચમા વડાપ્રધાનને વડાપ્રધાનપદે રહ્યા ત્યાં સુધી સંસદમાં પી.એમ. તરીકે ભાગ લેવાનો અવસર જ મળ્યો નહોતો.
આપણા પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ હતા. તેઓ ૨૮ જુલાઈ ૧૯૭૯થી ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ વચ્ચે વડાપ્રધાન રહ્યા હતા પરંતુ આ દરમિયાન સંસદનું સત્ર જ મળ્યું નહોતું અને કોંગ્રેસે સમર્થન પાછું ખેંચી લેતા તેમણે વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધુ હતું.
આમ, ચૌધરી ચરણસિંહ ૧૭૦ દિવસ માટે જ વડાપ્રધાન રહ્યા હતા.
ચૌધરી ચરણસિંહ કિસાનોના નેતા હતા અને સ્વતંત્ર ચળવળમાં સક્રિય રીતે જોડાયા હતા. આઝાદી પછી તેઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ બન્યા હતા. આઝાદી પછી તેઓ સમયાંતરે બોહિયાના ગ્રામીણ સુધાર કાર્યક્રમમાં પણ સક્રિય રીતે જોડાયા હતા. તે પછી ભારતીય લોકદળની વર્ષ ૧૯૭૪માં રચના થઈ જેના તેઓ પ્રમુખ બન્યા. ભારતીય લોકદળનું વર્ષ ૧૯૭૭માં જે.પી.ના નેતૃત્વમાં જનતા પાર્ટીમાં વિલીનીકરણ થયું પરંતુ ભાલોદનું ચૂંટણી ચિન્હ હળધારી ખેડૂત જનતા પાર્ટીનું ચૂંટણી પ્રતીક બન્યું. જનતા પાર્ટીની સરકાર બની અને વડાપ્રધાન મોરારજી દેસાઈ બન્યા. તે પછી આંતરિક વિખવાદના કારણે જનતા પાર્ટી તૂટી.
ચૌધરી ચરણસિંહ દ્વારા સ્થાપિત ભારતીય લોકદળ જનતા પાર્ટીમાં વિલીન થયું હતું અને તે પછી જનતા પાર્ટી તૂટી ત્યારે જનતા દળની રચના થઈ. આ નવી રાજકીય પાર્ટીમાંથી છૂટા પડ્યા પછી જનતા દળ બન્યું હતું.
રાષ્ટ્રીય કિસાન દિવસ
કિસાન નેતા ચૌધરી ચરણસિંહના જન્મદિન ૨૩ ડિસેમ્બરે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવવાની ઘોષણા વર્ષ ૨૦૦૧માં વાજેપયી સરકારે કરી હતી અને ૨૩ ડિસે. ૨૦૦૧થી દેશમાં રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી થાય છે.
દેશના પાંચમાં વડાપ્રધાન અને કિસાન નેતા ચૌધરી ચરણસિંઘની સ્મૃતિમાં ઉજવણી થાય છે.
આ દિવસે દેશમાં કિસાનોને સાંકળીને વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. કૃષિ યુનિ. સહિત શાળા-કોલેજો, ખેડૂત સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ વગેરે દ્વારા આ દિવસની ઉજવણી થાય છે અને ખેડૂતોના ઉત્થાન, કૃષિ વિકાસ અને તદ્વિષય થીમ આધારિત સમારોહો, વ્યાખ્યાનો, ચિત્ર તથા ફિલ્મ પ્રદર્શનો વગેરે યોજાય છે.
કિસાનોની ઉન્નતિ, પ્રગતિ, કલ્યાણ અને કૃષિ વિકાસના વિષયો વિવિધ ક્ષેત્રે અલગ અલગ રીતે ચર્ચાતા હોય છે. આઝાદી પહેલા અને આઝાદી પછી કેટલાક કિસાન આંદોલનો પણ થયા છે.
ખેતીવિકાસનો વિષય પણ હવે ગ્લોબલ બન્યો છે. પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે ગુજરાતના રાજ્યપાલ વ્યક્તિગત રીતે પણ ઝુંબેશ ચલાવતા રહે છે. ખેતી વિકાસ અને કિસાન કલ્યાણ સાથે પશુપાલન તથા પશુપાલકોના કલ્યાણના વિષયો તથા વીજ પર્યાવરણના વિષયો પણ પરસ્પર સંકળાયેલા હોવાથી કિસાન દિવસની ઉજવણીના દિવસે બહુ હેતુક પ્રવૃત્તિઓ થતી હોય છે.
