જામનગર સહિત રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો આરંભ...

|

Added news for notification testing

સરસ્વતી નદીના પાણીની ગુણવત્તા પર નવી જાણકારી

અમદાવાદમાં હવામાનની સ્થિતિ અને આગાહી

આજના દિવસ માટે અમદાવાદમાં હવામાનની સ્થિતિ ઓછી આંચકો સાથે સૌમ્ય રહી છે. સવારે હવામાન પલટાઈને ઠંડક અનુભવાઈ રહી છે, જયારે દિવસ દરમિયાન તાપમાનમાં હળવી વધારો થવાની શક્યતા છે.

હવામાનની તાજી આગાહી:

  • તાપમાન: આજનો ઉચ્ચ તાપમાન ૩૫°C આસપાસ રહેશે, જ્યારે નીચલું તાપમાન ૨૮°C આસપાસ રહેવાની શક્યતા છે.
  • વાવાઝોડું: આજની રાહ જોઈને કોઈપણ માઘાંસની શક્યતા નથી, પરંતુ હળવી પવનની ધારણા છે.
  • બારિશ: આજના દિવસ માટે બારિશની શક્યતા મર્યાદિત છે. હવામાન વિભાગ દ્વારા કોઈ મહત્વપૂર્ણ આગાહી કરેલ નથી.
  • વાયુગુણવત્તા: વાયુગુણવત્તા સામાન્ય સ્થિતિમા છે, અને કોઈ ખાસ ખતરનો સંકેત નથી.

વિશેષ નોંધ: દિવસ દરમિયાન હવામાનમાં થોડો તફાવત થઈ શકે છે, એટલે કે, શહેરમાં થોડીક ગરમીનો અનુભવ થતો હોઈ શકે છે. લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે અને તાપમાન વધે તેવા સિંહપટ્ટો/સંતુલિત પોષણ લેવામાં આવે તે લાભદાયક રહેશે.

ગુણ આધારિત શિક્ષણમાંથી ગુણવત્તાની બાદબાકી ભવિષ્ય માટે જોખમી છે!

ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા સમયે શબ્દમંથનઃ શિક્ષણ પદ્ધતિ બાબતે સમયાંતરે નિયમિત રિવ્યૂ થવો જરૂરી છે

જ્ઞાનનો મુખ્ય ઉદ્ેશ શાંતિ અને સ્થિરતાનો છે. પશુ અને માનવીમાં તફાવત માત્ર શિક્ષણને કારણે જ છે. બાકી બન્ને અબુધ જ છે. આદર્શ પરિસ્થિતિ મુજબ શિક્ષણ સરળતાથી મળવું જોઈએ અને જીવનમાં શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત થવી જોઈએ. પરંતુ બહુ દુઃખ સાથે કહેવું પડે કે, હળાહળ કળયુગમાં શાંતિના બે મુખ્ય માધ્યમ ધંધો બની ગયા છે. આપણે પણ ધર્મ અને જ્ઞાન માટે આંધળી દોટ મૂકી છે પરિણામે બન્ને અશાંતિનું કારણ બની ગયા છે. દુનિયામાં અડધી અશાંતિ અને મોટાં યુદ્ધો ધર્મના કારણે જ છે. જો કે, આજે અહીં શિક્ષણની એન્જિઓગ્રાફી કરવી છે. વર્તમાન શિક્ષણનું આ પ્રથમ વખત વિશ્લેષણ થતું હોય તેવું નથી. વાર-તહેવારે શિક્ષણ પદ્ધતિને વલોવવામાં આવે છે પરંતુ અર્થનું માખણ નીકળતું જ નથી. એક સમયે ડિગ્રીને ઉપાધિ કહેવામાં આવતી હતી. આજે ડિગ્રી ખરેખર નામ જેવાજ ઉપાધિના ગુણ ધરાવે છે.

બહુ જૂની વાર્તા છે, પરતું કહેવી પડશે. કેટલાક ચક્ષુહીન વ્યક્તિને હાથી પાસે ઊભા રાખવામાં આવ્યા. દરેકે અલગ અલગ અભિપ્રાય આપ્યા. પગ પકડ્યા તેમણે કહ્યું કે, હાથી થાંભલા જેવો છે. પૂંછડી પકડી તેમને કહ્યું કે, હાથી દોરડા જેવો છે. દાંત પકડ્યા તે કહે, હાથી તો ઝાડના ઠૂંઠા જેવો છે. પેટ પકડયું તે કહે, હાથી તો મોટા પથ્થર જેવો છે!

શિક્ષણનું પણ આવું જ છે. જેના હાથમાં જે આવ્યું, તેવું કહ્યું.

આગામી ૧૧ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે શિક્ષણ ઉપર થોડું મનોમંથન કરવું જરૂરી છે.

પરિવર્તન

સમય સાથે શિક્ષણ પદ્ધતિમાં અમૂલ પરિવર્તન આવ્યું છે. એક સમય હતો, જ્યારે ૧૦ પાસનું સમાજમાં માનપાન હતું, નોકરી અને છોકરી સરળતાથી મળી જતી હતી. પછી આ સ્ટેટસ ૧૨ માનું આવ્યું. ૮૦ નો દાયકો ગ્રેજ્યુએટનો હતો. જેમાં મારા જેવા લાખો યુવાનો જિંદગીની વૈતરણી તરી ગયા! પછી લોકો દોડ્યા ઍન્જિનિયરિંગ તરફ!

મોટાભાગના વાહનો ઉપર ઈઆર લખેલું નજરે ચડે. વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપ રાખે એટલે દીકરો-દીકરી આ ઉપાધિ હાંસલ કરી શકે. હવે આ ડિગ્રી પણ ઉપાધિ જ બની ગઈ છે. એન્જિનિયરિંગ કોલેજો બિલાડીના ટોપની જેમ ફૂટી નિકળી છે. મોટાભાગની કોલેજો ખાલી પડી છે. આ ડિગ્રી ધરાવતા લાખો યુવાનો જે મળ્યું ત્યાં ગોઠવાઈ ગયા છે. આવક પણ બહુ નગણ્ય થઈ ગઈ છે. માંડ ૨૫ ટકા યુવાનો સદ્ધર જિંદગી પામી શક્યા છે. બેંગલોર, મદ્રાસ કે તેવા બે ચાર મોટા શહેરોમાં આઈ.ટી. એન્જિનિયરીંગ ડિગ્રી ધરાવતા યુવાનોને સારી તક છે. જો કે, ઘણાં તો ક્લાર્ક પણ બની ગયા છે. નવા એન્જિનિયરને બહુ મહેનત પછી ૧૦ હજારના પગારની નોકરી મળે છે! કેમિકલ એન્જિનિયરીંગનું ભણેલા લોકો મોબાઈલ ટાવરના થાંભલા ઊભા કરવાની નોકરી કરી રહ્યાં છે. ઈલેક્ટ્રોનિક્સનું ભણેલ વ્યક્તિ ટ્રાન્સપોર્ટ વિભાગમાં નોકરી કરી રહ્યાં છે. ટૂંકમાં.. ભણો તેવી જ નોકરી મળે તેની કોઈ ગેરંટી નથી! ગુજરાત સરકાર સેલ્ફ ફાઇનાન્સ શિક્ષણ કરી છાતી ફૂલાવે છે, પરંતુ ફી ભરતા સમયે વાલીઓના છાતીના પાટીયા બેસી જાય છે!

ડૉક્ટર બનો

એન્જિનિયરિંગમાં દ્રાક્ષ ખાટી થઈ ગઈ છે. બાળકોના વાલીઓ હવે બાળકોને ડોકટર બનાવવા માટે આંધળી દોટ મૂકી રહ્યાં છે. ૧૨ મા ધોરણમાં 'બી' ગ્રુપ રાખો તો તબીબી લાઇન લઈ શકાય. હાલમાં તબીબી વ્યવસાય ટોચ ઉપર છે. તેને ટંકશાળ માનવામાં આવે છે. પરંતુ આ ટંકશાળ શરૂ થાય તે પહેલાં જ વાલીના ખિસ્સાં ફાટીને ચીંથરા થઈ જાય છે.  'બી' ગ્રુપ રાખો એટલે શાળાઓ અને ટ્યુશન ક્લાસવાળા મોટી ફી ખંખેરી લે છે.

પ્રાચીનકાળમાં આયુર્વેદ ભણવા માટે કે ભણાવવા માટે કોઈ નક્કર વ્યવસ્થા, પુસ્તકો, ગુરુઓ ન હતા છતાં આયુર્વેદ એક મુખ્ય ઉપચાર પદ્ધતિ હતી અને આજે પણ તેને અનુસરવામાં આવે છે. વર્તમાનમાં નક્કર વ્યવસ્થા હોવા છતાં તબીબો ગોથાં ખાય છે. તબીબી શિક્ષણ બહુ મોંઘું થઈ ગયું છે. સરકારે ફી નિયમન કર્યું તો કોલેજ સંચાલકોએ નવો રસ્તો અપનાવ્યો છે. શિક્ષણ ફી ઉપર સરકારની મર્યાદા છે આથી હોસ્ટેલ ફી અને મેસ ફી આકાશ જેટલી ઊંચી કરી રૂપિયા ખંખેરે છે. હોસ્ટેલમાં એક પલંગ, એક કબાટની સુવિધા આપે અને વાર્ષિક બે લાખ રૂપિયા લે છે. લાઇટ બીલ અલગથી ભરવાનું!

વાલીઓ સંતાનને તબીબ બનવા માટે જમીન મકાન વેંચી નાખે છે, જંગી કરજ કરે છે. સેલ્ફ ફાઇનાન્સ માટેની ફી એક થી દોઢ કરોડ સુધી પહોંચી છે. અહીં આજે માસ્ટર ડિગ્રીની ચર્ચા નથી કરતાં, માત્ર સ્નાતક માટે જ કરોડો ખર્ચ કરવો પડે છે.

પસંદગી

સંતાનને શું પસંદ છે, તે ભણાવો. સામાજિક સંસ્થાઓ અને માનસ શાસ્ત્રના તબીબોએ આવા કાઉન્સિલિંગ કરવા જોઈએ. જામનગરના જ મારા મિત્ર કમલેશ નાણાવટીએ તેના બન્ને સંતાનોને તેની પસંદ અનુસાર ભણાવ્યા છે. મોટો પુત્ર ફાઇન આર્ટ્સમાં ખૂબ સારું કામ કરી રહ્યો છે. નામાંકિત આર્ટ ગેલેરીઓમાં તેના ચિત્ર પ્રદર્શન યોજાય છે. નાનો પુત્ર સંગીત ક્ષેત્રે શિક્ષણ મેળવી રહ્યો છે. આપણાં ખ્યાતનામ વક્તા અને લેખક જય વસાવડા પણ તેનું ઉદાહરણ ગણી શકાય. આ લેખ લખનાર વ્યક્તિએ પણ પત્રકારત્વની કેડી પસંદ કરી હતી.

બાળકની પસંદગી બાબતે શાળાઓએ પણ વધુ સક્રિય થવાની જરૂર છે. માધ્યમિક કક્ષાથી જ વિદ્યાર્થીઓની પસંદગી બાબતે અભ્યાસ શરૂ થઈ જવો જોઈએ. મોટાભાગના વાલીઓ રમત ક્ષેત્ર બહુ ધ્યાન આપતા નથી. કારણ કે, ત્યાં કમાણી મોડી અને અનિશ્ચિત હોય છે. પોલિટિકલ સાયન્સ પણ બહુ મહત્ત્વની શાખા છે. એક સમયે ગૃહ વિજ્ઞાન શાખા તેજીમાં હતી. હવે તે અસ્તાચળ તરફ છે. આપણી વિચારસરણી કારકિર્દીલક્ષી નથી પરંતુ કમાણીલક્ષી છે.

સંખ્યા

વસ્તી વધી રહી છે, પરંતુ તે પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી નથી તે મોટો ચિંતાનો વિષય છે. ૧૧ માર્ચથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં સૌરાષ્ટ્રમાંથી ૩.૬૭ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં ધોરણ ૧૦ માં ૨,૧૫,૮૪૧ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ ૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં ૨૬,૫૨૩ અને સામાન્ય પ્રવાહમાં ૧,૨૫,૪૫૪ છે. જામનગરમાં ધોરણ ૧૦ માં ૧૬,૮૮૫, ધોરણ ૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં ૧,૮૭૦ અને સામાન્ય પ્રવાહમાં ૯,૪૫૬ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૦ માં ૮,૫૦૭, ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં ૩૪૮ અને સામાન્ય પ્રવાહમાં ૪,૪૨૦ વિદ્યાર્થીઓ છે.

રાજ્યના ૧૬૩૪ કેન્દ્રો ઉપર બન્ને ધોરણના ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગત વર્ષે આ સંખ્યા ૧૬.૪૯ લાખ હતી. આમ, સરેરાશ કહીએ તો ૧.૫ લાખ વિદ્યાર્થીઓ ઘટયા!

રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓની પસંદગી, માનસિકતા, વાલીઓની આર્થિક સ્થિતિ, ઉપલબ્ધ અભ્યાસક્રમ બાબતે જેટલો અભ્યાસ (રિસર્ચ) થવું જોઈએ તેટલું થતું નથી.

નોકરી

આજે અહી સામાન્ય નોકરીની વાત નથી કરવી. હાલમાં 'ટ્વેલ્થ ફેઈલ' ફિલ્મ બહુ ચર્ચાસ્પદ રહી. કલેકટર, પોલીસ, વનવિભાગ, વિદેશ સેવા જેવી ઉચ્ચ નોકરી માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન નામની પરીક્ષા પાસ કરવી પડે છે, જેને ટૂંકમાં યુ.પી.એસ.સી. ના નામે ઓળખવામાં આવે છે. ગુજરાતીઓ ત્યાં બહુ ઓછા જાય છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને બિહારના યુવાનો આ ક્ષેત્રે બહુ મહેનત કરે છે. આ નોકરી માટેના ટ્યુશન કલાસ ઉપર પણ અનેક ફિલ્મો, વેબ આવી ગઈ છે, તેટલો મોટો વ્યાપ ધરાવે છે.

એક સમયના માતબર અંગ્રેજી મેગેઝિન ઈન્ડિયા ટુડે ના તંત્રી અને હાલમાં ધ પ્રિન્ટના મુખ્ય સંપાદક શેખર ગુપ્તા લખે છે કે, યુ.પી.એસ.સી. આજે જે સ્વરૂપમાં છે તેને સમાપ્ત કરી દેવું જોઈએ. આ સર્વોચ્ચ સ્તરની સરકારી નોકરી માટેની ભરતી પ્રક્રિયા યાંત્રિક ગોખણપટ્ટીવાળી બની ગઈ છે. સ્પર્ધા તો સ્વચ્છ છે, પરંતુ આ સિસ્ટમ ઉપર અસંખ્ય કોચિંગ સંસ્થાઓનું ગ્રહણ લાગેલું છે. જ્યાં માંડ બે કે ત્રણ હજાર યુવાનો આ પરીક્ષા પાસ કરી શકે છે ત્યાં લાખો યુવાનો ઝંપલાવે છે અને અસંખ્ય પરિવારો દેવામાં ડૂબી જાય છે. નરેન્દ્ર મોદી જેવા નવી વિચારસરણીવાળા નેતાએ આવી ભરતી પ્રક્રિયાના નવીનીકરણ બાબતે પણ વિચારવું પડશે!

હેતુ

વર્તમાન સમયમાં શિક્ષણનો મુખ્ય ઉદ્ેશ નોકરી બની ગયો છે. પરંતુ બીજી વાસ્તવિકતા એ છે કે, જેટલું ઓછું ભણો તેટલાં વધુ કમાણી કરો! હાલના મોટા ભાગના અબજોપતિઓ કે કરોડપતિઓ બહુ ઓછું શિક્ષણ મેળવેલ હોય છે. આપણાં વડીલો કહેતા કે, ભણતર કરતાં ગણતર વધુ મહત્ત્વનું છે. આપણે ભણતર ને મહત્ત્વ આપીએ છીએ, પરંતુ ગણતરને ભૂલી ગયા છીએ. જ્યારે ભણતર આટલું વ્યાપક કે આધુનિક ન હતું ત્યારે પણ, ન્યુટન, ગેલેલિયો, પાઇથાગોરસ, આર્કીમીડિઝ કે જેને ગણિતશાસ્ત્રના પિતા કહેવાય છે તે, આલબાર્ટ આઈન્સ્ટાઈન, શકુંતલાદેવી, આર્યભટ્ટ, અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ, ચિત્રકાર એમ. એફ. હુસેન, પંકજ ઉધાસ જેવા જિનિયસ લોકો પણ થઈ ગયા!

આજે આપણે તકલાદી જીવન પદ્ધતિ તરફ વધુ દોડી રહ્યાં છીએ. ગુણવત્તા ગુમાવી ચૂક્યા છીએ.

બીજી તરફ વિદેશ શિક્ષણ માટે પણ આંધળી દોડ લાગી છે. જે બાળક વિદેશમાં ભણતો હોય તેના વાલી તો જાણે સ્વર્ગની સીડી મળી ગઈ હોય તેમ માને છે. અમેરિકા, કેનેડા, રશિયા, યુ. કે. ચીન જેવા અનેક દેશોમાં આપણાં હજારો વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે. કરુણતા તો એ બાબતની છે કે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પાસે આવા વિદ્યાર્થીઓનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી. વિદેશના મોટાભાગના દેશોમાં ભારતીય ભણતર માન્ય નથી, ત્યાં નોકરી માટે ત્યાં ભણવું પડે છે, ત્યાંની પરીક્ષા આપવી પડે છે. પરંતુ બીજો સળગતો સવાલ એ છે કે, વિદેશમાં ભણીને ભારત પરત ફરે તો તેની ડિગ્રીને કેટલું માન્ય ગણવું તે નક્કી નથી. વિદેશમાં પ્રાપ્ત કરેલી ડિગ્રી ભારતમાં કેટલી માન્ય ગણાય તે જાણીને સંતાનોને બહાર ભણવા મોકલવા જોઈએ. વિદેશમાં તબીબી શિક્ષણ મેળવે તે ભારતમાં પ્રેક્ટિસ કરી શકે?

જે હોય તે, જાગતા નર સદા સુખી! વાલીઓ અને વિદ્યાર્થીઓએ હવે ગાડરીયા પ્રવાહમાં જોડાવાને બદલે  ભવિષ્ય માટે જાગવું પડશે.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સતયુગથી કળીયુગ સુધી ભગવાન રામનો પ્રભાવ અવિરત અચલ અખૂટ રહ્યો છે

મોરારિબાપુ કથા દરમિયાન હવે રામ મહાત્મ્યને પ્રાધાન્ય આપે છેઃ ટીવી, ફિલ્મો, નાટકોમાં પણ રામજી છવાયેલા જ રહે છે!

સૌ પ્રથમ રામ કથા ભગવાન શિવજીએ કૈલાશ પર્વત ઉપર પોતાના નિવાસસ્થાને પાર્વતીજીને સંભળાવી હતી. ત્યારબાદ, માતા પાર્વતીજીએ કાગ ભૂષનડીજીને સંભળાવી હતી. કાગજીએ ત્યારબાદ ગરૃડને સંભળાવી હતી.  આપણી પાસે જે ઉપલબ્ધ છે તે તુલસીદાસજી દ્વારા લિખિત છે. રામાયણ પણ અનેક ગુરુઓ દ્વારા અનેક ભાષામાં, અનેક પ્રસંગોની વિવિધતા સાથે  ઉપલબ્ધ છે. રામ, સીતાનું જીવન બહુ રોચક અને ઉપદેશ સભર છે. સમયાંતરે તેનું સ્મરણ થતું રહે છે. તાજેતરમાં અયોધ્યામાં રામ મંદિર લોકાર્પણ સાથે રામ ફરી માનસપટ ઉપર તાજા થયા. દરેક હિંદુના જીવનમાં, વિચારોમાં રામ પરિવાર સતત ઘૂમરાયા કરે છે. આજે રામ સંબંધિત કેટલીક બાબતો અને ઘટનાઓને ફરી યાદ કરવાનો પ્રયાસ કરીએ.

વર્તમાનમાં રામ કથાકાર તરીકે તલગાજરડાના એક સમયના શિક્ષક મોરારિદાસ હરિયાણી (મોરારિબાપુ) રામકથા કરી રહ્યાં છે. તાજેતરમાં જ તેમણે ૯૩૧ મી રામ કથા લીમડી ગામે શ્રી નિમ્બાર્ક ધામ લોકાર્પણ પ્રસંગે પૂર્ણ  કરી. બીજું રામાયણ આપણને રામાનંદ સાગરનું સ્મૃતિપટ ઉપર છે. જો કે તેને લગભગ ચાર દાયકા થઈ ગયા તેથી નવી યુવા પેઢીને તે બાબતની ખબર નથી. છેલ્લે, એટલે કે, વર્તમાન સમયમાં સોની ટીવી ઉપર નવી શ્રી શ્રીમદ્ રામાયણનું પ્રસારણ થઈ રહ્યું છે.

મોરારિબાપુ

મોરારિબાપુ રામચરિત માનસના પ્રસિદ્ધ વક્તા છે અને સમગ્ર વિશ્વમાં પચાસ વર્ષથી રામ કથાઓનું પઠન કરી રહ્યા છે. તેમની કથાનો એકંદર સિદ્ધાંત સાર્વત્રિક શાંતિ અને સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ ફેલાવવાનો છે. જ્યારે  કેન્દ્રબિંદુ શાસ્ત્ર પોતે છે, ત્યારે બાપુ અન્ય ધર્મોના ઉદાહરણો પર ધ્યાન દોરે છે અને તમામ ધર્મના લોકોને પ્રવચનમાં હાજરી આપવા આમંત્રણ આપે છે. મોરારિબાપુ સતત કહે છે કે, તમારા ઇષ્ટદેવનું અવશ્ય સ્મરણ કરો, પરંતુ સાથે સાથે રામ નામનું પણ સ્મરણ કરો. તે ૯૩૨મી કથા અયોધ્યામાં કરવાના છે.

બાપુનો જન્મ ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા નજીક આવેલા  તલગાજરડા ગામમાં ૧૯૪૬માં શિવરાત્રિના દિવસે થયો હતો અને તેઓ આજે પણ તેમના પરિવાર સાથે ત્યાં રહે છે. તેઓ વૈષ્ણવ બાવા સાધુ નિમ્બાર્ક  વંશના છે અને તેમના બાળપણનો મોટાભાગનો સમય તેમના દાદા અને ગુરુ ત્રિભોવનદાસ, દાદા અને દાદી અમૃત માની દેખરેખ હેઠળ વિતાવ્યો હતો. જ્યારે તેમના દાદી તેમને પ્રેમથી કલાકો સુધી લોકકથાઓ સંભળાવતા, તેમના  દાદાએ તેમને રામચરિત માનસ વિશેનું ઊંડું જ્ઞાન આપ્યું. બાર વર્ષની ઉંમર સુધીમાં, બાપુએ આખું રામચરિત માનસ કંઠસ્થ કરી લીધું હતું અને ચૌદ વર્ષની ઉંમરે રામ કથાનું પઠન અને ગાયન શરૃ કર્યું હતું.

મોરારિબાપુ હવે રામની જીવન કથા ઓછી કહે છે, પરંતુ રામ મહાત્મ્યને પ્રાધાન્ય આપે છે. રામના જીવન સંદેશને પ્રસારિત કરવાનો પ્રયાસ કરે છે. તે કહે છે કે, રામ પાસેથી વર્તમાન સમયમાં મર્યાદા શીખવાની જરૃર છે.  રાવણના જીવનમાં બધું અમર્યાદિત થઈ ગયું હતું માટે તેનો અંત આવ્યો. કોઈપણ મર્યાદા ઓળંગે એટલે નાશ તરફ ગતિ કરે છે. આજે પણ મોરારિબાપુના કંઠે રામકથા સાંભળવા હજારો લોકો ઉમટે છે. તે કહે છે, આ મારી  લોકપ્રિયતા નથી, આ ભગવાન રામની કૃપા જ છે!

જો કે આ રામ કથા બેસાડવી સામાન્ય માણસનું કામ નથી, કારણ કે તે માટે આયોજકે ૬૦ કરોડથી ઉપરનો જંગી ખર્ચ કરવો પડે છે. સામે પક્ષે સારી બાબત એ છે કે, શ્રોતાઓએ કોઈ ખર્ચ કરવો પડતો નથી, વિનામૂલ્યે કથા  શ્રવણ કરી શકે છે. સાથે ઉચ્ચ ગુણવત્તાવાળું ભોજન પણ મફત હોય છે. બાપુ હવે સવારે માત્ર ત્રણ કલાક જ કથા વાચન કરે છે. તેમણે લીમડીની કથામાં કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ પણ બહુ સારી રામ કથા કરતાં  હતા. મોરારજીભાઈના કહેવાથી જ તેમને, કથાના પ્રારંભમાં યોજાતી પોથી યાત્રામાં જોડાવાનું બંધ કરી દીધું.

રામ કથાકાર મોરારિબાપુ હાલમાં સેલિબ્રિટીનું સ્ટેટસ ભોગવે છે!

ટીવી શ્રેણી

૧૯૮૭ માં દૂરદર્શનમાં રામાયણ શ્રેણી પ્રસારણ સમયે સમગ્ર દેશમાં કર્ફયૂ જેવું વાતાવરણ થઈ જતું હતું. માત્ર રવિવારે સવારે જ તેનું પ્રસારણ થતું. તે સમયે ટીવી માટેનો પ્રાઇમ ટાઈમ ગણાતો હતો. રામાયણ એક ખૂબ જ સફળ  ભારતીય ટીવી શ્રેણી છે, જેનું નિર્માણ, લેખન અને દિગ્દર્શન રામાનંદ સાગર દ્વારા કરવામાં આવ્યું હતું. ૭૮ એપિસોડની આ સિરિયલ મૂળરૃપે દૂરદર્શન પર ૨૫ જાન્યુઆરી ૧૯૮૭ થી ૩૧ જુલાઈ ૧૯૮૮ દરમિયાન રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે પ્રસારિત કરવામાં આવી હતી.

તે સમયે રામની ભૂમિકા ભજવતા અરુણ ગોવિલ અને સીતાની ભૂમિકા ભજવતા દિપીકા ચીખલિયાને લોકો ભગવાનનું સ્ટેટસ ગણી પગે પણ લાગતા હતાં. ઘણી જગ્યાઓએ ભગવાન તરીકે તેમના કીરદારવાળા ફોટાઓની પૂજા આરતી કરવામાં આવતી હતી. રવિન્દ્ર જૈનનું ભક્તિ સંગીત ઠેર ઠેર સાંભળવા મળતું હતું.

રામાનંદ સાગર મૂળ તો ફિલ્મ નિર્માતા હતા અને મસાલા ફિલ્મો બનાવતા હતા, પરંતુ રામાયણના નિર્માણ પછી તે રામાયણના નિર્માતા તરીકે જ  ઓળખાવા લાગ્યા. આ શ્રેણી ભારતીય ટીવી જગતમાં નવી ચેતના અને ક્રાંતિ  લાવનાર બની રહી.

આ શ્રેણી પ્રાચીન ભારતીય ધર્મગ્રંથ રામાયણનું ટીવી રૃપાંતરણ હતું અને તે મુખ્યત્ત્વે વાલ્મિકી રામાયણ અને તુલસીદાસજીના રામચરિતમાનસ પર આધારિત હતું.  કેટલાક પ્રસંગો કમ્બનના કમ્બરમાયણ અને અન્ય ગ્રંથોમાંથી  લેવામાં આવ્યા હતા.

૨૦૨૦માં જ્યારે દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે તેનું પુનઃ પ્રસારણ કરવામાં આવ્યું હતું, આ સમયે પણ રામાયણ કાર્યક્રમને ફરી એકવાર દૂરદર્શન ચેનલ પર સૌથી વધુ વ્યુઅરશિપ  રેટિંગ મળ્યું હતું. હાલમાં ત્રીજીવાર દૂરદર્શન ઉપરથી તેનું પુનઃ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

૨૦૨૪

રામકથા એવરગ્રીન છે. સમયાંતરે તે લોકભોગ્ય બને છે તેથી મનોરંજન  જગત તેના નવા નવા અવતારો બનાવતુ જ રહે છે. વર્તમાન સમયમાં સોની ટીવી ઉપર રાત્રે ૯ કલાકે શ્રીમદ્ રામાયણ નામની નવી શ્રેણી પ્રસારિત થઈ  રહી છે. દક્ષિણના નિર્માતાઓ દ્વારા તેમની કાર્યશૈલી મુજબ આ નવી શ્રેણીને ભવ્ય રીતે બનાવવામાં આવી રહી છે. સ્વસ્તિક પ્રોડક્શન્સના બેનર હેઠળ સિદ્ધાર્થ કુમાર તિવારી દ્વારા નિર્મિત આ શ્રેણીમાં સુજય રેઉ રામના પાત્રમાં અને પ્રાચી બંસલ સીતાના પાત્રમાં છે, જેમનો અભિનય પણ સારો છે. આ શ્રેણીનું સંગીત લોકપ્રિય થયું છે.

આદિપુરૃષ

ગત વર્ષે ૨૦૨૩મા રીલીઝ થયેલી આદિપુરૃષ ફિલ્મ ભારતીય પૌરાણિક એક્શન ફિલ્મ છે જે હિન્દુ મહાકાવ્ય રામાયણ પર આધારિત હતી. આ ફિલ્મ ઓમ રાઉત દ્વારા નિર્દેશિત અને સહ-લેખિતઅને ટી-સિરીઝ અને રેટ્રોફિલ્સ દ્વારા નિર્મિત હતી. હિન્દી અને તેલુગુમાં એકસાથે શૂટ કરવામાં આવેલ આ ફિલ્મમાં પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન, સની સિંહ અને દેવદત્ત નાગે  છે. ફિલ્મનું સંગીત અજય-અતુલ દ્વારા રચાયેલ છે. આદિપુરુષનું બજેટ  ૬૫૦ કરોડનું હતું અને તેને સૌથી મોંઘી કેટલીક ભારતીય ફિલ્મોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે, આ ફિલ્મ સુપર ફ્લોપ સાબિત થઈ. રામ કથા હોવા છતાં દર્શકોને જરા પણ પસંદ ન આવી.

ફિલ્મી ઇતિહાસ

રામાયણ પર અત્યાર સુધી અસંખ્ય ફિલ્મો અને સિરિયલો બની છે, જેમાં  ભગવાન રામ અને માતા સીતાની ભૂમિકા અલગ-અલગ કલાકારોએ ભજવી  છે. તમને જણાવી દઈએ કે ભારતમાં પૌરાણિક વિષયો પર ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ વર્ષ ૧૯૧૭ની આસપાસ શરૃ થયો હતો. ૧૯૧૭માં  રિલીઝ થયેલી ફિલ્મ લંકા દહન હિન્દી સિનેમામાં રામાયણ પર બનેલી પ્રથમ ફિલ્મ હતી. રામરાજ્ય (૧૯૪૩), સંપૂર્ણ રામાયણ (૧૯૬૩) મુખ્ય કહી શકાય. વિદેશી સહયોગથી બનાવવામાં આવેલી 'રામાયણઃ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામ' એ હિંદુ મહાકાવ્ય રામાયણથી પ્રેરિત પ્રથમ એનિમેશન  ફિલ્મ  હતી. આ ફિલ્મ ભારતીય અને જાપાનીઝ એનિમેશન ઈન્ડસ્ટ્રી દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી હતી. આ રામાયણની શ્રેષ્ઠ-એનિમેટેડ રીમેકમાંની એક હતી, અને તેની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ આજે પણ અદભૂત છે. આ ફિલ્મ વર્ષ ૧૯૯૩માં રિલીઝ થઈ હતી.

રામા મંડળ

દાયકાઓ પહેલાં જ્યારે મનોરંજનના આધુનિક સાધનો કે શોધો ન હતી ત્યારે નાટ્ય કલાકારો ગામડે ગામડે ફરી નાટકો ભજવતા હતા. તેમાં મોટાભાગે રામાયણના પાત્રો દ્વારા જ મનોરંજન પીરસવામાં આવતું હતું. ભવાઇ કલામાં પણ રામ-સીતા પ્રસંગો મુખ્ય રહેતા હતા. માતા સિતાનું પાત્ર ઘણીવાર પુરુષ કલાકારો જ ભજવતા હતા. કારણ કે સ્ત્રી કલાકારોની તંગી હતી!

રાજકારણ

વર્તમાન શાસક પક્ષ ભાજપને રામ બહુ ફળ્યા છે. લાલકૃષ્ણ અડવાણીની રામ રથ યાત્રાને કારણે જ ભાજપનો વનવાસ પૂરો થયો અને ભારતના રાજકારણમાં ગાદી મળી. સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રાએ ભાજપનું  ભવિષ્ય બદલી નાખ્યું. વર્તમાન સમયમાં પણ અયોધ્યા મંદિરને કારણે ભાજપ માટે ઉજળા સંજોગો લાવ્યું હોવાનું ગણિત મંડાઇ રહ્યું છે. મંદિર વહીં બનાએંગેના સૂત્રએ ભાજપને દિલ્હીની ગાદી આપી દીધી. આજે પણ રામને લોકોના માનસ પટ ઉપર જીવતા રાખવા માટે રાજકીય રીતે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

૩૩ કરોડ દેવી દેવતાઓમાં ભગવાન રામ ટોચનું સ્થાન ભોગવી રહયાં છે. ભારતમાં અત્ર તત્ર સર્વત્ર રામ ફેલાયેલા છે. સમયાંતરે તે ભક્તો સામે વિવિધ રૃપોમાં આવે છે.

સારાંશ

રામ મર્યાદા પુરુષ હતા, તેનો જીવન સંદેશ પણ સંયમ અને મર્યાદા માટે છે. રામના આ જીવન સંદેશને આપણે ચરિતાર્થ કરવામાં ઊણા ઉતાર્યા છીએ. આપણે અમર્યાદ અને બેફામ બની ગયા છીએ. લાવ લાવ અને સ્વાર્થમય  જીવી રહ્યાં છીએ. ભગવાન કૃષ્ણએ સંભવામી યુગે યુગે કહ્યું હતું, રામે આવું વચન આપ્યું નથી. રામને ભજવાની સાથે તેના મર્યાદા અને સંયમના ગુણોને પણ અપનાવવા જોઈએ.

રામાયણમાં લક્ષ્મણની પત્ની ઊર્મિલાના ત્યાગને લગભગ નજર અંદાઝ કરી દેવામાં આવ્યો છે. ઊર્મિલા વનમાં સાથે આવે તો, લક્ષ્મણ રામ-સીતાની સેવા યોગ્ય રીતે ન કરી શકે. લક્ષ્મણને ઊંઘ આવે તો પણ સેવામાં વિક્ષેપ પડે, આથી ઊર્મિલા લક્ષ્મણની નિંદ્રા ગ્રહણ કરી લે છે, અને કહેવાય છે કે, ઊર્મિલા લક્ષ્મણના ૧૪ વર્ષના વનવાસ દરમિયાન આયોધ્યાના મહેલમાં તંદ્રામાં રહી અને લક્ષ્મણે જાગતા રહી ભાઈ-ભાભીની સેવા કરી!

આપણે પણ, જો કોઈ સેવા કરતું હોય તો, તેના કાર્યમાં અડચણરૃપ ન બનવું જોઈએ. ઊર્મિલાની જેમ સેવકને જાગતા રાખવા પ્રયાસો કરવા જોઈએ!

જય શ્રીરામ....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

શક્તિ અને આસ્થાના અખૂટ સ્ત્રોત સમાન રૃદ્રાક્ષ શિવજીએ માનવોને આપેલા આશીર્વાદ છે

સૌથી લાંબી આવરદા ધરાવતું ધરતી ઉપરનું આ ઍક માત્ર બીજ છેઃ એકથી ૨૧ મુખી રૃદ્રાક્ષ મળી શકે છે

સનાતન ધર્મમાં રૃદ્રાક્ષનું મહત્ત્વ અનેરૃં છે. શિવ આરાધના માટે ભક્તો રૃદ્રાક્ષ  ધારણ કરે છે. આરોગ્ય માટે પણ તેને મહત્વ આપવામાં આવે છે. રૃદ્રાક્ષ એ ઝાડ ઉપર ઊગતું ફળ છે, જે જવલ્લે જ જોવા મળે છે. રૃદ્રાક્ષ પણ વિવિધ પ્રકારના હોય છે. સામાન્ય રીતે એક થી ૨૧ મુખી સુધીના રૃદ્રાક્ષ ઉપલબ્ધ છે. રૃદ્રાક્ષ સંસ્કૃત ભાષાનો એક સંયોજન શબ્દ છે જે રૃદ્ર અને અક્ષ શબ્દોથી બનેલો છે. ''રૃદ્ર'' એ ભગવાન શિવના વૈદિક નામોમાંનું એક છે અને ''અક્ષ'' નો અર્થ છે, 'આંખના આસું', તેથી તેનો  શાબ્દિક અર્થ થાય છે ભગવાન રૃદ્ર (ભગવાન શિવ) ના આંસુ.

ઉત્પત્તિ

શાસ્ત્રો અનુસાર ''ત્રિપુરાસુર'' નામના રાક્ષસે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને તક્ષક સાથે યુદ્ધ કરીને તેને પરેશાન કરી મૂક્યા હતા. લોકોના જીવનમાં તબાહી મચાવી દેતાં દેવતાઓ આ દુષ્ટ રાક્ષસથી છૂટકારો મેળવવા માટે મદદ  માટે ભગવાન શિવ પાસે ગયા. ત્યારબાદ ભગવાન શિવે તેમના ધનુષ અને તીર સાથે-તેમના ખાસ શસ્ત્ર ''કાલાગ્નિ'' ધારણ કર્યું. કાલાગ્નિની શક્તિઓ પ્રાપ્ત કરવા માટે તેણે હજારો દૈવી વર્ષો સુધી તપ કર્યું હોવાનું માનવામાં આવે  છે. ધ્યાન અને પ્રસન્નતાના થાકને કારણે તેમની આંખમાંથી આંસુ ટપકતા હતા અને જ્યાં આ આંસુ પડ્યા હતા ત્યાં રૃદ્રાક્ષના વૃક્ષો ઉગ્યા હોવાનું માનવામાં આવે છે.

બીજી કથા અનુસાર ભગવાન શિવને જન્મ અને મૃત્યુના પુનરાવર્તિત ચક્રમાંથી પસાર થતા માણસની વેદના જોઈને દુઃખ થયું. માણસ આ અનંત ચક્રમાંથી મુક્તિ (મોક્ષ) પ્રાપ્ત કરી શકતો ન હોવાથી તે દુઃખી હતો. ઊંડી વેદનાને કારણે તેની આંખોમાંથી આંસુના ટીપાં વહેવા લાગ્યા અને જ્યાં આ આંસુનાં ટીપાં પડ્યાં ત્યાં રૃદ્રાક્ષનાં વૃક્ષો ઉગ્યાં હોવાનું મનાય છે. આ વૃક્ષોના બીજ (રૃદ્રાક્ષ)માં જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મોક્ષ (મોક્ષ) પ્રદાન કરવાની  શક્તિઓ હોવાનું માનવામાં આવે છે. તેથી પ્રાચીન સમયથી, ઋષિમુનિઓ અને અન્ય પવિત્ર પુરૃષો મોક્ષની શોધમાં રૃદ્રાક્ષ પહેરતા હતા, જે ભગવાન  શિવ તરફથી માનવજાતને એક અદ્ભુત ભેટ છે.

શિવ-મહાપુરાણ અનુસાર, શિવની દૈવી પત્ની પાર્વતીએ રૃદ્રાક્ષ વિશે પૂછ્યું  અને ભગવાન શિવે તેનો પ્રશ્ન સાંભળીને કહ્યું કે તેણે હજારો વર્ષ સુધી તપસ્યા કરી હતી અને આંખો બંધ કરીને થાકીને તેણે આંખો ખોલી અને થોડા આંસુના  ટીપાં પૃથ્વી પર પડ્યા અને આ રૃદ્રાક્ષમાંથી વૃક્ષો ઉગ્યા હોવાનું મનાય છે.

ઉપયોગ

રૃદ્રાક્ષ નામના ફળનો મહત્તમ ઉપયોગ આધ્યાત્મિક ક્ષેત્રમાં થાય છે. તેને પહેરવાથી સકારાત્મક ઉર્જા આવે છે. રૃદ્રાક્ષ શિવનું વરદાન છે, જેને ભગવાન શંકરે સંસારના ભૌતિક દુઃખોને દૂર કરવા માટે પ્રગટ કર્યું છે. સામાન્ય રીતે ભક્તો તેને આસુરી શક્તિઓથી રક્ષવા માટેની  રક્ષણાત્મક ઢાલ તરીકે અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માટે પહેરે છે. આ બીજ મુખ્યત્ત્વે ભારત અને નેપાળમાં ઓર્ગેનિક રૃપમાં જોવા મળે છે.

ભારત અને નેપાળમાં રૃદ્રાક્ષની માળા પહેરવાની જૂની પરંપરા છે. ભગવાન શિવ પોતે રૃદ્રાક્ષ માળા ધારણ કરે છે અને રૃદ્રાક્ષ માળાનો ઉપયોગ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પણ પુનરાવર્તિત થાય છે. જો કે રૃદ્રાક્ષ  પહેરવા માટે મહિલાઓ પર કોઈ ચોક્કસ પ્રતિબંધો નથી, તેમ છતાં સ્ત્રીઓ માટે મોતી જેવી અન્ય સામગ્રીમાંથી બનેલી માળા પહેરવી સામાન્ય છે. ધર્મિક માન્યાત અનુસાર  આ માળા પહેરવા બાબતે ધાર્મિક આચારસંહિતા પાળવી  જરૃરી છે. સ્મશાન યાત્રા, સ્ત્રીને માસિક ધર્મ સમયે, સૌચ કર્મ સમયે, સ્નાન કરતી વખતે જ ઉતારી લેવી જોઈએ.