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મીંઢા, અબોલ, ઓછાબોલા, ગૂઢ કે નિંભર જણાતા ઘણાં લોકો ખૂબજ જ્ઞાની અને લાગણીશીલ પણ હોઈ શકે
આપણે ઘણી વખત વડીલોના મૂખેથી 'જડભરત' શબ્દ સાંભળ્યો હશે. મંદબુદ્ધિ કે વિચિત્ર હરકતો કરતા હોય કે ઘણું ઓછું બોલતા હોય તથા કોમન સેન્સનો અભાવ જણાતો હોય, તેના માટે મોટાભાગે તળપદી ભાષામાં 'જડભરત' જેવો હોવાના શબ્દપ્રયોગો થતાં હોય છે. હકીકતમાં જડભરત શબ્દ પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાંથી આવ્યો છે. વિષ્ણુપુરાણમાં જડભરતની કથા આવે છે. જેમાં આપણા દેશનું નામ 'ભારત' પડ્યું, તે પ્રતાપી ચક્રવર્તી રાજા ભારતના વંશજોનું વર્ણન આવે છે. પૂર્વજન્મમાં સમ્રાટ તરીકે રાજ કરનાર રાજા ભરતના પૂનરાવતારોની આ કથા ઘણી રસપ્રદ છે.
જડભરતની કથા
ભગવાન ઋષભદેવના ૧૦૦ પુત્રોમાં ભરત ઘણાં જ પ્રતાપી અને તેજસ્વી હતા. તેઓ પ્રાચીન ભારતના રાજા બન્યા હતા. શ્રીમદ્ ભાગવત કથાના પાંચમ સ્કંધમાં જડભરતના પૂર્વજન્મોનું જે વર્ણન આવે છે તેમાં જડભરતની ગૂઢતાનું રહસ્ય છૂપાયેલું છે. ગણપતદેવે સંન્યાસ લીધા પછી ભરત રાજા બન્યા અને પછી ચક્રવર્તી બન્યા. ભરતે લાંબા સમય સુધી રાજ કર્યું અને વાનપ્રસ્થાનશ્રમ ગ્રહણ કરીને પોતાનું રાજપાટ પુત્રોને સોંપ્યું. વનવાસ દરમિયાન એક મૃગ સાથે અનુરાગ થઈ જતા તેઓ બીજા જન્મમાં મૃગ બન્યા અને મૃગયોનિ પછી બ્રાહ્મણ પરિવારમાં મનુષ્ય તરીકે જન્મ લેવા છતાં પૂર્વજન્મોની સ્મૃતિ જળવાઈ રહી હોવાથી મનુષ્યયોનિમાં તેઓ ખૂબજ વિચારશીલ અને અનુરાગ અનુગ્રહોથી લિપ્ત તથા અંતર્મુખી રહેવા લાગ્યા અને સંસારથી અલિપ્ત રહેવા લાગ્યા. આ કારણે લોકો તેને મંદબુદ્ધિના અથવા પાગલ સમજવા લાગ્યા. આ કારણે તેમનું નામ 'જડભરત' પડી ગયું. જો કે, તેઓ ઈશ્વરભક્તિમાં મનોમન લીન રહેતા હતા અને મૃત્યુ પછી મોક્ષ મળ્યો, પરંતુ જીવ્યા ત્યાં સુધી લોકોના ઉપહાર અને અવગણનાનો ભોગ બનતા રહ્યા હતા. આ કારણે આજે પણ ગૂઢ, ઓછા બોલતા, કેટલાક અસાધારણ હરકતો કરતા રહેતા કે સંસારથી વિરકત રહેતા લોકોને 'જડભરત' કહેવામાં આવે છે અને તેની હાંસી ઉડાવવામાં આવે છે, પરંતુ આ જ જડભરત પૂર્વજન્મમાં સમ્રાટ રાજા ભરત હતા, તે ઘણાં ઓછાને ખબર હશે. આ કથાઓ પણ ગૂઢાર્થમાં લખાઈ હોય છે અને તેનો વાસ્તવિક સંદેશ હંમેશાં નહિતમાં જ હોય છે.
માનવીની અસલ ઓળખ
માનવીની અસલ ઓળખ તો આધ્યાત્મ, સાયન્સ અને હિન્દીમાં અલગ અલગ રીતે વર્ણવવામાં આવે છે અને જુદા જુદા ધર્મ-સંપ્રદાયોમાં તેના જુદા જુદા સંદર્ભાે, માન્યતાઓ અને કથાઓ પણ પ્રચલિત છે પરંતુ માનવીને બ્રાહ્ય દેખાવ, વાણી-વ્યવહાર કે હાવભાવથી નહીં પણ તેના સંસ્કારોના માધ્યમથી જ થઈ શકે છે.