રૃદ્રાક્ષના વૃક્ષને ઈઙ્મર્ટ્ઠીષ્ઠટ્ઠિૅેજ ખ્તીહૈંિેજ પણ કહેવામાં આવે છે. આ વૃક્ષોની  ઊંચાઈ ૫૦ ફૂટથી ૨૦૦ ફૂટ સુધીની હોય છે. તે મુખ્યત્ત્વે નેપાળ, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, હિમાલય અને ગંગાના મેદાનોમાં જોવા મળે છે. સૌથી  મહત્ત્વની વાત એ છે કે આપણા દેશમાં રૃદ્રાક્ષની ૩૦૦ થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. તેનાથી પણ વિશેષ વાત એ છે કે તે સદાબહાર વૃક્ષ છે, જે ઝડપથી વધે છે. આ વૃક્ષને ફળ આવતાં ૩ થી ૪ વર્ષ લાગે છે.

રૃદ્રાક્ષના પ્રકાર

એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં રૃદ્રાક્ષના ૧૦૮ મુખ હતા, પરંતુ હવે તેની માળામાં લગભગ ૧ થી ૨૧ રેખાઓ છે. તેનું કદ મિલીમીટરમાં માપવામાં આવે છે. ૨૦ થી ૩૫ મીમી (૦.૭૯ અને ૧.૩૮ ઇંચ) વચ્ચેના રૃદ્રાક્ષ નેપાળમાં અને ૫ થી ૨૫ મીમી (૦.૨૦ અને ૦.૯૮ ઇંચ) ઇન્ડોનેશિયામાં જોવા મળે છે. તે લાલ, સફેદ, ભૂરા, પીળા અને કાળા રંગોમાં પણ આવે છે જે બહુ જૂજ જોવા મળે છે, આપણે ત્યાં મહત્તમ બ્રાઉન કલરના જ મળે છે.

રૃદ્રાક્ષ અતિ પ્રાચીન ફળ છે, જે દક્ષિણ પૂર્વ એશિયા (જાવા, કોરિયા, મલેશિયાના ભાગો, તાઈવાન, ચીન) અને દક્ષિણ એશિયા (ઉત્તર ભારત અને નેપાળ) ના સ્થળોએ વૃક્ષો પર ઉગે છે. રૃદ્રાક્ષ સૌથી શુદ્ધ, સૌથી અસરકારક, ઉપયોગી, પ્રાચીન છે. રૃદ્રાક્ષ ફળનું બીજ છે. તે ગુચ્છોમાં ઉગે  છે. તે મે-જૂનમાં ખીલે છે અને સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે પાકે છે. તેનો પલ્પ કઠણ હોય છે અને તેના બીજ સાથે ચોંટી રહે છે. તેને ઘણાં દિવસો સુધી પાણીમાં રાખવામાં આવે છે અને પછી માવો છોલીને રૃદ્રાક્ષને બહાર કાઢવામાં આવે છે.

ઔષધિય ગુણો

આ ફળ ઔષધીય ગુણ પણ ધરાવે છે. તેની માળા ગળામાં પહેરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. તેનું તેલ ખરજવું, દાદ અને ખીલથી પણ રાહત આપે છે. રૃદ્રાક્ષ શ્વાસનળીના અસ્થમામાં પણ રાહત આપે છે. આ સિવાય  તેને પહેરવાથી ઉંમરની અસર ઓછી થાય છે. રૃદ્રાક્ષ ધારણ કરવાથી હૃદયના રોગો, ચિંતા વગેરેમાંથી રાહત મળે છે તેવી માન્યતા છે.

૨૧ પ્રકાર

(૧) એક મુખી રૃદ્રાક્ષનું મહત્ત્વ અનેરૃં છે. તે બહુ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. તે ઇષ્ટદેવ શિવને અતિ પ્રિય છે. ધ્યાન, એકાગ્રતા, બુદ્ધિના વિકાસ અને ચતુરાઇ માટે ધારણ કરવામાં આવે છે.

(૨) બે મુખી રૃદ્રાક્ષ શિવ સ્વરૃપ અર્ધ નારેશ્વરને પ્રિય છે. તેને ધારણ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને સંબંધોમાં મધુરતા આવે છે.

(૩) ત્રણ મુખી રૃદ્રાક્ષ અગ્નિ દેવને પ્રિય છે અને તેને પાપનાશક અને રોગનાશક માનવામાં આવે છે.

(૪) ચાર મુખી રૃદ્રાક્ષના ઇષ્ટ દેવ બ્રહ્માજી છે. સર્જનાત્મક શક્તિમાં વધારો કરે છે, યાદશક્તિ, કલા અને બુદ્ધિ માટે પ્રેરક બળ છે. 

(૫) પાંચ મુખી રૃદ્રાક્ષ કાલાગ્નિને પ્રિય છે. માનસિક શાંતિમાં વધારો કરે છે. મુખ્યત્ત્વે ધ્યાન ધરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

(૬) છ મુખી રૃદ્રાક્ષ ભગવાન કાર્તિકેને પ્રિય છે. વિવેક બુદ્ધિ, શિક્ષણ, ચાતુર્ય વધારવા માટે મહત્ત્વનો છે.

(૭) સાત મુખી રૃદ્રાક્ષના ઇષ્ટ દેવી લક્ષ્મીજી છે. તે આર્થિક પરિસ્થિતિ સુધારવા, વેપાર વાણિજ્યકારક માનવામાં આવે છે.

(૮) આઠ મુખી રૃદ્રાક્ષ ગણેશજીને પ્રિય છે અને તેથી વિઘ્નહર્તા માનવામાં આવે છે.

(૯) નવ મુખી રૃદ્રાક્ષમાં દુર્ગાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેને ધારણ કરનારને શક્તિ પ્રદાન થાય છે, નવી ઉર્જાનો સંચાર કરે છે. જીવનને ગતિમય અને ભક્તિમય બનાવે છે.

(૧૦) દશ મુખી રૃદ્રાક્ષ ભગવાન વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરે છે. ધારણ કરનારને નકારાત્મક વિચારો અને આસુરી શક્તિથી રક્ષણ આપે છે.

(૧૧) અગિયાર મુખી રૃદ્રાક્ષ રામ ભક્ત હનુમાન પ્રિય છે. નિડર બનવા, શક્તિ અને બળ પ્રાપ્ત કરવા તેને ધારણ કરવામાં આવે છે.

(૧૨) બાર મુખી રૃદ્રાક્ષ ધારણ કરવાથી નેતૃત્વના ગુણો વિકસે છે, વહીવટી કુશળતા મળે છે અને તંદુરસ્ત હૃદય માટે ગુણકારી છે. તે સૂર્યદેવનું પ્રતિનિધિત્વ કરે છે.

(૧૩) તેર મુખી રૃદ્રાક્ષ પ્રખર વક્તા, શરાફી પેઢી, માર્કેટિંગ વ્યવસાય ફાયદાકારક છે અને ભગવાન ઇન્દ્રને પ્રિય છે.

(૧૪) ચૌદ મુખી રૃદ્રાક્ષ ભગવાન શિવ અને ભગવાન હનુમાન બન્નેનું પ્રતિનિધિત્વ કરે છે. નિર્ણય શક્તિને બળવાન અને સચોટ બનાવે છે.

(૧૫) પંદર મુખી રૃદ્રાક્ષ ભગવાન પશુપતિનાથને પ્રિય છે અને દીર્ઘદૃષ્ટા બનાવમાં સહાય કરે છે. ધન સંપત્તિમાં વધારો કરે છે.

(૧૬) સોળ મુખી રૃદ્રાક્ષ ભગવાન રામને પ્રિય છે. તેને ધારણ કરવાથી વિપરીત પરિસ્થિતિ અનુકૂળ બને છે, કોર્ટ કચેરીના પ્રશ્નોમાં મદદ મળે છે.

(૧૭) સત્તર મુખી રૃદ્રાક્ષ ભગવાન વિશ્વકર્માને પ્રિય છે અને ધારણ કરનાર નવા ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે છે. આકસ્મિક ધનલાભ કરાવે અને ધાર્મિક વૃત્તિમાં વધારો કરાવે છે.

(૧૮) અઢાર મુખી રૃદ્રાક્ષ ભૂમિ દેવને પ્રિય છે. વ્યાપાર ક્ષેત્રે વૃદ્ધિ, જમીન મકાન સોદામાં લાભ આપે છે અને સંપત્તિકારક મનાય છે.

(૧૯) ઓગણીસ મુખી રૃદ્રાક્ષ વિષ્ણુ ભગવાનને પ્રિય છે. નેતૃત્વના ગુણો વિકસે છે અને લોકચાહના વધે છે.

(૨૦) વીસ મુખી રૃદ્રાક્ષ બ્રહ્માજીને પસંદ છે. તેને ધારણ કરવાથી હકારાત્મક ઉર્જા મળે છે. સંબંધોમાં નવી શક્તિનો સંચાર થાય છે.

(૨૧) એકવીસ મુખી રૃદ્રાક્ષ કુબેરજીને પ્રિય છે. આ રૃદ્રાક્ષ ફળ બહુ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. તે ધનમાં વૃદ્ધિ કરે છે, જીવનમાં સ્થિરતા લાવે છે અને વૈભવશાળી જીવનની પ્રાપ્તિ થાય છે.

રૃદ્રાક્ષ માટે એમ કહેવાય છે કે, શિવજીના આશીર્વાદને કારણે તેનો સામાન્ય સંજોગોમાં નાશ થતો નથી. જો તેની યોગ્ય માવજત અને કાળજી રાખવામાં  આવે તો તે અનંત કાળ સુધી ટકે છે. ધરતી ઉપરનું આ ઍક માત્ર બીજ છે જે, સૌથી લાંબી આવરદા ધરાવે છે.

વર્તમાન સમયમાં રૃદ્રાક્ષ પણ નકલી મળતા હોવાનું કહેવાય છે. જેને સામાન્ય લોકો ઓળખી શકતા નથી. અસલી રૃદ્રાક્ષને ઓળખવાની કેટલીક પદ્ધતિઓ પણ છે. હવે આધુનિક એક્સ-રે પદ્ધતિ પણ આવી છે. જેમાં તેની ઊંડી તપાસ કરવામાં આવે છે.

ધાર્મિક સ્થળો ઉપર રૃદ્રાક્ષ મોટા પ્રમાણમાં વેંચાય છે. ભાવ પણ સામાન્યથી અસામાન્ય સુધી હોય છે. સામાન્ય લોકો તો માત્ર આસ્થા અને વિશ્વાસના આધારે જ ખરીદી કરતાં હોય છે.

રૃદ્રાક્ષ આસ્થાનો વિષય છે, તેથી વાચકોએ વિવેક બુદ્ધિપૂર્વક આ લેખ વાચીને અમલ કરવો.

- પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આંકડા આધારિત વર્તમાન ફોર્મેટને વિરામ આપવો જોઈએ!

વાઇબ્રન્ટ સમિટ દરમિયાન સહી સિક્કા નહીં, ભૂમિપૂજન કે ઉદ્ઘાટન કરો!ઃ ૨૦૨૪ માં ૯૮ હજાર એમ.ઓ.યુ. થયા, એટલે એક જિલ્લાના ભાગે ૩ હજાર આવે!!

વર્તમાન ભારતના લોકપ્રિય, સક્ષમ અને દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ખ્યાતિ મળી હોય તો તે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છે. તેમણે બિન અનુભવી મુખ્યમંત્રીમાંથી એક નવી  આભા કંડારી તેનું એક શ્રેય આ સમિટને પણ જાય છે. ગુજરાતને ચેતનવંતુ અને ગતિશીલ બનાવવા માટે દેશ વિદેશના નામાંકિત અને મોટા ઉદ્યોગગૃહોને રાજ્યમાં આમંત્રણ આપી રોકાણ કરવા જણાવ્યું. દેશમાં આવી પહેલી  ઘટના હતી, જેમાં એક મુખ્યમંત્રી સીધા દેશ વિદેશના ફલક ઉપર પહોંચી ગયા. ગાંધીનગરમાં પણ સરકારી તંત્ર દોડતું અને વિચારતું થયું. રેડ ટેપીઝમ બંધ થયું, સિંગલ વિન્ડો સિસ્ટમ ચાલુ થઈ. નરેન્દ્ર મોદી ગુજરાતને એક મેગા સ્ટેટ બનાવવા માંગતા હતા, થોડે ઘણે અંશે બન્યું પણ ખરું.

ઉદ્દેશ

ખેતી પ્રધાન રાજ્યમાં વૈકલ્પિક રોજગારી વધારવી હોય તો ઉધોગ જરૃરી છે. નાના એકમો બહુ ટકી ન શકે અથવા મોટી રોજગારી ન આપી શકે. જ્ઞાન અને કૌશલ્યનો પણ અભાવ હોય. આથી મોટા, નવા અને ગેમ ચેન્જર  એકમો આવે તો જ ઝડપથી પ્રગતિ થાય. તેમને શાળા પ્રવેશ ઉત્સવ, કૃષિ મહોત્સવ જેવી નાની નાની બાબતોને પણ મહત્ત્વ આપ્યું અને પાયાની બાબતો મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે શરૃ કરેલાં અભિયાનો આજે પણ ચાલે છે, પરંતુ તે હવે ધ્યેય ભટકી ગયા હોય તેમ લાગે છે. મોદીજી મેગા પ્રોજેક્ટના ચાહક છે. તેમના કાર્યોની નાણાકીય સિદ્ધિઓ કેલ્ક્યુલેટરમાં ન સમાય તેટલી જંગી હોય છે. ટુંકમાં કે  સરળ ભાષામાં કહીએ તો તેમની આંકડાકીય સિદ્ધિઓ બહુ મોટી હોય છે. ગુજરાતની વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટની આંકડાકીય સિદ્ધિઓ બહુ મોટી અને સામાન્ય માણસ વિચારી ન શકે તેટલી મોટી હોય છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટને તાજેતરમાં ૨૦ વર્ષ થયા, અને ૨૦૨૪ માં ૧૦ મી સમિટ મળી! ૧૦ સમિટના આંકડાઓનો સરવાળો કરો તો, ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ જવી જોઈએ, પરંતુ તેમ થયું નથી. સમિટના અંતે રજૂ કરવામાં આવેલી વિગતો વાંચી લાગે કે, હવે સમિટ આંકડાઓમાં અટવાઈ ગઈ છે.

સરકારી નિવેદન

ગુજરાત સરકારના પ્રવકતા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ૧૦ મી વાઇબ્રન્ટ સમિટની પૂર્ણાહુતિ પછી માહિતી આપતા જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિમાં ૧૪૦ દેશોમાંથી ૬૧ હજારથી  વધુ સહભાગીઓએ હાજરી આપી હતી, જેમાં વિવિધ વિષયો પર ૧૫૦ સેમિનાર યોજાયા હતા. આ ઉપરાંત સમિટમાં ૨૮૬૨બી૨બી બેઠકો અને  ૧૩૬૮બી૨જી બેઠકો યોજાઈ હતી. સૌથી અગત્યનું, સેમિકન્ડક્ટર, ઇ-મોબિલિટી, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને તેના જેવા ક્ષેત્રોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ૨૦૨૨ વીજીજીએસમાં ૫૭,૨૪૧ પ્રોજેક્ટ્સ માટે રૃપિયા ૧૮.૮૭ લાખ કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે કોવિડ-૧૯ રોગચાળાને કારણે મુલતવી રાખવા પડ્યા હતા.

આ ઉપરાંત જાન્યુઆરી-૨૦૨૪ની શરૃઆતમાં યોજાયેલી સમીટની દસમી આવૃત્તિ માટે રૃપિયા ૨૬.૩૩ લાખ કરોડના ૪૧,૨૯૯ પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કુલ મળીને, ૪૫.૨૦ લાખ કરોડના મૂલ્યના ૯૮.૫૪૦ હજાર પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે એક રેકોર્ડ છે.

વાસ્તવિકતા

૧૦મી સમિટમાં ૪૫ લાખ કરોડના રોકાણો માટે ૯૮,૫૪૦ એમ.ઓ.યુ. એટલે કરારો કરવામાં આવ્યા છે. ગુજરાતનાં ૩૩ જિલ્લા છે, તેથી એક જિલ્લાના ભાગે ૩ હજાર એમ.ઓ.યુ. કે કરાર આવે. આ ગળે ન ઉતરે તેવી બાબત છે. ડાંગ, પોરબંદર કે દ્વારકા જિલ્લામાં કેટલા કરારો અમલી બની શકે? આવા નાના જિલ્લાઓને બાદ કરો તે મોટા જિલ્લાઓમાં પાંચ હજાર ભાગે આવે. ૪૫ લાખ કરોડના આર્થિક આંકડાના ગુણાકાર અને ભાગાકારમાં પણ આવી જ અવાસ્તવિકતા જોવા મળે. આ તો માત્ર ૨૦૨૪ ની જ વાત છે, કુલ ૧૦ સમિટ યોજાઇ, તે બધાના સરવાળા કરો તે ઈન્દ્રનું આસન પણ હચમચી જાય! લોકોને લાગે છે કે, મોટા આંકડાઓ અને સિદ્ધિઓની વચ્ચે વાસ્તવિકતા ઢંકાઈ ગઈ છે.

સમિટની વિગતોનો અભ્યાસ કરતાં જોવા મળે છે કે, સરકાર કહે છે કે, સાણંદ, માંડલ અને બેચરાજીમાં મોટાં રોકાણો આવ્યા છે. સારી બાબત છે. પરંતુ બીજા જિલ્લાઓનું શું? જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ડાંગ, નર્મદા જેવા જિલ્લાઓમાં આજે પણ સ્થાનિક પરંપરાગત ઉદ્યોગ ઉપર લોકો નભે છે. રાજ્ય સરકાર સિદ્ધિઓની વાત કરે છે ત્યારે વાસ્તવિકતા છાની રહેતી નથી.

વાસ્તવિકતા એ છે કે, રાજ્ય સરકાર સાથે કરાર કર્યા પછી ૬૦ ટકા ઉદ્યોગપતિઓ અલોપ થઈ જાય છે. સમિટમાં ફોટા પડાવ્યા પછી ક્યાંય દેખાતા નથી. ૨૦ ટકા જમીન, સબસિડી જેવા લાભો લઈ સરકી જાય છે. અનેક કરારો એવા હોય છે કે, જેના પ્રોજેક્ટ પ્રગતિમાં જ હોય છે અને  વાઈબ્રન્ટના નામે ચઢાવી દેવામાં આવે છે.

વાઇબ્રન્ટ સમિટનો મૂળ ઉદ્દેશ તો નવા, આધુનિક, રોજગારપ્રદ, વાસ્તવિક, વિદેશી ઉદ્યોગ આવે અને ગુજરાત ગતિશીલ બને તેવો હતો, જે હવે  આંકડાબાજીમાં અટવાઈ ગયો છે.

વર્ષ ૨૦૦૩ ની પ્રથમ સમિટમાં એક હજાર ડેલિગેટ્સ આવ્યા હતા, જ્યારે ૨૦૨૪ માં તે સંખ્યા ૬૧ હજારે પહોંચી છે. પ્રથમ સમયે ૫૫ હજાર કરોડના રોકાણો માટે ૧૭૬ દરખાસ્તો આવી હતી. જે હવે ૪૫ લાખ કરોડના રોકાણો અને ૯૮ હજાર કરારો સુધી પંહોચી છે.

હિસાબ

ગુજરાતનાં સૌથી મોટા ઇવેન્ટ તરીકે યોજાતી આ સમિટના ખર્ચના આંકડા અબજોમાં હોય શકે છે, પરંતુ જાહેર કરવામાં આવતાં નથી! બીજી તરફ ૧૦ ઇવેન્ટમાં કુલ રોકાણના કરારો કે વાસ્તવિક સિદ્ધિઓની જાણકારી સરકારી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ નથી! એમ.ઓ.યુ. બાબતે આછેરી માહિતી મળે છે તે મુજબ ૧૦ ઇવેન્ટમાં કુલ ૧,૭૫,૨૧૬ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે જેમાં ૨૦૦૭, ૨૦૧૩ અને ૨૦૧૫ ની માહિતી ઉપલબ્ધ નથી! કુલ પોણા બે લાખ કરારોમાંથી ૯૮ હજાર તો ૨૦૨૪ માં જ કરવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદીના બ્રેઇન ચાઇલ્ડ તરીકે ચાલતી આ સમિટના પ્રયાસો અને સિદ્ધિઓનો હિસાબ સરકાર પાસે નથી, અને લોકોને જાણકારી પણ નથી. દરેક સમિટ પત્યા પછી ખાધું પીધું ને રાજ કર્યું જેવી ઉક્તિ સાથે સૌ છૂટા પડે છે.

જામનગર

વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ માં જામનગર મહાનગરપાલિકા દ્વારા આ સમિટમાં શું કરવામાં આવ્યું, તેની આધિકારિક વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ મનપા દ્વારા રૃપિયા ૨૦૧૬ કરોડના કામો માટે ૯૩ એમ.ઓ.યુ.  કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બિલ્ડરો દ્વારા કરવામાં આવતા રૃટિન બાંધકામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિટ વગર પણ આ કાર્યો થવાના જ હતાં! હકીકતમાં ૯૩ કરારની વિગતો જાહેર કરવી જૉઇએ, કે જે ગેમ ચેન્જર હોય. બીજા જિલ્લાઓમાં પણ હવે બંધ બારણે કરારો કરી ગાંધીનગરમાં રજૂ કરી દેવામાં આવે છે.

મારી જાણ મુજબ જામનગર જિલ્લામાં વાઇબ્રન્ટ સમિટને કારણે કોઈ નવો, આધુનિક, મોટો ગેમ ચેન્જર ઉદ્યોગ આવ્યો નથી. કોઈ શિલાન્યાસ થયો હોવાનું જાણમાં નથી. જામનગર બ્રાસ પાર્ટસનું મોટું મથક છે. કૃષિ ક્ષેત્ર પણ  ફેલાયેલું છે, ત્યારે આ માટે ફૂડ પ્રોસેસિંગ યુનિટ કરી શકાય. લાંબો સાગર કાંઠો છે, તેના માટે પણ કામ થઈ શકે.

હાલારમાં ૧૦ વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ દરમિયાન શું મળ્યું? તે એક મોટો સવાલ છે. જો હોય તો, છાતી ઠોકીને જાહેર કરવું જોઈએ.

ઉકેલ

ગુજરાત વાઇબ્રન્ટ સમિતને ૧૦ સિઝન પછી હવે વિરામ આપી, નવેસરથી ફોર્મેટ તૈયાર કરવું જોઈએ. દરેક જિલ્લાના ભાગે એક ગેમ ચેન્જર ઉદ્યોગ આવે તેવું આયોજન કરવું જોઈએ. ભલે, માત્ર ૫૦ કરાર થાય, પરંતુ તેનો ૧૦૦ ટકા અમલ થવો જોઈએ. કરાર કરનાર પાસેથી એમ.ઓ.યુ.ની રકમના અમૂક ટકા એડવાન્સ ડિપોઝિટ લેવી જોઈએ, જો તે એકમ ન કરે તો તે રકમ ખાલસા કરવી જોઈએ.

ગુજરાતનાં લોકો હવે ૯૦ કે ૯૫ હજાર એમ.ઓ.યુ.ના આંકડામાં રસ નથી ધરાવતા. રાજ્ય સરકારને વિનંતિ કે કરવું જોઈએ! પ્રજાની વિનંતી ઓછું કરો, પરતું નક્કર કરો!

બે વર્ષ દરમિયાન ૫૦ જ મોટા ઉદ્યોગ સાથે સંકલન કરો, પ્લાન કરો અને વાઇબ્રન્ટ સમિટ દરમિયાન સહી સિક્કા નહીં, ભૂમિપૂજન કે ઉદ્ઘાટન કરો!

સમતુલન

ગુજરાતમાં પ્રાદેશિક સમતુલન બગડી રહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં જ વસ્તી અને વેપાર કેન્દ્રિત થઈ રહ્યો છે. ગીચતા વધી રહી છે. કારણ કે, સરકાર તેની મોટા ભાગની ફાળવણી આ શહેરોની આસપાસ જ કરે છે. બીજા વર્ગના શહેરો, જુનાગઢ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, દાહોદ, હિંમતનગર જેવા શહેરોને હવે પ્રાધાન્ય આપવું જોઈએ. જ્યાં મોટી આર્થિક પ્રવૃત્તિઓ થાય. ચાર મોટા શહેરો હવે વસ્તી અને સમસ્યાઓથી ફાટી રહ્યાં છે. અમદાવાદથી મુંબઈ સુધીનો પટ્ટો તો અતિ ગીચ બની ગયો  છે. ભરૃચ-સુરત હાઇવે ઉપર મુસાફરી દુષ્કર બની છે. ભાજપ સરકારે  સૌરાષ્ટ્ર પટ્ટા ઉપર હવે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૃર છે. અહીં કુદરતી સંશાધનો, ફાજલ જમીન અને માનવ શક્તિ ઉપલબ્ધ છે. એલેન મસ્કના ટેસ્લા પ્રોજેક્ટને અમરેલી કે જૂનાગઢમાં કેમ લાવી ન શકાય?

સારાંશ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને હવે વાસ્તવિક બનાવવાની જરૃર છે. માત્ર કરારો જ કરવા, સેમિનાર કરવા કે પ્રદર્શનો યોજવા પૂરતી સીમિત રાખવી ન જોઈએ. હવે, મોટા એકમોને ભૂમિ પૂજન કે ઉદ્ઘાટન કરવા પ્રેરિત  કરવા જોઈએ. ૯૮ હજાર કરારોને બદલે માત્ર ૯૮ જ કરો, પરંતુ તેના ભૂમિપૂજન કે પ્રારંભ જ કરાવો. વર્ષ ૨૦૦૩ મા પ્રથમ સમિટ નવરાત્રિમાં યોજાઇ હતી જેનું ઉદ્ઘાટન તત્કાલીન નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ કર્યું  હતું. હવે ૨૦૨૬ માં નવા રૃપ રંગ સાથે યોજવી જોઈએ. જેમાં માત્ર વાતો નહીં પરંતુ અમલીકરણ તબક્કાનો સમાવેશ જ કરવો જોઈએ.

નરેન્દ્ર મોદીએ ફરી તેમની કુશાગ્ર બુદ્ધિ, દીર્ઘદૃષ્ટિ, અનુભવ, વૈશ્વિક  પ્રતિભા, સવાયા ગુજરાતી તરીકે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને નવજીવન આપવાની જરૃર છે.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કાઠીયાવાડી ખાંડવી, ખમણ, ઊંધિયું, દાળભાત, મઠ્ઠો હવે માત્ર બે મિનિટમાં તૈયાર કરો!

ગુજરાતી, કાઠીયાવાડી વાનગીઓ હવે નવા અવતારમાં આવી!ઃ ગુજરાતી પાક કલા હવે ૨૧ મી સદીમાં પ્રવેશી ચૂકી છે!

ગુજરાતી રસોઈની આવરદા બહુ ઓછી હોવાથી ગૃહિણીઓ પરેશાન રહે છે. ગુજરાતી ભાણાની તમામ ચીજો ૬ થી ૧૨ કલાક સુધી જ તાજી રહે છે, ત્યાર બાદ સ્વાદ, સ્વરૃપ કે રંગ ગુમાવે છે અને અખાદ્ય અને વાસી બની જાય છે. ફ્રીઝમાં બે ચાર કલાક વધુ રહે, પરંતુ ત્યાં પણ તે ટકતી નથી. જો કે હવે ગુજરાતી ગૃહિણીઓ કે સ્વાદ શોખીન લોકો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતી ફૂડ હવે રેડી ટુ ઈટ બની ગયું છે. ખમણ, ખાંડવી, ઊંધિયું, ઓળો, શીરો, લાડુ, ફાફડા, ગાંઠિયા, રોટલા, રોટલી, હલવો જેવી અસંખ્ય ચીજો નવી આધુનિક પ્રોસેસ કરી ચારથી છ માસ સુધી આરામથી સાચવી શકાય છે! આ સંપૂર્ણ હાઈજેનિક અને આરોગ્ય માટે સલામત છે. તેમાં કોઈ પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવતાં નથી. માત્ર થોડી કલાકો સુધી મશીન પ્રક્રિયા કરી, એર ટાઇટ પેકીંગમાં પેક કરવામાં આવે છે. ભૂખ લાગે ત્યારે પેકેટ ખોલો, પાણી, તેલ કે ઘી ઉમેરી ગરમ કરો અને.. બે મિનિટમાં તમારી મનપસંદ વાનગી તૈયાર થઈ જાય છે. નવીનત્તમ પ્રક્રિયાને બ્લાસ્ટિંગ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. આપણે લીલા ચણા, વટાણા, મેંગો પલ્પ, ચીકુ જેવી કેટલીક ચીજો ફ્રોઝન કરી સાચવીએ છીએ, પરંતુ રાંધેલો ખોરાક બહુ ટકતો નથી. હવે આપણે તે ચિંતામાંથી મુક્ત થઈ ગયા છીએ. આપણી પાક કલા હવે સાચા અર્થમાં ૨૧ મી સદીમાં પ્રવેશી ચૂકી છે!

ટુ મિનિટ્સ

આપણને સૌ પ્રથમ મેગી નુડલ્સનો અનુભવ થયો. વિદેશી કંપની નેસ્ટ્લેએ બજારમાં મેગી નામનું રેડી ટુ ઈટ ફૂડ રજૂ કર્યું, જે આજે પણ લોકપ્રિય છે. માત્ર બે મિનિટમાં જ ખોરાક તૈયાર કરી શકાય છે તેવો કોન્સેપ્ટ આપણને મેગી નુડલ્સ દ્વારા જાણવા મળ્યો. હવે તો કરિયાણાની દુકાનો આવા ઇન્સ્ટન્ટ ફૂડથી ઉભરાઇ રહી છે. ઉનાળામાં ઠંડા પીણાં ઘરે ઇન્સ્ટન્ટ તૈયાર થઈ શકે છે, તેવું આપણને રસના એ શીખવ્યું. આઈ લવ યુ રસના ના સ્લોગને ઠંડા પીણાં બનાવતી વિદેશી મેગા કંપનીઓના પાયા હચમચાવી નાખ્યા હતા. આપણું સંપૂર્ણ દેશી ખીચું પણ તે જમાનાનું ઇન્સ્ટન્ટ ફૂડ હતું, ઘઉં કે ચોખાના લોટમાંથી બનતા આ નાસ્તાને પણ માત્ર ગણતરીની મિનિટોમાં બનાવી શકાય છે. તેને આપણે ઇન્સ્ટન્ટ ફૂડ નામ નહોતાં આપી શક્યા.

ગુજરાતણો હવે કિટ્ટી પાર્ટીમાં રસોડામાં જતી નથી, સ્વીગી કે ઝૉમેટો કરી દે છે! જો કે હવે તે પણ કરવાની જરૃર નથી. બે મિનિટમાં જ ઊંધિયું, ઓળો, ખમણ, લાપસી, લીલી અને લાલ ચટણી જેવી ૫૦ મૂળભૂત ગુજરાતી વાનગીઓ તૈયાર કરી શકાય છે. વિદેશોમાં જ્યાં રસોઈયાઓની અછત છે ત્યાં તો આ રેડી ટુ ઈટ ના પેકેટો ખોલી, જમણવાર પણ કરવામાં આવે છે!

નવયુગ

ગુજરાતી રસોડામાં હવે ૨૧ મી સદીનો પ્રવેશ થયો છે. ગુજરાતી થાળીની અનેક સામાન્ય અને ખાસ રસોઈ હવે ઇન્સ્ટન્ટ સ્વરૃપમાં મળે છે. જેમાં ખીચડી-કાઢી, મઠ્ઠો, સુરતી લોચો, પૌવા, દાલ-ભાત, રીંગણાનું ભડથું, ઓળો, દૂધીનો હલવો, રગડા કચોરી, મિક્સ વેજ, રવા શીરો, ગાજરનો હલવો, પાત્રા, ભરેલા ભીંડા, રોટલી, ભાખરી, પરાઠા, રીંગણાં-બટેટનું શાક જેવી ઓથેન્ટિક ચીજો મળે છે.

થોડા વર્ષો પહેલાં પણ કેટલીક ચીજો આ સ્વરૃપમાં ઉપલ્બધ હતી, પરંતુ તે રીટેટ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવતી હતી, જેમાં સ્વાદ આવતો હતો પરંતુ પોષક તત્ત્વો નાશ પામતા હતા. તેમાં મહદ્અંશે પ્રિઝર્વેટિવ પણ ઉમેરવામાં આવતાં હતા.

હવે બ્લાસ્ટિંગ પ્રોસેસનો આવિષ્કાર થયો છે. જેમાં ખોરાકને -૩૫ ડિગ્રીમાં ફ્રીઝ કરવામાં આવે છે અને ત્યારબાદ ખાસ મશીનમાં ડ્રાય કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા ૧૨ થી ૧૫ કલાક ચાલે છે. અહી કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ્સ, આર્ટિફિસિયલ કલર કે સુગંધ ઉમેરવામાં આવતાં નથી. પેકેટ ઉપર દર્શાવેલ નાની થોડી મિનિટોની પ્રક્રિયા કર્યા પછી ઓથેન્ટિક ટેસ્ટ, સુગંધ અને પોષણ સાથે મનગમતું ભોજન મળે છે.

હવે કાઠીયાવાડી, સુરતી, પંજાબી, સાઉથ અને જૈન ફૂડ પણ પેકેટમાં ઉપલબ્ધ છે. મોટા ભાગની ચીજોની સેલ્ફ લાઈફ ૬ થી ૯ માસ સુધીની હોય છે. ગુજરાતી થાળીમાં મારા માટે અડદનો પાપડ કદાચ પ્રથમ રેડી ટુ ઈટ હતો. માત્ર ગણતરીની ક્ષણોમાં તૈયાર થતો હતો. હવે તો ઓળો કે ઊંધિયું બારેય માસ માણી શકાય છે.

ગૃહિણીઓ કેરીનો રસ, કટકા ફ્રીઝમાં સાચવે છે, પરંતુ તે સતત ત્યાં જ રાખવા પડે છે. જ્યારે બ્લાસ્ટિંગ પ્રોસેસ દ્વારા તૈયાર થયેલ ચીકુ જેવા ફળો પણ ડાઈનીગ ટેબલ ઉપર રહી શકે છે.

પ્રક્રિયા

ફ્રીઝ-ડ્રાયિંગ કેજેને લિઓફિલાઇઝેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે નિર્જલીકરણનું એક સ્વરૃપ છે. ખોરાકને પહેલા સ્થિર કરવામાં આવે છે, પછી તેના પાણીની સામગ્રીને દૂર કરવા દબાણ હેઠળ સૂકવવામાં આવે છે.એવું વ્યાપકપણે માનવામાં આવે છે કે ફ્રીઝ-ડ્રાયિંગ એ સૂકવવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે. જેમ કે, તે ખોરાક અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં સામાન્ય પ્રથા છે.ખાવા માટે તૈયાર ભોજનથી લઈને ફળો અથવા નાસ્તા સુધી, તમને તમારા સ્થાનિક સુપરમાર્કેટમાં ફ્રીઝ-સૂકા ખોરાકની વિશાળ શ્રેણી સરળતાથી મળી શકે છે. આ માટેની મશીનરી બહુ અટપટી કે મોંઘી નથી. ઉત્પાદક કેટલા પ્રમાણમાં ચીજો બનાવવા માંગે છે તેના ઉપર કદ અને ખર્ચ નિર્ભર છે.

ફ્રીઝ-ડ્રાયિંગ એ ડિહાઇડ્રેશનનું એક સ્વરૃપ છે જે ઉત્પાદનમાંથી પાણીને કે ભેજને બરફમાંથી વરાળમાં ફેરવીને દૂર કરે છે. ત્રણ-પગલાની પ્રક્રિયા શેલ્ફ લાઇફને લંબાવતી વખતે ઉત્પાદનના પોષક મૂલ્ય, સ્વાદ અને દેખાવને સાચવે છે.

વર્તમાન

મધ્યમ કે જૂની પેઢીના લોકો રેડી ટુ ઈટ ખોરાકથી મોટા ભાગે દૂર રહે છે. નવી જનરેશન માટે તે આશીર્વાદ  સમાન છે. તે તૈયાર ખોરાકથી પેટ પૂજા કરી લે છે. હવે તો ગુજરાતી કે કાઠીયાવાડી વાનગીઓ શોખથી પેકેટ ખોલી બે મિનિટમાં તૈયાર કરી જયાફત ઉડાવે છે. કોર્પોરેટ કલ્ચરમાં તો મોટા ભાગના યુવાનો પાસે સમય નથી. ગુજરાતની અનેક નામી કંપનીઓ બાઉલમાં ભેળ બનાવે છે. પાણી નાખો અને ચટપટી ભેળ તૈયાર! રોટલી, પરાઠા, સલાડ, સૂપ, જ્યુસ તો લાંબા સમયથી રેડી ટુ ઈટ અવતારમાં મળે છે, પરંતુ તેમાં ગુણવત્તા ઘટતી હોવાની અને ઓરિજનલ સ્વાદ ન હોવાની ફરિયાદો આવતી હતી. હવે નવી બ્લાસ્ટિંગ પ્રોસેસમાં આ ફરિયાદો દૂર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે. બ્લાસ્ટિંગ પ્રોસેસને ગૃહ ઉદ્યોગ તરીકે પણ શરૃ કરી શકાય છે. તે બહુ મોટી અને અટપટી રોકેટ ટેકનોલોજી નથી. માત્ર બે સાદા મશીન હોય છે, જેમાં એક માં -૩૫ ડિગ્રી તાપમાન જાળવવાનું હોય છે, જ્યારે બીજું મશીન ડ્રાયર હોય છે, જે ખોરાકમાંથી ભેજને દૂર કરી સૂકવી નાખે છે. ગુજરાતમાં ફરસાણ અને મીઠાઈઓ તો વર્ષોથી રેડી ટુ ઈટ ફોરમેટમાં મળી રહી છે. કોકાકોલા અને પેપ્સી જેવી મેગા કંપનીઓ પણ પીણાં ઉપરાંત તૈયાર ખોરાકના ધંધામાં પડી છે. ગુજરાતની આપણી લોકલ બ્રાન્ડ પણ અબજોનો ધંધો કરી રહી છે.

નવી પેઢીને સલાડ બનાવવા માટે પણ સમય નથી. બજારમાં હવે રેડી ટુ ઈટ સલાડ પણ મળી રહ્યા છે. બેંગલોરની સલાડ બાઉલ નામની કંપની તો આ ક્ષેત્રે મોટી ગણાય છે, અને હવે વિદેશમાં પગપેસારો કરી રહી છે.

લોકડાઉન

કોરોના કાળે આપણને ઘણી નવી જીવન પદ્ધતિઓ શીખવી, તેમાં એક વર્ક ફ્રોમ હોમ છે અને બીજી રેડી ટુ ઈટ છે. મોટાભાગના બજારો બંધ હતાં, ચીજ વસ્તુઓ મળતી ન હતી. શાકભાજી પણ નિયમિત મળતા ન હતાં. આવા સમયે લોકો તૈયાર ખોરાક તરફ વધુ ખેચાયાં. યુવાનો સાથે વડીલો પણ મેગી રાંધી દિવસ પૂરો કરતા હતા. પેકેટ ફૂડનું ચલણ ત્યારબાદ કુદકેને ભૂસકે વધવા લાગ્યું છે. આજે દર ૧૦ પરિવારમાંથી બે પરિવાર આ આધુનિક ફૂડ તરફ વળ્યા છે.

વિચારો

ખોરાકને આપણે અટપટો બનાવ્યો છે. પ્રભુએ તો બધું રેડી ટુ ઈટ જ આપ્યું છે. ફળો, શાકભાજી, કાજુ, બદામ, અખરોટ જેવા સૂકા મેવા સીધા રાંધ્યા વગર પણ કાચે કાચા આરામથી ખાઈ શકાય છે. રાંધણ કલા શોધીને માણસો ગોટે ચડયા છે. માણસો માટે પેટ ભરવા માટેની ૯૯ ટકા ચીજો આરામથી કાચી ખાઈ શકાય છે. સૂપ શોધીને મુશ્કેલી થઈ, બાકી ટામેટાં કાચે કાચાં ખાઈને પેટ ભરી શકાય છે અને પોષણ પણ મળે છે. ઘઉં પોંકના સ્વરૃપમાં હોય ત્યારે ખાઈ શકાય છે. સીંગદાણા, મકાઇ, વટાણા, તલ, ખજૂર, મરચાં, ગાજર, કેરી, સફરજન, ચીકુ, દ્રાક્ષ, કેળાં, સંતરા, મધ, વગેરે પણ મૂળ સ્વરૃપમાં આરોગી શકાય છે. સીંગદાણા પીલીને તેલ બનાવ્યા પછી જ કલોરેસ્ટોલની મુશ્કેલી થઈ! કદાચ રસોડામાંથી રાંધણ પ્રક્રિયા દૂર કરી દેવામાં આવે તો પણ પેટપૂજા થઈ શકે છે! પોષણ પણ મળી રહે છે.