આમ તો માનવીને ઓળખવો અઘરો જ હોય છે. ઘણાં લોકો બાહ્ય જીવનમાં જેવા હોય છે તેવા જ આંતરિક રીતે હોતા નથી. ઘણી પ્રચલિત વિખ્યાત અને આદર્શ ગણાતી વ્યક્તિઓની અંગત જિંદગી તેમના બાહ્ય સ્વરૃપથી તદ્દન અલગ જ નીકળતી હોય છે. જ્યારે ઘણાં લોકોની દરિયાદિલી અને સંસ્કારોની સુવાસ તેની કાયમી વિદાય પછી પણ પ્રગટ થતી હોય છે. માનવીને ઓળખવો અઘરો છે અને સ્વયં ઈશ્વરે પણ પોતાના જ આ સર્જન સામે યુદ્ધે ચડવું પડ્યું હતું, તે પૌરાણિક વાસ્તવિકતા છે.
ઘણાં લોકોને ટૂંકા સમયમાં ઓળખી જવાય અને તેમની ખૂબીઓ તથા ખામીઓથી પરિચિત થઈ જવાતું હોય છે તો ઘણાં લોકોની ઓળખવામાં આખી જિંદગી પણ ટૂંકી પડી જતી હોય છે, તેથી જ હિન્દી ફિલ્મના ગીતમાં ગવાયું હશે કે, 'એક ચહેરે પે કઈ ચહેરે લગા લેતે હૈ લોગ...'
ટૂંકમાં એમ કહી શકાય કે માનવીને ઘડનાર ઈશ્વરે પણ પોતાના મનુષ્ય અવતારમાં પોતાના જ સર્જન સમા માનવીને ઓળખવામાં થાપ ખાધી હોય, તેવી કથાઓમાંથી ગૂઢાર્થમાં જે કહેવાયું હોય તેનું ઉંડાણ સમજવું જ પડે.
વર્તન-વ્યવહાર અને વાસ્તવિકતા
આપણે મોટાભાગે માનવીના વર્તન-વ્યવહાર, ભાષા, શબ્દપ્રયોગો, હાવભાવ અને વાતચીતના આધારે તેનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. જે ઘણી વખત મહદ્અંશે ખરૃ પડતું હોય છે, પરંતુ માત્ર આ જ રીતે માનવીને પૂરેપૂરો પારખી શકાય નહીં. માનવીનો સચોટ પરખ કે ઓળખ કરવી લગભગ અસંભવ છે, કારણ કે બહારથી જે દેખાતું હોય છે તે આંતરિક રીતે હોય પણ ખરૃં, અને ન પણ હોય. આપણી દૃષ્ટિ, વિચારધારા માન્યતાઓ અને માપદંડો મુજબ કોઈને માપી શકાતા નથી તેવી જ રીતે આપણને પણ કોઈ અન્ય વ્યક્તિ પોતાના દૃષ્ટિકોણથી સમજી શકતી હોતી નથી. તેથી જ ઘણાં લોકો બીજાને સમજવામાં ભૂલ કરતા હોય છે, તો ઘણાં લોકો એવું કહેતા સંભળાતા હોય છે કે, 'મને કોઈ સમજતું કેમ નથી?'
માનવીનું વર્તન, વ્યવહાર અને સંસ્કાર તેનું ચરિત્ર પ્રગટ કરે છે તેથી જ એવું કહી શકાય કે મીંઢા, અબોલ, ઓછાબોલા, ગૂઢ જણાતા ઘણાં લોકોને ભલે જડભરત કહેવામાં આવે પરંતુ તે આંતરિક રીતે ખૂબજ જ્ઞાની, વિચારશીલ અને ડાયનેમિક પણ હોઈ શકે છે.
મોટાભાગના લોકોની બાહ્ય અને આંતરિક જિંદગી અલગ અલગ હોય છે. એવા લોકો ભાગ્યે જ નીકળે જે જેવા હોય તેવા જ દેખાતા હોય અથવા જેવું પોતે કહેતા હોય તેવું જ સ્વયં કરતા હોય. મોટાભાગે કથની અને કરણીમાં સંપૂર્ણપણે સમાનતા જોવા મળતી હોતી નથી. કારણ કે જિંદગીમાં તમામ પ્રકારના બેલેન્સ જાળવવા પડતા હોય છે અને તેના કારણે 'પ્રેક્ટિકલ' પણ થવું પડતું હોય છે.
શાંત પાણી ઉંડા હોય છે...