ગુજરાતીઓ હવે ખોરાક બાબતે બહુ જાગૃત બની ગયા છે, ખાતા પહેલાં સો વાર વિચારે છે. મને એ વાતનો આનંદ છે કે, ગુજરાતીઓ હવે પેકેટ ઉપર એક્સપાઇરી ડેટ વાંચતાં થઈ ગયા છે. આંખો બંધ કરીને કોઈ ખરીદી કરતા નથી! ગાંઠિયા, ફાફડા જેવી લાગણીશીલ ચીજો તો ગરમાગરમ આરોગી જાય છે. બ્લાસ્ટિંગ પ્રોસેસ રસોડા ક્ષેત્રે નવી ક્રાંતિ છે. બે મિનિટમાં વાનગીઓ તૈયાર કરતી શોધ ગુજરાતી ગૃહિણીઓ માટે આશીર્વાદ સમાન છે. વિદેશમાં જ્યાં ગુજરાતી રસોઈયાઓની તંગી છે ત્યાં, આ નવી શોધ બહુ ઉપકારક બની છે. જો કે, રસોઈયા લોકોની નોકરી ઉપર મોટું જોખમ છે. મોટી હોટલો લાઈવ સૂપ કહીને પછી પણ પેકેટના સૂપ જ પીવડાવે છે.

ભારતમાં હવે ઓથેન્ટિક ગુજરાતી ભોજન નવા સ્વરૃપમાં ધીરે ધીરે ઉપલબ્ધ થઈ રહ્યું છે. ઓનલાઈન માર્કેટિંગ કંપનીઓ અને ફૂડ પ્રોડક્ટ બનાવતા લોકો હોમ ડિલિવરી પણ કરે છે. જેની કિમત ૨૫૦ ગ્રામના ૧૫૦ રૃપિયા કે તેથી વધુ રહે છે.

સ્વાદ શોખીન ગુજરાતીઓ દુનિયામાં ગમે ત્યાં જાય, થેપલાં અને સૂકી ભાજી મળે એટલે ખુશ થાય. પ્રયોગશીલ ગણાતા અને મનાતા ગુજરાતીઓ હવે દુનિયાભરની વાનગીઓ વતનમાં આરોગતા થયા છે. સાથે સાથે દેશી ભાણું પણ ભૂલ્યા નથી.

'નોબત'ના વાચકો અને ચાહકોને સ્વાદ અને સુગંધભરી શુભેચ્છાઓ.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આપણે ભૂલી ગયા છીએ કે, આઝાદી એ અધિકાર ઓછો અને જવાબદારી વધુ છે!

રાષ્ટ્ર ભક્ત બનવા માટેની શરતો બહુ નાની અને ક્ષુલ્લક છેઃ રાષ્ટ્રભાવના પ્રબળ બનશે તો જ દેશ મહાન બનશેઃ

આઝાદીના આઠ દાયકા થઈ ગયા. વ્યક્તિના જીવનનો આ અસ્તાચલ કહેવાય, પરંતુ રાષ્ટ્ર માટે તે યુવાની કહેવાય. માણસ સારી નરસી બાબતો આ જ જીવનકાળમાં શીખે છે, ભવિષ્યનું નિર્માણ કરે છે. ગુજરાતીમાં બહુ પ્રચલિત કહેવત છે કે વાવીએ તેવું, લણીએ. આપણે શું વાવીએ છીએ તે મહત્ત્વનું છે. બાવળ વાવીએ તો આંબા ન પાકે, અને આંબા વાવીએ તો બાવળ ન પાકે. આજના દિવસે ગંભીર બની મનન ચિંતન કરવાનો સમય થઈ ગયો છે. આઝાદીની લડાઈ લડનારના સમયમાં પરિસ્થિતિ જુદી હતી, આજે જુદી છે. તેમણે તે  સમય-સંજોગોનો ધ્યાનમાં રાખી નિર્ણયો લીધા હોય, કામ કર્યું હોય. ગાંધી, સરદાર, નહેરુ, શાસ્ત્રી કે તમામ નામી અનામી લોકોએ સ્વતંત્રતા સંગ્રામમાં યથાયોગ્ય યોગદાન આપ્યું, તેને નત મસ્તક વંદન કરવાનો સમય છે.  કાળક્રમે વિચારધારા અને સાધનો બદલાય છે. આપણને આઝાદીના સમયે ભૂતકાળમાં શું થયું, કોણે શું કર્યું, કેવી રીતે કર્યું, શા માટે કર્યું? તે ન્યાય નિર્ણય કરવાનો અધિકાર નથી. આપણાં કર્મોનો હિસાબ પણ ભવિષ્યમાં કરવામાં આવશે. તેથી આપણાં વિચારો, કર્મો અને નિર્ણયો સંતુલિત કરવા જોઈએ.

એક બહુ પ્રચલિત કહેવત કે માન્યતા છે કે, ભૂતકાળના શાસકો તેના કર્મોને કારણે જ તે નાબૂદ થઈ ગયા. ભૂતકાળના શાસકો ગયા.. નગારે, તગારે અને પગારે! હવે કદાચ આમાં નવું નામ ઉમેરવું પડે કે.. લાપરવાહીએ!

મર્યાદા

વ્યક્તિનું જીવન હોય, કુટુંબનું જીવન હોય, સમાજનું જીવન હોય કે રાષ્ટ્રનું  જીવન હોય.. મર્યાદા બહુ મહત્ત્વની છે. અમર્યાદ કે બેફામ જીવન ટૂંકું કે પીડાદાયક હોય છે. આપણાં પડોશી રાષ્ટ્રો અને દુનિયાના અનેક દેશો  અવ્યવસ્થાનો ભોગ બન્યા છે. તેનું મુખ્ય કારણ બેજવાબદાર નાગરિકો અને લાપરવાહ માનસિકતા છે. આપણે સંયમ શીખવો પડશે. તાજેતરમાં જ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ભગવાન રામ મર્યાદા  પુરૃષોત્તમ તરીકે ઓળખાય છે. માત્ર દીપક પ્રજ્વલિત કરવાથી કે ઉજવણી કરવાથી મર્યાદા પુરૃષોત્તમની ભક્તિ નથી થતી. તેના આદર્શોને ચરિતાર્થ કરવા પડશે. ભગવાન તો ન બની શકીએ, પરંતુ પવિત્ર ભક્ત તો બની શકીએ!

રાષ્ટ્ર ભક્ત બનવા માટેની શરતો બહુ નાની અને ક્ષુલ્લક છે. સ્વચ્છતા જાળવીએ, કરવેરા નિયમિત ભરીએ, વાહનો મર્યાદિત ગતિએ ચલાવીએ, સરકારી નિયમોનું સખ્ત પાલન કરીએ, લોભ કે લાલચનો ત્યાગ કરીએ, દેશભક્ત બનીએ, જરૃર પૂરતું જ ભોજન કરીએ, દેખાદેખીનો ત્યાગ કરીએ. ગાંધીજી એ પોતડી પહેરી અંગ્રેજો સામે લડ્યા હતા, સરદાર પટેલ સાદુ જીવન જીવતા હતા, નહેરુ અંગ્રેજોનો વિશ્વાસ જીતી દેશ તરફી નિર્ણયો કરાવતા હતા. આઝાદી સમયે રેલવે બ્રિટિશ હસ્તક હતી, તેથી ભાગલા સમયે મુસ્લિમો  સરળતાથી પાકિસ્તાન જઈ શકે તે માટે નહેરુએ ગોરા લોકોને આખી યોજના શિરાની જેમ ગળે ઉતારી દીધી અને અસંખ્ય ટ્રેન ફાળવી દીધી. જો કે ત્યારે મોટી માત્રામાં રેક ન હોવાથી ઘણી મુશ્કેલીઓ પડી.

આઝાદી સમયે તમામ લોકોએ પોતાની મર્યાદામાં રહી દેશ ભક્તિ કરી. આઝાદીના જંગમાં કોઈ પોતાની મર્યાદા ચૂક્યું નથી. આપણે પણ રામ ભક્તિ સાથે દેશ ભક્તિને જીવન મંત્ર બનાવીએ.

ગણતંત્ર દિવસ

૨૬ જાન્યુઆરીને ગણતંત્ર દિવસ કે પ્રજાસત્તાક દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પ્રજાસત્તાક દિવસ એ દિવસ છે જ્યારે ભારતને પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું. ભારતનું બંધારણ ૨૬  જાન્યુઆરી ૧૯૫૦ ના અમલમાં આવ્યું હતું. રાષ્ટ્રને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના બ્રિટિશ રાજથી અલગ  પ્રજાસત્તાકનો દરજ્જો પ્રાપ્ત થયો. બંધારણને ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના ભારતીય બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના અમલમાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની તારીખ તરીકે પસંદ કરવામાં આવી હતી કારણ કે, ૧૯૩૦ માં તે દિવસે  ભારતીય સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવી હતી.

વર્તમાન

પ્રજાસત્તાક દિવસના ઉત્સવ અન્વયે અનેક કાર્યક્રમો યોજાય છે. ઉજવણીના અંતે સત્તાવાર રીતે બીટિંગ રીટ્રીટ સમારોહ યોજવામાં આવે છે. તે પ્રજાસત્તાક દિવસ પછી ત્રીજા દિવસે ૨૯ જાન્યુઆરીની સાંજે હાથ ધરવામાં આવે છે. તે સૈન્યની ત્રણ પાંખ, ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય  વાયુસેનાના બેન્ડ દ્વારા રાયસીના હિલ ખાતે સુમધુર સૂરાવલિ અને સેન્ય  કરતબો સાથે પરેડનું આયોજન થાય છે. વિજય ચોક, રાષ્ટ્રપતિ ભવન  (રાષ્ટ્રપતિ મહેલ)ના ઉત્તર અને દક્ષિણ બ્લોક તરફ આ પ્રસંગ ઉજવાય છે. અહીં રાષ્ટ્રપતિ ભવન પણ આવ્યું છે. પ્રજાસત્તાક દિવસ સમારોહ કેન્દ્ર સરકાર ઉજવે છે જ્યારે બીટિંગ રીટ્રીટ સમારોહ રાષ્ટ્રપતિ દ્વારા ઉજવામાં આવે છે.

આ સમારોહના મુખ્ય અતિથિ ભારતના રાષ્ટ્રપતિ હોય છે જેમને ઘોડેસવાર એકમ દ્વારા એસ્કોર્ટમાં આવે છે. રાષ્ટ્રપતિના આગમન સમયે કમાન્ડર  યુનિટની રાષ્ટ્રીય સલામી આપવામાં આવે  છે, સેના દ્વારા ભારતીય  રાષ્ટ્રગીત, જન ગણ મન વગાડવામાં આવે છે. આર્મી સામૂહિક બેન્ડ દ્વારા  પ્રદર્શનનો સમારંભ યોજાય છે, જેમાં લશ્કરી બેન્ડ્સ, પાઇપ અને ડ્રમ બેન્ડ્સ, બગલર્સ અને વિવિધ આર્મી રેજિમેન્ટના ટ્રમ્પેટર ઉપરાંત નેવી અને એરફોર્સના બેન્ડ્સ ભાગ લે છે, જે મહાત્મા ગાંધીના મનપસંદ એબિડ વિથ મી જેવી લોકપ્રિય ધૂન વગાડે છે.

સન્માન

પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, ભારતના રાષ્ટ્રપતિ દર વર્ષે ભારતના  નાગરિકોને પદ્મ પુરસ્કારોનું વિતરણ કરે છે. આ ભારતરત્ન પછી બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો છે. આ પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવે  છે, જેમ કે. પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી.

રાષ્ટ્રીય સન્માન હોવા છતાં, પદ્મ પુરસ્કારોમાં રોકડ ભથ્થાં, લાભો અથવા  રેલ / હવાઈ મુસાફરીમાં વિશેષ રાહતોનો સમાવેશ થતો નથી. ભારતની  સર્વોચ્ચ અદાલતના ડિસેમ્બર ૧૯૯૫ના ચુકાદા મુજબ, ભારત રત્ન અથવા કોઈપણ પદ્મ પુરસ્કારો સાથે કોઈ પદવી અથવા સન્માન સંબંધિત નથી.

ઉજવણી

વર્તમાન વડાપ્રધાન અને એક સમયના ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ  મોદીએ ખૂબ સારી નવી પ્રથા શરૃ કરી હતી. રાષ્ટ્રીય પર્વો પાટનગર  ગુજરાતમાં જ ઉજવાતા હતાં. તેમણે આ પર્વો જિલ્લા કક્ષાએ ઉજવવાનું શરૃ કર્યું, તેથી દરેક જિલ્લામાં લોક ભાગીદારી વધી. જિલ્લા કક્ષાના પર્વ તાલુકા  કક્ષાએ લઈ ગયા. આ પર્વની ઉજવણી સાથે વિકાસ કાર્યોને પણ જોડી દીધા. જ્યાં ઉજવણી હોય ત્યાં શ્રેણીબદ્ધ વિકાસ કાર્યો કરવામાં આવે છે.

૭૫મા પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢમાં થઈ રહી છે, ત્યારે ગુજરાત પોલીસના ૨૫૬ જવાનો ૫૧૨ મસાલ સાથે ભવ્ય અને દર્શનીય  મશાલ પીટી કાર્યક્રમ રજૂ કર્યા. આ સાથે અશ્વ શો, ડોગ શો, મલખમ, બાઈક  સ્ટંટ શો સહિતના કાર્યક્રમમાં પણ યોજવામાં આવ્યાં. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આ  મસાલ પીટી કાર્યક્રમ જૂનાગઢ શહેરની વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં સાંજે ૭ કલાકે યોજવામાં આવ્યાં. આ મશાલ પીટી કાર્યક્રમમાં પોલીસ જવાનો બંને  હાથમાં મશાલ પકડીને ગુજરાત પોલીસ, વેલકમ, જય શ્રીરામ જેવા શાબ્દિક ફોર્મેશન બનાવ્યા જે રાત્રિના સમયે નિહાળવા દર્શનીય બની રહ્યા. આ મસાલ પીટી કાર્યક્રમ ઉપરાંત લાઈટિંગ આધારિત અશ્વ શો, ડોગ શો, બાઈક સ્ટંટ શો યોજાય. પોલીસ પરિવારના બાળકો દ્વારા ખાસ મલખમ કાર્યક્રમ  પણ રાખવામાં આવ્યો. સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા જૂડો કરાટેનું પણ નિદર્શન તથા બ્રાસ બેન્ડ અને પાઇપ બેન્ડ ડિસ્પ્લે કરવામાં આવ્યા.

તક

ભારતની આઝાદીને હજુ ૮ દાયકા જ થયા છે. હજારો વર્ષ બાકી છે. આપણી  પાસે શિસ્તબદ્ધ બનવા માટે સમય અને તક છે. રાષ્ટ્રભાવન પ્રબળ બનશે તો  જ દેશ મહાન બનશે. ધર્મસ્થાનોમાં જેમ વર્તન કરીએ છીએ તેમ સમાજ  જીવનમાં પણ વર્તન કરવું પડશે. સ્વછંદતા છોડવી પડશે. સરકારી નિયમોનું  પાલન કરવું પડશે. સરકારોએ પણ એકને ખોળ અને બીજાને ગોળની નીતિ છોડવી પડશે. પ્રજાને તટસ્થતાનો અનુભવ કરાવવો પડશે.

ઉપર દર્શાવેલી બાબતો, વર્તન અને આચરણ બહુ કપરી બાબત છે. રાષ્ટ્રભાવના જ્યારે જાગશે ત્યારે જ રામ રાજ્ય આવશે.

'નોબત'ના વાચકો અને ચાહકોને આઝાદી પર્વની હાર્દિક શુભેચ્છા...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા સાથે કંડારાશે ભગવાન શ્રીરામની જીવન ઝાંખીનો નવો ઇતિહાસ

ટોચના ૧૦ રામ મંદિરોની શાબ્દિક ઝાંખીઃ ચીની પ્રવાસી હ્યુ-એન-ત્સાંગએ પણ અયોધ્યા શબ્દનો ઉલ્લેખ કર્યો હતોઃ

સનાતન હિન્દુ ધર્મના ઇતિહાસમાં ૨૨ જાન્યુઆરીએ નવી તવારીખ જન્મ લેશે. રામની જન્મભૂમિ અયોધ્યામાં રામજી બિરાજમાન થશે. ભવ્યાતિભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. હિન્દુ ધર્મમાં શંકર, રામ અને કૃષ્ણ મુખ્ય પૂજનીય દેવતાઓ છે. તેની શાખાઓ અને પ્રશાખાઓ પણ બહુ વિસ્તારી છે. શંકરના પૂજનીય સ્થળો અનેક છે. ભગવાન કૃષ્ણના પણ દ્વારકા, શ્રીનાથજી, ડાકોર સહિત અનેક યાદગાર સ્થળો છે. જેમાં રામના સૌથી ઓછા હોવાનું અનુમાન છે. અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે શરૃ થઈ ગયો છે. આ લેખ વાંચતાં હશો ત્યારે ત્યાં ભવ્ય ધામધૂમ ચાલતી હશે. ૧૬ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. રામચરિત માનસના બીજા અધ્યાયનું નામ જ અયોધ્યા કાંડ છે.

જેમાં, ૧૬ તારીખે પ્રાયશ્ચિત, દશવિધિ સ્નાન, વિષ્ણુ પૂજન, ગૌદાન, ૧૭ તારીખે શોભાયાત્રા, સરયૂ સ્નાન, ૧૮ તારીખે ગણેશ પૂજન, વાસ્તુ પૂજન, આજે એટલે કે, ૧૯ તારીખે નવગ્રહ સ્થાપન, ૨૦ તારીખે ગર્ભ ગૃહ સફાઇ, ૨૧ તારીખે મૂર્તિઓને દિવ્ય સ્નાન અને ૨૨ જાન્યુઆરીના રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. અયોધ્યામાં નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે ત્યારે આજે, અહીં ભગવાન રામને સ્મરી લઈએ. દેશમાં કુલ ૧૦ મુખ્ય રામ મંદિર આવ્યાં છે, જેની એક આછેરી ઝલક 'નોબત'ના વાચકો માટે રજૂ કરી છે.

અયોધ્યા

ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યા સરયુ નદીના કિનારે આવેલું પ્રાચીન શહેર છે અને હિંદુઓ માટે સાત સૌથી મહત્ત્વપૂર્ણ તીર્થસ્થાનોમાંનું એક સપ્તપુરી છે. અયોધ્યા એ ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, ફૈજાબાદ જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે. જે ''અવધ''ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. દિલ્હીથી ૫૫૫ કિ.મી. દૂર આ શહેર વસેલું છે. સંસ્કૃત ભાષામાં અયોધ્યાનો અર્થ ''જેની સામે યુદ્ધ ન કરી શકાય તેવું'' એવો થાય છે. આ નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાની બનેલી મૂર્તિ પાંચ વર્ષના બાળકના રૃપમાં સ્થાપિત કરવામાં આવશે. આ પ્રતિમા ૫૧ ઈંચ ઊંચી છે, જે કાળા પથ્થરથી બનેલી છે અને ખૂબ જ આકર્ષક રીતે બનાવવામાં આવી છે જે કર્ણાટકના જાણીતા શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કોતરવામાં આવી છે. અરુણ યોગીરાજ, એક પ્રતિષ્ઠિત શિલ્પકાર છે, જે મૈસૂરના પ્રખ્યાત શિલ્પકારોની પાંચ પેઢીના વંશના છે. યોગીરાજે નાની ઉંમરે તેમની શિલ્પકાર્યની શરૃઆત કરી હતી અને તેઓ તેમના પિતા યોગીરાજ અને દાદા બસવન્ના શિલ્પીથી ખૂબ પ્રભાવિત હતા, જેમણે મૈસુરના રાજાનું સમર્થન મેળવ્યું હતું. એમબીએ કર્યા પછી અને કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કર્યા પછી, યોગીરાજે ૨૦૦૮ થી પૂર્ણ સમય શિલ્પ બનાવવાનું શરૃ કર્યું. રામલલ્લાની મૂર્તિ ઉપરાંત, યોગીરાજે શ્રેણીબદ્ધ પ્રભાવશાળી શિલ્પો કોતરેલા છે, જેમાં દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે અમર જવાન જ્યોતિની પાછળ પ્રદર્શિત સુભાષચંદ્ર બોઝની ૩૦ ફૂટની પ્રતિમાનો સમાવેશ થાય છે.

તેમના અન્ય નોંધપાત્ર યોગદાનમાં કેદારનાથમાં આદિ શંકરાચાર્યનું ૧૨ ફૂટ ઊંચું શિલ્પ મૈસૂરમાં ૨૧ ફૂટ ઊંચી હનુમાન પ્રતિમાનો સમાવેશ થાય છે.

અયોધ્યા ગૌતમ બુદ્ધનાં સમયમાં આ શહેર અયોજ્ઝા તરીકે પણ ઓળખાતું. ઇ.સ. ૧૨૭માં આ નગર સાકેત નામથી ઓળખાતું જેના પર કુશાણ સમ્રાટ કનિષ્કે વિજય પ્રાપ્ત કરી અને પૂર્વીય પ્રાંતનું વહિવટી મથક બનાવેલ. હ્યુ-એન-ત્સાંગ નામનાં ચીની મુસાફરે ઇ.સ. ૬૩૬માં આયોધ્યા નગરની મુલાકાત લીધી હતી અને તેના પ્રવાસ વર્ણનમાં તેનો ઉલ્લેખ કર્યો છે. હાલમાં અંદાજીત વસ્તી ૬૦ હજાર છે.

રાજા રામ મંદિર, મધ્ય પ્રદેશ

આ મંદિર ઓરછા, મધ્યપ્રદેશમાં બેતવા નદીના કિનારે આવેલું છે. મંદિર પાછળની વાર્તા એવી છે કે ઓર્ચાની રાણી ભગવાન રામની પ્રખર ભક્ત હતી. તે એક વખત તેના પૂજનીય દેવતાને છોકરાના રૃપમાં પરત લાવવાની ઈચ્છા સાથે અયોધ્યા ગઈ હતી. ભગવાન રામ તેની સાથે ઓરછા આવવા માટે સંમત થયા પરંતુ એક શરત સાથે કે તે એક મંદિરથી બીજા મંદિરમાં જશે નહીં, પરંતુ જ્યાં તે શરૃઆતમાં તેને રાખશે ત્યાં જ રહેશે.

ભગવાન રામ માટે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યારે મંદિર તૈયાર થયું ત્યારે તેણે રાણી સાથે જે શરત મૂકી હતી તેના કારણે તેણે ખસેડવાની ના પાડી. તેથી, રાણીનો મહેલ આખરે રામ રાજા મંદિર બની ગયો. તમને જણાવી દઈએ કે અહીં ભગવાન રામની પૂજા માત્ર ભગવાન તરીકે જ નહીં, પરંતુ રાજા તરીકે પણ કરવામાં આવે છે. તેને બંદૂકની સલામી પણ મળે છે! રામનવમીના શુભ અવસર પર હજારો ભક્તો દર્શન માટે કતારમાં ઊભા હોય છે.

સીતા રામચંદ્રસ્વામી મંદિર, તેલંગાણા

તેલંગાણા સ્થિત સીતા રામચંદ્ર સ્વામી મંદિર ભારતના પ્રસિદ્ધ રામ મંદિરોમાંનું એક છે. તે ભદ્રાચલમ, ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં સ્થિત છે. રામ નવમીના દિવસે ભગવાન રામ અને તેમની પત્ની સીતાની લગ્નની વર્ષગાંઠની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ મંદિરને ભદ્રાચલમ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિર સાથે સંકળાયેલ ઈતિહાસ છેઃ રામાયણ સાથે નજીકથી સંકળાયેલા બે સ્થળો છે જેમ કે ભદ્રાચલમ અને વિજયનગર. રામ, સીતા અને લક્ષ્મણ ભદ્રાચલમથી ૩૫ કિમી દૂર પરણસાલામાં રોકાયા હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે, ભગવાન રામે સીતાને બચાવવા માટે શ્રીલંકા જતા માર્ગમાં ગોદાવરી નદી ઓળંગી હતી અને આ સ્થળે નદીના ઉત્તર કિનારે ભદ્રાચલમ મંદિર ઊભું છે.

રામાસ્વામી મંદિર, તમિલનાડુ

આ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન રામને સમર્પિત છે અને કુમ્બકોનમ, તમિલનાડુ ખાતે આવેલું છે. આ મંદિર ૪૦૦ વર્ષ પહેલા રાજા રઘુનાથ નાયકર દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિર રામાયણના ચિત્રો દર્શાવે છે અને તેના સ્તંભોમાં જટિલ કોતરણીથી ભરેલું છે. ભગવાન રામ અને દેવી સીતા ગર્ભગૃહમાં લગ્નની મુદ્રામાં એકસાથે બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે, જો કોઈ અહીં પ્રાર્થના કરે છે તો તે પૂર્ણ થાય છે. ઉપરાંત, ભગવાન રામ અને દેવી સીતા સાથે, શત્રુજ્ઞ, ભરત શાહી છત્ર સાથે અને હનુમાન જમણી તરફ અને લક્ષ્મણ તેના ધનુષ સાથે હંમેશની જેમ દેખાયા હતા.

કાલારામ મંદિર, નાસિક, મહારાષ્ટ્ર

આ મંદિર  મહારાષ્ટ્રના નાસિક શહેરના પંચવટી વિસ્તારમાં આવેલું છે. મંદિર એ સ્થળ પર ઊભું હોવાનું માનવામાં આવે છે જ્યાં ભગવાન રામ તેમના વનવાસ દરમિયાન રહેતા હતા. ૧૭૮૨ માં, તે લાકડાના જૂના મંદિરની જગ્યા પર સરદાર રંગરાવ ઓઢેકરે બાંધ્યું હતું. લગભગ ૧૨ વર્ષ સુધી આ કામ ચાલ્યું અને લગભગ ત્રણ હજાર લોકો રોજગારી મેળવતા હતા. પશ્ચિમ ભારતમાં, તે ભગવાન રામના શ્રેષ્ઠ આધુનિક મંદિરોમાંનું એક છે. મંદિરમાં ભગવાન રામ, સીતા, કાળા પથ્થરના લક્ષ્મણ અને લગભગ બે ફૂટની ઊંચાઈની મૂર્તિઓ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરના તેમના મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયા આ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજન અર્ચન કર્યા હતા.

ત્રિપ્રયાર શ્રી રામ મંદિર, કેરળ

આ મંદિર કેરળના ત્રિશૂર જિલ્લામાં આવેલું છે. મંદિરમાં ભગવાન રામ દેવતા થ્રીપ્રયારપ્પન અથવા થ્રીપ્રયાર થેવર તરીકે પ્રખ્યાત છે. દંતકથા અનુસાર, એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ ભગવાન રામની મૂર્તિની પૂજા કરતા હતા. ભગવાન શ્રીકૃષ્ણના સ્વર્ગારોહણ બાદ મૂર્તિનું સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પાછળથી કેરળના ચેટ્ટુવા પ્રદેશ નજીક દરિયામાંથી કેટલાક માછીમારો દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. વધુમાં, વક્કાયલ કૈમલ નામના સ્થાનિક શાસકે થ્રીપ્રયાર ખાતે મંદિરનું નિર્માણ કર્યું અને ત્યાં મૂર્તિની સ્થાપના કરી. મંદિરમાં, ભગવાન રામની મૂર્તિ ચાર હાથો સાથે શંખ, ડિસ્ક, ધનુષ્ય અને માળા સાથે જોવા મળે છે.

રામ મંદિર, ભુવનેશ્વર, ઓડિશા

આ મંદિર ભુવનેશ્વરમાં ખારવેલ નગર પાસે આવેલું છે. શહેરની મધ્યમાં આવેલું, ભગવાન રામના ભક્તો માટે સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક છે. મંદિરમાં ભગવાન રામ, ભગવાન લક્ષ્મણ અને દેવી સીતાની સુંદર છબિઓ છે. તેનું નિર્માણ અને સંચાલન ખાનગી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત, મંદિર સંકુલમાં ભગવાન હનુમાન, ભગવાન શિવ અને અન્ય દેવતાઓને સમર્પિત મંદિરોનો સમાવેશ થાય છે.

કોડંદરામ મંદિર, કર્ણાટક

આ મંદિર હિરેમાગલુરમાં આવેલું છે, જે ચિકમગલુર જિલ્લાનું એક શહેર છે. કોડંદરામ મંદિરનું નામ ભગવાન રામ અને લક્ષ્મણને તેમના ધનુષ્ય અને તીરો સાથે દર્શાવવામાં આવ્યું છે અને ભગવાન રામનું ધનુષ્ય કોંડણા તરીકે ઓળખાય છે. રામ, લક્ષ્મણ અને સીતાની આકૃતિઓ ગર્ભગૃહની અંદર હનુમાનની શિખર પર છે. અસામાન્ય રીતે, આ મંદિરમાં સીતાને ભગવાન રામના જમણે મૂકવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પુરોષોત્તમા એક ભક્તે ભગવાન રામ અને સીતાના લગ્ન જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેથી તેમની ઈચ્છા પૂરી થઈ હતી. પરંપરાગત હિન્દુ લગ્નમાં, કન્યા વરની જમણી બાજુએ બેસે છે, આ સ્થિતિ, એવું માનવામાં આવે છે કે તે ગ્રહગ્રહમાં પ્રતિબિંબિત થાય છે.

શ્રી રામ તીરથ મંદિર, અમૃતસર

તે ચોગાવાન રોડ પર અમૃતસરથી ૧૨ કિમી પશ્ચિમમાં સ્થિત છે. આ તે સ્થાન છે જ્યાં દેવી સીતાને ઋષિ વાલ્મિકીના આશ્રમમાં આશ્રય મળ્યો હતો. આ એ જ જગ્યા છે જ્યાં તેણે લવ અને કુશને જન્મ આપ્યો હતો. તેમાં સીડીઓ સાથેનો કૂવો પણ છે જ્યાં દેવી સીતા સ્નાન કરતી હતી. તેથી, તે ભારતના સૌથી પવિત્ર ભગવાન રામ મંદિરોમાંનું એક છે.

રઘુનાથ મંદિર, જમ્મુ

મંદિરમાં પોતાના શિકારા સાથે સાત મંદિરો છે અને તે ઉત્તર ભારતના સૌથી મોટા મંદિર સંકુલમાંનું એક છે જે જમ્મુ શહેરમાં આવેલું છે. આ મંદિરનું નિર્માણ મહારાજા ગુલાબ સિંહ અને તેમના પુત્ર મહારાજ રણબીર સિંહ દ્વારા ૧૮૫૩-૧૮૬૦ ના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું હતું. મંદિરમાં ઘણાં દેવો સ્થાપિત છે, પ્રમુખ દેવતા ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન રામ છે. જે મંદિર સ્થાપત્યનું અસામાન્ય મૂર્ત સ્વરૃપ છે. ઉપરાંત, રઘુનાથ મંદિરના સ્થાપત્ય વૈભવમાં મુઘલ ચણતરની ઝલક જોઈ શકાય છે.

જામનગર

રામજીનું સ્મરણ કરીએ અને જામનગરના બાલાહનુમાન મંદિરનો ઉલ્લેખ ના કરીએ તો અધૂરપ લાગે.

જામનગર શહેરના રણમલ તળાવના દક્ષિણપૂર્વ ખૂણા પર રમણીય વાતાવરણમાં બાલા હનુમાન મંદિર આવેલું છે, જે પહેલી ઓગસ્ટ, ૧૯૬૪થી સતત શ્રી રામ જય રામ જય જય રામના મંત્રોચ્ચાર માટે પ્રસિદ્ધ છે, જેના માટે તે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. તમે તેમના લાંબા સમય સુધી ધાર્મિક ભક્તિના સાક્ષી બનવા માટે મંદિરની મુલાકાત લઈ શકો છો અને રામ ધૂનમાં જોડાઈ શકો છે. પ્રેમ ભિક્ષુ મહારાજે આ અખંડ ધૂન શરૃ કરી હતી. અહી બારે માસ ભક્તોનો પ્રવાહ અવિરત રહે છે. ૩૬૫ દિવસ અને ૨૪ કલાક સતત રામધૂન કરતું આ વિશ્વનું એક માત્ર મંદિર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મોટા અને માથાભારે લોકોના કાંઠલા પકડતું કેન્દ્રનું એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ!

વિપક્ષને પરેશાન કરવા એન્ફોર્સમેન્ટ વિભાગનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપઃ મની લોન્ડરિંગ હેઠળ ૫,૪૨૨ કેસમાંથી માત્ર ૨૩ લોકો જ દોષિત થયા!

ગુજરાતમાં સિંહ અને દીપડાની દહેશત વધી રહી છે તેમ દેશમાં કેન્દ્ર સરકારના એન્ફોર્સમેન્ટ વિભાગનો ભય વધી રહ્યો છે. બન્ને ગમે ત્યારે, ગમે ત્યાં, અચાનક ફરતા અને શિકાર કરતાં જાણવા મળે છે. સમાચારમાં પણ રોજ જંગલી પ્રાણી અને ઇ.ડી. ના સમાચારો ચમકતા રહે છે. બન્ને રાતના અંધારામાં વધુ સક્રિય બને છે. આ ઈ.ડી. ના હુલામણા કે ટૂંકા નામે ઓળખાતું એન્ફોર્સમેન્ટ વિભાગ કહો કે, પ્રવર્તન નિર્દેશાલય છે શું? આજે અહીં તેની જન્મ કુંડળી અને કર્મ કુંડળીની જાણકારી મેળવીએ. હાલમાં તે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલના મુદ્દે ચર્ચામાં છે. સ્વચ્છ પ્રતિભા ધરાવતા નરેન્દ્ર મોદી પણ વિરોધીઓને કે વિપક્ષને હેરાન પરેશાન કરવા એન્ફોર્સમેન્ટ વિભાગનો દુરુપયોગ કરતાં હોવાનો આક્ષેપ કરવામાં આવે છે.

આ વિભાગ નાના કે સામાન્ય લોકોની ગેરરીતિઓ માટે નથી. મોટા લોકો અને મહા કૌભાંડોની તપાસ જ કરે છે. આ વિભાગ હેઠળના કેસ બહુ મોટા અને અટપટા હોય છે. સામાન્ય જ્ઞાન ધરાવતા લોકોની ચાંચ આમાં ડૂબતી નથી. આ કેસ પુરવાર કરવા પણ અઘરા હોય છે, કારણ કે કોઈ વ્યવહારો સીધા કે કાયદેસરના હોતા નથી. સામાન્ય ચિઠ્ઠી ઉપર કરોડો-અબજો રૃપિયાની હેરાફેરી થાય છે, જ્યાં કોઈ સહી-સિક્કા પણ હોતા નથી. વિજય માલ્યા, નિરવ મોદી, લલીત મોદી સહિત અનેક હાઈ-પ્રોફાઇલ કેસ હજુ અદ્ધરતાલ છે. હર્ષદ મહેતા કે અબ્દુલ કરીમ તેલગીના કેસમાં કૌભાંડનો સાચો આંકડો પણ જાણી શકાયો નથી! મોટા ભાગના કેસ એટલા લાંબા ચાલે છે કે, આરોપી અને સાક્ષી બન્ને મૃત્યુ પામે છે તો પણ નિર્ણય આવતા નથી. કેન્દ્રમાં નેતાગીરી કે સરકાર બદલે તો પણ કેસને અસર પડે છે. સામે પક્ષે લાલુ પ્રસાદ યાદવ જેવા મોટા રાજકારણીને પણ ઘાસચારા કૌભાંડમાં તે જેલ ભેગા કરી શકે છે. આ વિભાગ મોટે ભાગે રાજકીય ઈચ્છા શક્તિ અનુસાર કામ કરે છે.

ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટએ મની લોન્ડરિંગના ગુન્હા અને વિદેશી વિનિમય કાયદાના ઉલ્લંઘનની તપાસ માટેની કેન્દ્રીય એજન્સી છે.

કામગીરી

(૧) પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ૨૦૦૨ઃ તે મની લોન્ડરિંગ અટકાવવા અને મની-લોન્ડરિંગમાંથી મેળવેલી અથવા તેમાં સંડોવાયેલી મિલકતની જપ્તી અને તેની સાથે જોડાયેલી અથવા આકસ્મિક બાબતો માટે ઘડવામાં આવેલ ફોજદારી કાયદો છે. આ વિભાગ પીએમએલએની જોગવાઈઓને અમલમાં મૂકવાની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી ગુન્હાની આવકમાંથી મેળવેલી સંપત્તિને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવે, મિલકતને કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવે અને અપરાધીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ માટે વિશેષ અદાલત દ્વારા મિલકતની જપ્તી સુધીની કાર્યવાહી  કરવામાં આવે છે.

(૨) ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, ૧૯૯૯ (એફઈએમએ)ઃ આ એક સિવિલ લો છે, જે વિદેશ વેપાર અને ચૂકવણીને સરળ બનાવવા અને ભારતમાં વિદેશી વિનિમય બજારના સુવ્યવસ્થિત વિકાસ અને જાળવણીને પ્રોત્સાહન આપવા સંબંધિત કાયદાઓને એકીકૃત કરવા અને સુધારવા માટે ઘડવામાં આવ્યો છે. ઈડીને વિદેશી વિનિમય કાયદાઓ અને નિયમોના શંકાસ્પદ ઉલ્લંઘનની તપાસ કરવા, કાયદાનું ઉલ્લંઘન કરવા માટે નિર્ણય લેવા અને દંડ લાદવાની જવાબદારી સોંપવામાં આવી છે.

(૩) ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ, ૨૦૧૮ (એફઈઓએ)ઃ આ કાયદો આર્થિક અપરાધીઓને ભારતીય અદાલતોના અધિકારક્ષેત્રની બહાર રહીને ભારતીય કાયદાની પ્રક્રિયાને ટાળતા રોકવા માટે ઘડવામાં આવ્યો હતો. તે એક કાયદો છે જેમાં ડિરેક્ટોરેટને ભાગેડુ આર્થિક અપરાધીઓની મિલકતો જપ્ત કરવાની સત્તા આપવામાં આવી છે, જેઓ ભારતમાંથી ભાગી ગયા છે.

(૪) ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, ૧૯૭૩ (એફઈઆરએ)ઃ ફેરાહેઠળના કાયદાના કથિત ઉલ્લંઘનો માટે આ અધિનિયમ હેઠળ કારણ બતાવો નોટિસ આપવામાં આવે છે અને તે સંબંધિત પગલાં લેવામાં આવે છે. આ ફેરા હેઠળ ભારત અને વિદેશ વચ્ચેના આર્થિક વ્યવહારોની ગેરરીતિ પકડવાનો ઉદ્દેશ છે.

(૫) કોફેપોસા હેઠળ પ્રાયોજક એજન્સીઃ કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ, ૧૯૭૪ હેઠળ, આ ડિરેક્ટોરેટને ફેમાના ઉલ્લંઘનના સંદર્ભમાં નિવારક અટકાયતના કેસોને સ્પોન્સર કરવાની સત્તા આપવામાં આવી છે.

ઇતિહાસ

ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ઈડી) એ એક સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સી અને આર્થિક ગુપ્તચર એજન્સી છે જે ભારતમાં આર્થિક કાયદાનો અમલ કરવા અને આર્થિક ગુના સામે લડવા માટે જવાબદાર છે. તે મહેસૂલ વિભાગ, નાણા મંત્રાલય, ભારત સરકારનો ભાગ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મની લોન્ડરિંગ, વિદેશી વિનિમય ઉલ્લંઘન અને આર્થિક ગુનાઓ સંબંધિત કેસોની તપાસ અને કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય કાળા નાણાના ઉત્પાદન અને પરિભ્રમણને રોકવાનો અને વિદેશી વિનિમય અને મની લોન્ડરિંગને રોકવા સંબંધિત કાયદાઓનું પાલન કરાવવાનો  છે.

જુલાઈ ૨૦૨૨ માં, કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ  કરાયેલ માહિતી  અનુસાર, કાયદો પસાર થયાના ૧૭  વર્ષમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નોંધાયેલા ૫,૪૨૨ કેસોમાં માત્ર ૨૩ લોકોને જ દોષિત ઠેરવવામાં આવ્યા છે, જે ૦.૫% કરતા ઓછો દોષિત ઠેરવવાનો કંગાળ દર છે, જ્યારે ૨૦૨૧માં ભારતીય દંડ સંહિતાના ગુનાઓ માટે ભારતમાં રાષ્ટ્રીય દોષિત ઠરાવો દર ૫૭.૦% છે.

ઈ.ડી.ની રચના ૧ મે ૧૯૬૫ ના કરવામાં આવી હતી. આ પહેલાં ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૭ હેઠળ વિદેશી આદાન પ્રદાન કાયદાના ઉલ્લંઘનને નિયંત્રિત કરવા માટે, આર્થિક બાબતોના વિભાગમાં ''એન્ફોર્સમેન્ટ યુનિટ''ની રચના કરવામાં આવી હતી. ૧૯૫૭માં, એકમનું નામ બદલવાવી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કરવામાં આવ્યું હતું. સમય અનુસાર આર્થિક ગુન્હાઓનું પ્રમાણ અને પદ્ધતિઓ બદલાતા ૧૯૬૫ માં હાલના ઈ.ડી.ની નવેસરથી રચના કરવામાં આવી હતી.

કચેરીઓ

ઈ.ડી.નું વડું મથક નવી દિલ્હીમાં છે, તેનું નેતૃત્વ નિયામક દ્વારા કરવામાં આવે છે. મુંબઈ, ચેન્નાઈ, ચંદીગઢ, કોલકાતા અને દિલ્હીમાં પાંચ પ્રાદેશિક કાર્યાલય છે જેનું નેતૃત્વ વિશેષ નિયામક અમલીકરણ અધિકારી કરે છે.

ડિરેક્ટોરેટની ઝોનલ ઓફિસો પુણે, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નઈ, કોચી, દિલ્હી, પણજી, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જલંધર, કોલકાતા, લખનૌ, મુંબઈ, પટના અને શ્રીનગરમાં છે, જેનું નેતૃત્વ સંયુક્ત નિર્દેશક કરે છે. ડિરેક્ટોરેટની મેંગલુરુ, ભુવનેશ્વર, કોઝિકોડ, ઈન્દોર, મદુરાઈ, નાગપુર, અલ્હાબાદ, રાયપુર, દેહરાદૂન, રાંચી, સુરત, શિમલા, વિશાખાપટ્ટનમ અને જમ્મુમાં સબ-ઝોનલ ઓફિસો છે જેનું નેતૃત્વ ડેપ્યુટી ડિરેક્ટર કક્ષાના અધિકારી કરે છે.

આક્ષેપો

કેન્દ્ર સરકાર દ્વારા જુલાઇ ૨૦૨૨ માં સંસદમાં રજૂ  કરાયેલ માહિતી અનુસાર, કાયદો પસાર થયાના ૧૭ વર્ષોમાં માત્ર ૨૩ લોકોને જ દોષિત ઠેરવી શકાયા હતા! વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં ઈડી દ્વારા કેસમાં છ ગણો વધારો થયો છે, જેના કારણે વિરોધ પક્ષોએ આક્ષેપો કર્યા હતા કે ભાજપ દ્વારા તેમના રાજકીય હેતુઓ માટે ઈડીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. એપ્રિલ ૨૦૨૩માં, ભારતની સર્વોચ્ચ અદાલતે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર પર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કરતી ૧૪ વિપક્ષી પાર્ટીઓની અરજીને ફગાવી દીધી હતી. ઓગસ્ટ ૨૦૨૩ માં, સંસદમાં ચર્ચામાં, ભાજપ તરફથી કેન્દ્રીય ગૃહપ્રધાન મીનાક્ષી લેખીએ વિપક્ષને કહ્યું, ''ચૂપ રહો, નહીં તો ઈડી તમારા ઘરે આવી શકે છે'' આ નિવેદનથી દેશમાં હોબાળો મચી ગયો હતો.

કેન્દ્રીય તપાસ એજન્સીઓ સામે પક્ષપાતના આરોપો સામાન્ય બાબત બની ગઈ છે. તેની તટસ્થતા હવે ૧૦૦ ટચના સોના જેવી રહી નથી. એક સમયે કેન્દ્રીય તપાસ એજન્સીઓને પીંજરાનો પોપટ કહેવામાં આવતો હતો. આજે પણ બહુ ફેર પડ્યો નથી.

રાજકીય ગતિવિધિ

સરકારી વિભાગો આદર્શ સંચાલન નિયમ અનુસાર તટસ્થ હોવા જોઈએ. દેશના એક મોખરાના અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર, ૧૮ વર્ષમાં ઈ.ડી. દ્વારા ૧૪૭ નેતાની પૂછપરછ કરવામાં આવી હતી કે ધરપકડ કરવામાં આવી હતી તેમાં ૮૫ ટકા વિપક્ષના લોકો હતા! ૨૦૧૪ પછી નિયમોમાં સુધારા કરવામાં આવ્યા અને ઈ.ડી. ને જે તે વ્યક્તિના ઘર ઉપર દરોડા પાડવા કે ત્યાં જ ધરપકડ કરવાની સત્તા આપવામાં આવી. અગાઉ એફ.આઈ.આર. કે ચાર્જશીટમાં નામ હોય તો જ આવી કાર્યવાહી કરી શકતી હતી. પરંતુ  હવે ઈ.ડી. પોતે એફ.આઈ.આર. નોંધી શકે છે અને ધરપકડ કરી શકે છે.

વર્તમાન સમયમાં 'આપ'ના નેતા મનિષ સિસોદિયા, સંજય સિંઘ, અરવિંદ કેજરીવાલ, ઝારખંડના સિબુ સોરેનના પુત્ર હેમંત સોરેન, બિહારના લાલુ પ્રસાદના પુત્ર તેજસ્વી યાદવ, કર્ણાટકના કોંગ્રસના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનરજી પણ આ વિભાગના ટાર્ગેટ ઉપર છે.

ગુજરાત

આ વિભાગ પાસે ગુજરાતમાં કોઈ કામ નથી. ગુજરાતમાં ઈ.ડી. દ્વારા કોઈ મોટી રાજકીય સર્ચ કે રેડ કરવામાં આવી હોવાના અહેવાલ નથી. ક્યારેક બીજા રાજ્યોમાં રેઇડ કરે અને લીન્ક નીકળે તો ગુજરાતમાં આવે છે. બાકી, બધા રાજકારણીઓ સ્વચ્છ પ્રતિભા અને લેણદેણ ધરાવે છે તેમ માની લેવું!

અન્ય

કેન્દ્ર સરકાર પાસે મુખ્ય કહી શકાય તેવી ત્રણ તપાસ એજન્સીઓ છે. (૧) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (૨) સીબીઆઈના ટૂંકા નામે ઓળખાતી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને (૩) નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી.

આ ત્રણેય વિભાગો બહુ મોટા અને રાષ્ટ્રીય સુરક્ષા કે નુકસાન કરે તેવી બાબતોની તપાસ કરે છે.

આવકવેરા વિભાગ તો વ્યક્તિગત અને બહુ નાની બાબતોમાં જ હસ્તક્ષેપ કરે છે.

કેન્દ્ર સરકાર પાસે વિશાળ સત્તાઓ છે, તેનો દૂર ઉપયોગ આઝાદી કાળથી થતો આવ્યો છે. સત્તાધારી પક્ષ પોતાની પક્કડ મજબૂત રાખવા માટે જુદી જુદી પદ્ધતિઓ અજમાવતી હોય છે. તેમાં આ કેન્દ્રીય એજન્સીઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બળિયાના બે ભાગ જેવી જૂની કહેવત આજે પણ વાસ્તવિકતા છે. સામાન્ય લોકો માટે આજે પણ આકરી મહેનત લખી છે, કેટલાક માથાભારે અને રાજકારણમાં પડેલા લોકો યેન કેન પ્રકારે મલાઈ તારવતા હોય છે. જો કે, અનેક કિસ્સામાં બિલાડીને દૂધના રખોપા જેવી હાલત થાય છે. નીતિમત્તા અને ન્યાય કળિયુગમાં બહુ જૂજ જોવા મળે છે.

એન્જિયોગ્રાફી

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હિમાલય ન હોત તો શિયાળામાં જામનગરના લાખોટા તળાવમાં બરફ જામતો હોત!

કડકડતી ઠંડીમાં દેશ-દુનિયાના બર્ફીલા પ્રદેશોની શાબ્દિક સફરઃ દુનિયામાં સૌથી ઠંડા પ્રદેશ તરીકે એન્ટાર્ટીક સમુદ્રી વિસ્તાર છેઃ

એન્જિયોગ્રાફીના વાચક ડાયરાને નવા વર્ષના રામ રામ...

તમને સૌને ૨૦૨૪ નું વર્ષ સુખ અને શાંતિમય નિવડે તેવી માં લક્ષ્મીને અભ્યર્થના. ૨૧ મી સદી મારા મતે લક્ષ્મી અને વૈભવની સદી છે. જો ધન સંપત્તિ હોય તો જ મધુરું છે, બાકી અધૂરું છે! સાન્તા ગયા અને ધરતી ઉપર બાન્તા રહી ગયા! મારા તમારા જેવા બાન્તાઓ શિયાળામાં ધ્રુજી રહ્યા છે. જો કે હવામાન શાસ્ત્રીઓના મત અનુસાર આ વખતે શિયાળો મોડો અને નબળો છે. જાન્યુઆરી સુધી હજુ નેપાળી બજાર ધમધમતું થયું નથી. સામાન્ય રીતે ડિસેમ્બરના અંતમાં સ્વેટર પહેરવા પડે છે. જો ભારતની ઉત્તર દિશામાં હિમાલય પર્વત ન આવ્યો હોત તો ઠંડા કાતિલ બર્ફીલા પવનો જામનગર સુધી ફૂંકાતા હોત! રાજકોટ-જામનગર ધોરીમાર્ગ ઉપર બરફની ચાદર છવાઈ જાત. ગુજરાત આખું કાશ્મીર બની, આબુના નકી તળાવની જેમ લાખોટા તળાવ ઉપર બરફની ચાદર પથરાઈ જાત. હિમાલયના બર્ફીલા પવનો વર્તમાનમાં નેપાળ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર સુધી તિવ્રતાથી ફૂંકાય છે, ત્યાંથી પ્રદૂષણને કારણે ઠંડી અને ગતિ ગુમાવે છે. એશિયામાં ઋતુ ચક્ર જેટલું વ્યવસ્થિત છે તેટલું યુરોપ, અમેરિકા કે ઓસ્ટ્રેલિયા વિસ્તારમાં નથી. ત્યાં બારે માસ મિશ્ર ઋતુ રહે છે.

શિયાળો

શા માટે ઠંડી પડે છે? ઠંડી આવે છે ક્યાંથી? પૃથ્વીના નિર્માણ સમયે હિમ યુગ હોવાનું હવામાનશાસ્ત્રીઓ કહે છે. ઇતિહાસમાં હિમ માનવો હોવાનો ઉલ્લેખ પણ છે. આ બરફ પિગળવાથી સમુદ્રની રચના થઈ હોવાનું મનાય છે. આપણી પુરાતન દ્વારકા નગરી સમુદ્રમાં ડુબી ગઈ છે, આથી સ્પષ્ટ થાય છે કે, પહેલાં હિમ યુગ આવ્યો હશે અને ત્યારબાદ સમુદ્રોની રચના થઈ હશે.

પૃથ્વીની ધરીનું નમવાને કારણે ઋતુઓ બને છે. શિયાળો ત્યારે થાય છે જ્યારે ગોળાર્ધ સૂર્યથી દૂર હોય ત્યારે શિયાળાની શરૃઆત થાય છે.

ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય છે, ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે. ઘણાં પ્રદેશોમાં શિયાળો બરફ અને ઠંડું તાપમાન લાવે છે. શિયાળુ અયનકાળ એ ક્ષણ છે જ્યારે ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવના સંદર્ભમાં સૂર્યની ઉન્નતિ તેના સૌથી નકારાત્મક મૂલ્ય પર હોય છે, એટલે કે, ધ્રુવ પરથી માપવામાં આવે તે પ્રમાણે સૂર્ય ક્ષિતિજની નીચે સૌથી દૂર છે. જે દિવસે આવું થાય છે તેમાં સૌથી ટૂંકો દિવસ અને સૌથી લાંબી રાત હોય છે, જેમાં દિવસની લંબાઈ વધે છે અને રાત્રિની લંબાઈ ઘટતી જાય છે કારણ કે અયનકાળ પછી મોસમ આગળ વધે છે.

ધ્રુવીય પ્રદેશોની બહાર સૌથી વહેલો સૂર્યાસ્ત અને તાજેતરની સૂર્યોદયની તારીખો શિયાળાની ચયનકાળની તારીખથી અલગ પડે છે અને અક્ષાંશ પર આધાર રાખે છે. તેઓ પૃથ્વીની લંબગોળ ભ્રમણકક્ષાને કારણે સમગ્ર વર્ષ દરમિયાન સૌર દિવસના તફાવતને કારણે અલગ પડે છે.

દુનિયામાં સૌથી ઠંડા પ્રદેશ તરીકે એન્ટાર્ટીક છે. ત્યાં માનવ કે વનસ્પતિ પણ ન પાંગરે તેટલી તીવ્ર ઠંડી હોય છે. હજારો કિલોમીટર સુધી બરફના પહાડો ફેલાયેલા છે. આ પવનો અડધી દુનિયાને અસર કરે છે. એડોલ્ફ હિટલરના સમયમાં દુનિયાનું ભૌગોલિક ખેડાણ બહુ નહોતું થયું અને તે સતત સંઘર્ષ અને યુદ્ધમાં વ્યસ્ત રહેતો હતો. તેને એક પત્રકારે સવાલ પૂછ્યો કે, તમને દુનિયાના કયા પ્રદેશ જોવાની અને જાણવાની તિવ્ર ઈચ્છા છે? ત્યારે હિટલરે જવાબ આપ્યો હતો કે.. એન્ટાર્ટીક!

સાઇબિરીયા

સાઇબિરીયા તેના લાંબા, કઠોર શિયાળા માટે જાણીતું છે, જેમાં જાન્યુઆરી સરેરાશ તાપમાન -૨૫ સે. (-૧૩ એફ.) હોય છે. તે ભૌગોલિક રીતે એશિયામાં હોવા છતાં, ૧૬ મી સદીથી રશિયન સાર્વભૌમત્વ અને વસાહતીકરણે આ પ્રદેશને સાંસ્કૃતિક અને વંશીય રીતે યુરોપીયન છે. તેની ૮૫% થી વધુ વસ્તી યુરોપિયન વંશની છે. રશિયા અને આ વિસ્તારના અસંખ્ય લોકો ભારત તરફ આવી જાય છે. આ વિસ્તારના હજારો પક્ષીઓ તિવ્ર ઠંડીથી બચવા માટે હજારો માઈલનો પ્રવાસ ખેડી એશિયામાં આવી જાય છે.

રશિયાના સાઇબિરીયામાં આવેલું ઓયમ્યાકોન ગામનું તાપમાન -૮૦ સુધી ઉતારી જાય છે, જે પૃથ્વી પરના સૌથી ઠંડા શહેર તરીકે ઓળખાય છે.

અસ્તાના

કઝાકીસ્તાનનું આ શહેર દુનિયાના ટોચના ઠંડા શહેરો પૈકીનું એક છે. ઉનાળાના મહિનાઓ ગરમ હોવા છતાં, અસ્તાનામાં શિયાળો લાંબો, શુષ્ક અને ઠંડો હોય છે. -૬૧  એફ./ -૫૧.૫ સે.ના અત્યંત નીચું તાપમાન નોંધવામાં આવ્યુ છે. નવેમ્બરના મધ્યથી એપ્રિલના પ્રારંભ સુધી  હવામાન સ્થિર રહે છે. માનવ વસ્તી બહુ ગીચ નથી.

મિનેસોટન

અમેરિકાનું ઉત્તરીય મિનેસોટન શહેર ''ધ આઇસબોક્સ ઓફ ધ નેશન'' પણ કહેવાય  છે અને -૫૫ એફ/ -૪૮ સે. ના રેકોર્ડ નીચા અને ૭૧.૬ ઇંચની સરેરાશ મોસમી હિમવર્ષા સાથે, તે દુનિયાના ઠંડા શહેરો પૈકીનું એક છે. કેનેડિયન બોર્ડર ક્રોસિંગ માટે અને નજીકના વોયેજર્સ નેશનલ પાર્કના પ્રવેશદ્વાર તરીકે પણ જાણીતું છે. આ ઉદ્યાન ઉનાળામાં કાયાકીંગ અને હાઇકીંગ માટે અને શિયાળામાં ક્રોસ-કન્ટ્રી સ્કીઇંગ અને આઇસ-ફિશિંગ માટે લોકપ્રિય છે.

ઉલાનબાતર

મંગોલિયાનું આ શહેર વિશ્વની સૌથી ઠંડી રાષ્ટ્રીય રાજધાની છે. શહેરમાં, શિયાળાના લાંબા મહિનાઓ દરમિયાન -૪૪ એફ/ -૪૨ સે.ના નીચામાં ઘટાડો થવાથી કાતિલ ઠંડીનો અનુભવ કરે છે. મંગોલિયાના અદ્ભુત જંગલ વિસ્તારોનું આ આંતરરાષ્ટ્રીય પ્રવેશદ્વાર હોવા ઉપરાંત, ઉલાનબાતર તિબેટીયન-શૈલીના બૌદ્ધ મંદિરોથી લઈને આકર્ષક આધુનિક આર્ટ ગેલેરીઓ સુધીના સમૃદ્ધ સાંસ્કૃતિક સ્થળોનું ગૌરવ ધરાવે છે. ઉલાનબાતાર તેની સૌથી ઠંડી રાજધાની હોવા ઉપરાંત વિશ્વના સૌથી ઠંડા શહેરોમાંનું એક છે.

યેલોનાઈફ

કેનેડાના ઉત્તરપશ્ચિમ પ્રદેશનું આ શહેર આર્ક્ટિક સર્કલથી ૨૫૦ માઇલ દક્ષિણમાં આવેલું છે. કેનેડાના સર્વેક્ષણમાં સમાવિષ્ટ ૧૦૦ કેનેડિયન શહેરોમાંથી, યેલોનાઈફ આખું વર્ષ સૌથી ઠંડુ હોય છે, અહી સૌથી કાતિલ ઠંડો શિયાળો હોય છે, સૌથી વધુ તીવ્ર પવન ફૂંકાય છે. અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન -૬૧ એફ./ -૫૧ સે. હતું. મધ્યરાત્રિના સૂર્યની નીચે હાઈકીંગથી લઈને કૂતરા-સ્લેડીંગ, સ્નો મોબાઈલીંગ અને ઉત્તરીય લાઈટો જોવા સુધીની પ્રવૃત્તિઓ અહી પ્રવાસીઓને આકર્ષિત કરે છે, યેલોનાઇફ વિશ્વના સૌથી ઠંડા શહેરો પૈકીના એક તરીકે તેનું નામ ધરાવે છે.

નોરિલ્સ્ક

રશિયાનું આ શહેર એક લાખથી વધુ રહેવાસીઓ સાથે વિશ્વનું સૌથી ઠંડુ ઉત્તરીય શહેર છે, શિયાળામાં તાપમાન -૬૩ એફ./ -૫૩ સે.ની ચરમસીમાએ પહોંચે છે. મ્યુઝિયમ, એક આર્ટ ગેલેરી અને વિશ્વની સૌથી ઉત્તરીય મસ્જિદોમાંની એક હોવા છતાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે નોરિલ્સ્ક મુખ્ય પ્રવાસન સ્થળ બની શક્યું નથી.

દ્રાસ

ભારતનું સૌથી ઠંડું શહેર 'દ્રાસ' છે, જે લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે. દ્રાસને ઘણીવાર ''લદ્દાખના પ્રવેશદ્વાર'' તરીકે ઓળખવામાં આવે છે, આ નગર દ્રાસ યુદ્ધ સ્મારકનું ઘર પણ છે, જે ૧૯૯૯ ના કારગીલ યુદ્ધમાં લડેલા અને મૃત્યુ પામનાર ભારતીય સૈનિકોની યાદમાં છે. દ્રાસ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે, અને તે તેના સુંદર દૃશ્યો, તેના સમૃદ્ધ ઇતિહાસ અને તેના અનન્ય માટે જાણીતું છે. સંસ્કૃતિ જો કે, દ્રાસની મુલાકાત લેતી વખતે ઠંડા હવામાન માટે તૈયાર રહેવું મહત્ત્વપૂર્ણ છે. મુલાકાતીઓએ ગરમ કપડાં, સનસ્ક્રીન અને સનગ્લાસ પેક કરવા જોઈએ. તેઓએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે, બરફના કારણે શિયાળાના મહિનાઓમાં દ્રાસના રસ્તાઓ બંધ થઈ જાય છે.

ભારતમાં હિમાચલ પ્રદેશની સ્પીતી વેલી પણ બરફ આચ્છાદિત પ્રદેશ અને સાહેલાણીઓમાં લોકપ્રિય વિસ્તાર છે. અટલ ટનલ આસપાસ પણ હિમ પ્રેમીઓ માટે માણવાલાયક વાતાવરણ હોય છે.

સ્પીતિ એ હિમાલયનો એક ઉચ્ચ-ઊંચાઈનો પ્રદેશ છે, જે ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગમાં સ્થિત છે. ''સ્પીતિ'' નામનો અર્થ થાય છે ''મધ્યમ જમીન'', એટલે કે. તિબેટ અને ભારત વચ્ચેની જમીન. સ્પીતિમાં મુખ્યત્ત્વે સ્પીતિ નદીની ખીણ અને અન્ય નદીઓની ખીણોનો સમાવેશ થાય છે જે સ્પીતિ નદીમાં ભળે છે. સ્પીતિની પૂર્વમાં તિબેટ, ઉત્તરમાં લદ્દાખ, પશ્ચિમમાં અને દક્ષિણ પશ્ચિમમાં લાહૌલ, દક્ષિણમાં કુલ્લુ અને દક્ષિણપૂર્વમાં કિન્નૌરની સરહદ આવેલી છે. સ્પીતિમાં ઠંડા રણનું વાતાવરણ છે. ખીણ અને તેની આસપાસના પ્રદેશો ભારતના સૌથી ઓછી વસ્તીવાળા પ્રદેશોમાંનો એક છે. ભોટી-ભાષી સ્થાનિક વસ્તી તિબેટીયન બૌદ્ધ ધર્મને અનુસરે છે.

જમ્મુ અને કાશ્મીર

જમ્મુ અને કાશ્મીર રાજ્ય, ખાસ કરીને લદ્દાખ પ્રદેશ, સામાન્ય રીતે સમગ્ર ભારતમાં સૌથી ઠંડું ગણાય છે. આ ભારતના સૌથી ઠંડા વસવાટવાળા પ્રદેશોમાંનો એક છે અને તે તેના અપવાદરૃપે નીચા શિયાળાના તાપમાન માટે પ્રખ્યાત છે, જે વારંવાર શૂન્ય કરતાં પણ નીચે પહોંચી જાય છે. કેટલાક વિસ્તારોમાં શિયાળાના સમયમાં તાપમાન માઈનસ ૪૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું થઈ જાય છે. શિયાળાના બરફને કારણે જનજીવન ખોરવાઇ જાય છે. જમ્મુમાં વારંવાર હિમવર્ષાને કારણે રાજધાની કાશ્મીર પણ ખસેડવામાં આવે છે. પ્રવાસીઓ માટેનું આ ઉત્તમ આકર્ષક સ્થળ છે.

ગુજરાત

આપણું રાજ્ય મધ્યમ ઠંડી અને ગરમી ધરાવતો વિસ્તાર છે. અહી ભુજના નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાય છે. જો કે તેનાથી પણ વધુ ઠંડી ગિરનાર પર્વત ઉપર નોંધાય છે, પરંતુ તે નિવાસી વિસ્તાર ન હોવાથી તેની ગણના કરવામાં આવતી નથી. નલિયા શહેરમાં -૨ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે. જામનગર શહેરમાં લઘુત્તમ તાપમાન ૬ થી ૭ ડિગ્રી સુધી ગગડી શકે છે.

હવામાન અંગેની નોંધ અને અભ્યાસ કેન્દ્ર સરકારનું હવામાન વિભાગ કરે છે, તે ઇસરોની મદદથી અવકાશમાં તરતા મૂકવામાં આવેલા ઉપગ્રહો દ્વારા માહિતી મેળવે છે. અબજો રૃપિયાના અસંખ્ય ઉપગ્રહો હોવા છતા ગુજરાતનું ગાંધીનગર સ્થિત હવામાન વિભાગ જામનગર સહિત અડધા ગુજરાતની ઠંડીના આંકડા આપતું નથી અથવા આપી શકવા સક્ષમ નથી. જામનગરની ઠંડીની જાણકારી કલેકટર કચેરી, બજાર સંશોધન કેન્દ્ર કે વાયુ સેના મથક પાસેથી મળે છે, જે ઉપગ્રહો જેટલી સચોટ કે વૈજ્ઞાનિક હોતી નથી! આમ અડધા રાજ્યનું તાપમાન મોટાભાગે ભગવાન ભરોસે જ રહે છે. ૨૧ મી સદીમાં આવી પરિસ્થિતિ બહુ આશ્ચર્યજનક કહેવાય. ગુજરાત ખેતી પ્રધાન દેશ છે ત્યારે હવામાન બાબતેની આગાહી અને જાણકારી ૧૦૦ ટકાની નજીક હોવી જોઈએ. બીજી રીતે જોઈએ તો ગુજરાતની ૭ કરોડની વસ્તીમાંથી ૩.૫ કરોડની વસ્તીને અસર કરતાં હવામાનની વિગતો ૨૧ મી સદીમાં પણ ઉપલબ્ધ નથી!

'નોબત'ના વાચકો અને ચાહકોને ઠંડી મુબારક....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઈસુના નવા વર્ષમાં પણ આપણે સુખ શોધવા માટે 'ડંકી' રુટ ઉપર દોડતાં રહેશું!!

સુખ બરફના ગાંગડા જેવું છે, હોય ત્યારે માણી લેવુંઃ ભગવાન રામ, કૃષ્ણ અને ઇસુને પણ કાયમી સુખ અલભ્ય હતું!

ઈસુના વધુ એક વર્ષનો અંત થઈ રહ્યો છે. ગણતરીના કલાકો પછી વધુ એક વર્ષનો પ્રારંભ થશે. ૩૧ ડિસેમ્બરની મધરાત્રે માત્ર કાગળનું કેલેન્ડર બદલાશે, બાકી બધું જેમનું તેમ જ રહેશે! સુખ, સમસ્યા, સંબંધ, સ્વભાવ, લાગણી, વિચાર, માન્યતા, હાલત, આવક-જાવક, દિવસ, રાત બધું જેમનું તેમ જ રહેશે. નવું વર્ષ આવશે પરંતુ કશું નવું લાવે તેવા અણસાર નથી! અહીં કોઈ નકારાત્મક ચિત્ર સર્જવાનો કે લખવાનો ઇરાદો નથી. જે છે તે વાસ્તવિકતા છે. કેલેન્ડર નહોતાં તો પણ, સૂરજ ઊગતો હતો, ચંદ્રમા પૃથ્વીની પ્રદક્ષિણા કરતો હતો, જીવ જન્મતા હતા, મરતા હતા!

હા, સમસ્યાઓ વધતી જાય છે. વિચારો અને જીવન સ્વાર્થી બનતું જાય છે. તેમાં કેલેન્ડરનો કે ઇસુનો વાંક નથી. વાંક છે.. લાગણીઓનો, વિચારોનો, દેખાદેખીનો, ઈર્ષાનો, હરિફાઈનો, તંગીનો, ખેંચતાણનો. ઇસુના વર્ષ  ૨૦૨૩ ના અંતે અને ૨૦૨૪ ના પ્રારંભે અહી કેટલીક  અવિચળ બાબતો ઉપર વિચાર વિમર્શ કરીશું. આ અવિચળ બાબતો પણ લાંબા સમયે તકલાદી નીકળે છે. આમ છતાં, જીવ સાથે ફેવિકોલની જેમ ચોંટેલી હોવાથી અવિચળ  શબ્દ વાપર્યો છે. આપણી જિંદગી ડંકી ફિલ્મના પત્રો જેવી જ છે. સુખ માટે બહુ દુઃખી થાય છે!

સુખ

'સુખ' માટે આપણે જીવનના પહેલાંથી છેલ્લા શ્વાસ સુધી સંઘર્ષ કરીએ છીએ, છતાં મહદ્અંશે પ્રાપ્ત કરી શકતા નથી. મળે છે તેને સુખ માનતા નથી. પામવાની કે ન પામવાની બાબત તો દૂર છે, આપણે સુખની વ્યાખ્યા પણ નક્કી નથી કરી શક્યા. વધ સ્થંભ ઉપર ચડતી વખતે ઇસુ કેટલા સુખી હશે કે કેટલા દુઃખી હશે, તેની આપણને ખબર નથી. કદાચ ઇસુ પણ વિચાર શૂન્ય હશે? રામ, કૃષ્ણ, ઇસુ માટે પણ સુખ દુષ્કર બાબત હતી, તો આપણાં જેવા પામર જીવ માટે તો સુખ એક કલ્પના માત્ર કહી શકાય. રામનો જંગલવાસ, કૃષ્ણનું મહાભારત યુદ્ધ, ઈસુનો કાંટાળો તાજ અને વધ સ્થંભ આપણને સંદેશ આપે છે કે, જે ભગવાન માટે પણ મુશ્કેલ હતું, તે આપણે માટે તો કપરું છે. જે મળ્યું તે જગન્નાથ. બીજું શું!

ન્યુટન, ગેલેલીઓ, રાઇટ બ્રધર્સથી લઈ એલોન મસ્ક સુધીના સંશોધકો એ ક્રાંતિકારી શોધો કરી, પરંતુ સુખને શોધી શક્યા નથી. દુકાનો કે મોલમાં જો સુખ મળતું હોત તો, તે માટે પણ લોન મળતી હોત અને હપ્તેથી ખરીદી  આનંદ માણતાં હોત! સુખની કલ્પના પણ આનંદ આપે છે. જીવનની અવિચળ બાબતોનું લિસ્ટ બને તો સુખ કદાચ છેલ્લા ક્રમે આવે. તે શાશ્વત નથી. તદ્દન તકલાદી છે, આભાસી છે, બીજા ઉપર આધારિત છે, સમય અનુસાર રંગ બદલે છે. એક સમયે મોબાઈલમાં એક જીબી ઇન્ટરનેટમાં આનંદ મળતો હતો, હવે અનલિમિટેડમાં પણ ખૂટે છે! સાયકલ ઉપર ત્રિપલ સવારીમાં જે સુખ મળતું હતું તે કદાચ પ્લેનના બિઝનેસ ક્લાસમાં પણ હવે નથી મળતું! સૌથી પ્રેસટીજીયસ ગણાતી હવાઈ મુસાફરીમાં, પ્લેનમાં કેટલા લોકો પ્રફુલ્લિત કે મોજમાં હોય છે, તે જોજો, બહુ ઓછાં લોકો ખિલખિલાટ હસતાં જણાશે!

ટૂંકમાં સુખ બરફના ગાંગડા જેવું છે, હોય ત્યારે માણી લેવું.

દુઃખ

'ડંકી' ફિલ્મના પાત્રો જેવી આપણી જિંદગી અને વિચારસરણી છે. તેના પાત્રો શરૃઆતથી અંત સુધી સુખ શોધવા માટે દુઃખી થાય છે! ભારતમાં સમસ્યાઓથી ઘેરાયેલા યુવાનો સુખી થવા ગેરકાયદેસર લંડનમાં ઘૂસવા માંગે છે. અથડાતા કુટાતા ડંકી રુટથી લંડન પહોંચે છે ત્યારે કડવી વાસ્તવિકતા જોવા મળે છે. માટે દૂર ક્યાંક સુખ હશે તેવી કલ્પનામાં આપણે આખી જિંદગી ભટકીએ છીએ. તેને તળપદી ભાષામાં ઝાંઝવાના જળ પણ કહેવામાં  આવે છે. તરસ છે, દૃશ્ય છે પરંતુ પાણી હોવાનો ભ્રમ છે. વિદેશ જાશું તો સુખી થાશું, તેવા ભ્રમમાં ચાર પંજાબી લોકો ગેરકાયદે લંડન જવા માટે પ્રયાસ કરે છે. આવા ગેરકાયદે પ્રવાસના માર્ગને ડંકી રુટ કહે છે. આથી ફિલ્મનું  નામ આવું રાખ્યું છે. ડંકી રુટ ઉપર નાની મોટી અનેક મુશ્કેલીઓ આવે છે, મોત પણ થઈ શકે છે. આપણી જિંદગી પણ ડંકી રુટ જેવી છે. ડંકીમાં સુખી નામનું પાત્ર સૌથી વધુ દુઃખી હોય છે! આ ફિલ્મમાં તો પાત્રોના દુઃખ કહો કે  સમસ્યા, ત્રણ કલાકમાં પૂરી થઈ જાય છે, પરંતુ જો આપણે ડંકીના પાત્ર બનીશું તો આજીવન રાજ્યાશ્રયમાં પસાર કરવું પડશે!

દુઃખ વણ નોતર્યા મહેમાન જેવું છે. વારંવાર ટપકી પડે. ઘર જમાઈની જેમ પડ્યું પાથર્યું રહે. એકવાર આવે પછી વધતું જ રહે. સુખની શોધમાં નિકળીએ તો, દુઃખ અવશ્ય ભટકાઈ જાય! સુખ બરફના ગાંગડા જેવું છે તો..  દુઃખ પથ્થર જેવું છે, ઓગળે જ નહીં! ઉપાડીને ચાલીયે તો થાકી જવાય.

સંબંધો

'સંબંધો' શાકભાજી જેવા છે, પોષણ આપે પરંતુ ઝડપથી બગડી જાય છે. લાંબુ ટકતા નથી! તેમાં લાગણી, મદદ, સમજણના મસાલા કરવા પડે, તો જ ગળે ઉતારે છે. એકને એક રેસીપી રોજ ચાલતી નથી, બદલતી રહેવી પડે છે.  સંબંધોમાં પણ આવું જ છે. ટકે છે ઓછા અને તૂટે છે વધુ! સંબંધો સાચવવા માટે તેને ડીપ ફ્રીઝમાં રાખવા જોઈએ. પરંતુ તે ત્યાં શું કામના? તીખા, કડવા, મોળા, તૂરા, ગળચટ્ટા સ્વાદ સંબંધોમાં પણ હોય છે. કેટલાક સંબંધો કેરી જેવા હોય, સિઝનલ! મૌસમ આવે ત્યારે જ મળે, બાકી કારેલાંના ભરોસે પેટ ભરવું પડે. સંબંધોનો સ્વાદ માણવા માટે ક્યારે મીઠું ઉમેરવું ને ક્યારે મિઠાસ ઉમેરવી  તે ખબર પડવી જોઈએ. કેટલું પ્રમાણ રાખવું તે પણ જ્ઞાનનો વિષય છે.

નવા વર્ષમાં સંબંધોનું ગણિત કે વિજ્ઞાન બદલવાનું નથી. જેમનું તેમ રહેશે. ભવે ભવના સાત ફેરા ફર્યા પછી પણ દાંપત્યજીવન ખોડંગાતું ચાલે છે. લૈલા મજનૂ તો પ્રારંભમાં જ હોય છે, પછી રાખી સાવંત જેવી જિંદગી બની જાય છે. પતિ-પત્ની, સાસુ-વહુ, નણંદ-ભાભી, પાડોશી-પાડોશી મોટાભાગે લાંબા સમય પછી આમને-સામને હોય છે. સંબંધો પણ શાકભાજીની જેમ લાલ, પીળા, કાળા, સફેદ કે કાબરચીતરા હોય છે.

નવા વર્ષમાં સંબંધો અવિચળ રહે તેવી શુભકામના. સામાજિક દૃષ્ટિએ વાત કરીએ તો, સંબંધો મૂળભૂત રીતે જ જરૃરિયાતના પાયા ઉપર ઊભા હોય છે. જરૃરિયાત જેમ ઘટતી જય તેમ તેમ સંબંધોનું પોત પાતળું પડતું જાય છે.

લાગણી

લાગણીઓ અમીબા જેવી હોય છે, આકાર વગરની!

શુદ્ધ લાગણીઓ હવે બહુ અલભ્ય છે, તેમાં પણ બહુ મોટા પાયે ભેળસેળ થવા લાગી છે. સંબંધોના પેકિંગ ઉપર ૧૦૦ ટકા શુદ્ધ નું લેબલ મારેલું હોય છે, પરંતુ અંદર ભરેલું શું છે, તે ભરવાવાળો જ જાણે. નવા વર્ષમાં લાગણીઓ અણિશુદ્ધ મળવાની શક્યતાઓ બહુ ઓછી છે. તમામ રમતોમાં લાગણી સાથેની રમત બહુ પીડાદાયક હોય છે. ૨૧ મી સદીમાં લાગણીઓને સ્વાર્થ સાથે જોડી દેવામાં આવી છે. ગાંધી કે ઇસુ જેવા મહામાનવો પણ લાગણીમાં  તણાઇ ગયા હતા પરિણામે બન્ને કમોતે માર્યા હતા. નવા વર્ષમાં લાગણીઓ સાથે રમવું નહીં અને કોઈને રમવા દેવા નહીં.

આવક-જાવક

ઇસુના નવા વર્ષમાં આવક કરતાં જાવક વધુ રહેવાની. આર્થિક કહો કે સામાજિક, બન્ને પક્ષે સમતુલા જાળવવી મુશ્કેલ બનશે. આવક વધવાની તક ૪૦ ટકા છે, જાવકનું પ્રમાણ ૬૦ ટકા રહેશે. બન્ને ૫૦-૫૦ ટકા રહે તો નસીબ સારા છે તેમ માનવું. બન્ને પલડાં સરખા કરવા માટે ડંકી રુટ લેવો હિતાવહ નથી.

રામ, કૃષ્ણ, ઇસુ, પયગંબર જેવા મહામાનવોને આપણે પૂજનીય બનાવ્યા છે પરંતુ અનુકરણીય બનાવ્યા નથી તે બહુ દુઃખદ છે.

ઇસુ

જેમના જન્મ પ્રસંગે આટલી ફિલોસોફી કરી રહ્યા છીએ, ત્યારે તેના મૂળ પાત્ર વિષે પણ થોડું જાણી લઈએ. ઇસુનો જન્મ મેરી નામની માતાની કૂખે થયો  હતો, તેમણે ખ્રિસ્તી ચર્ચની સ્થાપના કરી હતી, પાપ માટે પ્રાયશ્ચિત મેળવવા  માટે બલિદાન તરીકે ક્રુસિફિકેશન દ્વારા મૃત્યુ પામ્યા હતા, સામાન્ય રીતે, ખ્રિસ્તીઓ માને છે કે ઈસુ લોકોને ઈશ્વર સાથે સમાધાન કરવા સક્ષમ બનાવે છે. મોટા ભાગના ખ્રિસ્તીઓ ઇસુની ભગવાન પુત્રના અવતાર તરીકે પૂજા કરે  છે. ઇસુનો જન્મ દર વર્ષે ૨૫ ડિસેમ્બરે ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે. તેમના વધસ્તંભનું સન્માન કરવામાં આવે છે. ગુડ ફ્રાઇડે પર અને ઇસ્ટર સન્ડે પર તેમનું પુનરુત્થાન મનાવે છે. વિશ્વનો સૌથી વધુ ઉપયોગમાં લેવાતો કેલેન્ડર ઈસુની અંદાજિત જન્મતારીખ પર આધારિત છે.

ઇસુનું અંતિમ ભોજન વ્યાપક રીતે પ્રસિદ્ધ છે. ધ લાસ્ટ સપર એ અંતિમ ભોજન છે જે ઈસુએ તેમના ક્રુસિફિકેશન પહેલા જેરુસલેમમાં તેમના બાર પ્રેરિતો સાથે લીધું હતું.  ધ લાસ્ટ સપરનો ઉલ્લેખ ચારેય પ્રામાણિક ગોસ્પેલમાં છે; કોરીન્થિયન્સને પોલનો પ્રથમ પત્ર પણ તેનો ઉલ્લેખ કરે છે. ભોજન દરમિયાન, ઇસુ આગાહી કરે છે કે, તેમના પ્રેરિતોમાંથી એક તેમની સાથે દગો કરશે. ઈસુએ પુનરોચ્ચાર કર્યો કે, દગો કરનાર હાજર લોકોમાંથી એક  હશે.

પ્રભુ ઈસુના જન્મદિવસને પ્રેમ અને પ્રકાશનું પર્વ પણ કહેવામાં આવે છે. પ્રભુ ઈસુના પ્રેમ, શાંતિ, ભાઇચારા અને ક્ષમાનો સંદેશ આજે પણ તેટલો જ પ્રાસંગિક છે.

પ્રેમ અને શાંતિનો સંદેશ આપતાં પ્રભુ ઈસુ મસીહનું કહેવું હતુ કે, એકતાના માર્ગ પર ચાલતા તમામ લોકોએ પરસ્પર પ્રેમ અને શાંતિની ભાવના જાળવી રાખવી જોઇએ. તેમનું કહેવું હતુ કે બીજાને પ્રેમ કરનારાના હૃદયમાં ખુદ  ઈશ્વરનો નિવાસ હોય છે, કે જે વ્યક્તિ પ્રેમમાં સમર્પણ કરી દે છે પ્રભુ તેને પોતાનો બનાવી લે છે. પ્રેમની શક્તિથી જ નફરત પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. પ્રભુ ઈસુ મસીહ બીજાને ક્ષમા આપવાની શીખ આપતા હતા. તેમનું કહેવું હતું કે ક્ષમામાં ખૂબ જ શક્તિ હોય છે અને તેનાથી શત્રુને પણ પોતાના બનાવી  શકાય છે. પ્રભુ ઈસુનું કહેવું હતું કે વ્યક્તિને શક્ય હોય તેટલીવાર માફ કરવા જોઇએ. સ્નેહની ભાવનાથી હિંસાનો અંત થાય છે. ઈસુ જીવનમાં પૂર્ણ  આસ્થા રાખવાનો સંદેશો આપતા હતા. તેઓ કહેતા હતા કે દરેક વ્યક્તિએ સ્વયં પર વિશ્વાસ કરવો જોઇએ અને પોતાના જીવનના મૂલ્ય ઓળખવું  જોઇએ. વ્યક્તિએ પોતાનું જીવન માનવતાના કલ્યાણમાં સમર્પિત કરી દેવું જોઇએ. તે કહેતા હતા કે, વ્યક્તિને તેના કર્મો અનુસાર જ ફળ મળે છે એટલા માટે વ્યક્તિએ હંમેશાં સત્યના માર્ગે ચાલવું જોઇએ.

સારાંશ

આપણે આપણાં આરાધ્ય અને માનવતા માટે જીવન અર્પણ કરનાર તમામ દૈવી લોકોના જીવન સંદેશ ભૂલી ગયા છીએ. સુખના નામે દુઃખ પાછળ દોડી રહ્યા છીએ. 'નોબત'ના ચાહકો અને વાચકો ભગવાન ઈસુના જીવન અને તેના સંદેશને અનુસરે તેવી પ્રાર્થના....

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00.check

હવામાન

close
Ank Bandh