એવું કહેવાય છે કે, શાંત પાણી ઉંડા હોય છે અને ઉછાછળા તથા બોલકા લોકો સરળ હોય છે એનો અર્થ એવો નથી શાંત કે ઓછું બોલતા તમામ લોકોમાં કપટ હોય અને બોલકા તમામ લોકો નિષ્કપટ હોય છે. હકીકતે માનવીનો જન્મ, કુળ, બાળપણ, સંગત, માહોલ, સ્થિતિ અને સંસ્કાર તથા કેળવણીના સંયોજનમાંથી માનવીની અસલ ઓળખનું નિર્માણ થતંુ હોય છે અને શાંત, ઘીર, અધીર કે ઓછાબોલા કે બોલકાપણાં જેવા માપદંડોના આધારે તેને માપવાનો પ્રયાસ થતો હોય છે. આ માપદંડ કેટલા આધારભૂત અને સુસંગત છે તે પણ એક સંશોધનનો વિષય છે.
સંબંધના પુષ્પો સહોપસ્થિમાં વધુ ખીલે
સંબંધના પુષ્પો સહોપસ્થિતિમાં વધુ ખીલે છે. સહુ-ઉપસ્થિતિ, સહવાસ, નિકટતા અને પ્રગાઢતામાંથી જ સંબંધો ઉભરતા હોય છે, જેને આધ્યાત્મિક ભાષામાં 'માયા' કહે છે.
આપણા બધાના જીવનમાં એવા ઘણાં લોકો આવ્યા હશે, જે એક સમયે આપણી સાથે ખૂબજ નિકટતા ધરાવતા હશે, પરંતુ સમય જતા તેની સ્મૃતિઓ પણ ઝાંખી થઈ ગઈ હશે. આપણે પ્રાથમિક શિક્ષણ સમયે સાથે ભણ્યા, હર્યા-ફર્યા હોય અને ગાઢ દોસ્તી કરી હોય તેવા ગાઢ દોસ્તો સિવાયના અન્ય કલાસ ફેલોઝ (એક જ વર્ગમાં ભણતા) ઘણા, સહુપાઠીઓને ભૂલી ગયા હોઈએ છીએ.
એવી જ રીતે નોકરી-ધંધા, વ્યવસાય માટે અવારનવાર સ્થળાંતર કરવું પડ્યું હોય તેવા લોકોને એવા ઘણાં લોકોની સાથે ગાઢ સંબંધ બંધાયો હોય છે પરંતુ સ્થળાંતર પછી તે સંબંધો ધીમે ધીમે વિસરાઈ પણ જતા હોય છે. મોટાભાગે જે તે સમયે સરળતા, સાનુકૂળતા, સિદ્ધિ પ્રાપ્તિ કે સ્વાર્થને કેન્દ્રમાં રાખીને સંબંધો બંધાતા હોય છે અને વિસરાતા પણ હોય છે.
સંબંધના પુષ્પો સહોપસ્થિતિમાં જ વધુ ખીલી ઉઠે છે પરંતુ ઘણાં બારમાસી પુષ્પોની જેમ કેટલાક સંબંધો દૂર રહેવા છતાંય જીવનભર જીવંત પણ રહેતા હોય છે અને માનવીની આ ખુબીઓને જ જિંદગીની ખૂબસરતી પણ ગણવામાં આવે છે.
ખેતીવિકાસ અંગે કેટલાક અવતરણો
એસ.એસ. સ્વામીનાથનના મંતવ્ય મુજબ જો ખેતી નિષ્ફળ જાય તો અન્ય કોઈપણ ચીજ (પ્રવૃત્તિ)ને અવસર નહીં મળે.
સૈમ ફર્ટના મંતવ્ય મુજબ કૃષિ-ઉત્પાદનો ખેડૂતો માટે લાભદાયક હશે તો જ કૃષિવિકાસના ઉદેશ્યો સિદ્ધ થશે.
બ્યોર્કના જણાવ્યા મુજબ તેઓ હંમેશાં સાચા અર્થમાં ખેડૂત બનવા ઈચ્છતા હતા.
જ્યોર્જ વોશિંગ્ટને કહ્યું હતું કે, ખેતી એ માત્ર રોજગાર જ નહીં પરંતુ મનુષ્ય માટે સ્વાસ્થ્યપ્રદ અને જીવન .પયોગી વ્યવસાય છે.
જયોર્જ એફ. કેનેડીએ કહ્યું હતું કે આપણી અર્થવ્યવસ્થામાં ખેડૂત જ માત્ર એવી વ્યક્તિ છે, જે બીજ ખાતર વગેરેની છૂટક છૂટક ખરીદી કરે છે, મહેનત કરે છે અને પછી જથ્થાબંધ કૃષિ ઉત્પાદનોનું વેચાણ કરે છે અને ખરીદી તથા વેચાણ બંનેમાં માલ-પરિવહનની મજૂરી ચૂકવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો