Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રકૃતિ અને પોલિટિકલ ક્ષેત્રે પલટાતા પવનો, પરિવર્તન અને પુનરાવર્તનના પચરંગી પ્રજ્જવલન સંગાથે
પ્રકૃતિ અને પોલિટિકલ ક્ષેત્રે પૂરા થયેલા વર્ષે પવનો પલટાયા હોય તેમ ઘણાં દેશોમાં વિનાશક પ્રાકૃતિક આપદાઓ આવી, પોલિટિકલ ક્ષેત્રે પણ દેશમાં ઘણાં પરિવર્તનો થયા, પુનરાવર્તનો પણ થયા. આપણા રાજ્યમાં પણ નોંધપાત્ર ઘટનાઓ બની અને ઘણાં મહત્ત્વપૂર્ણ મહાનુભાવોના નિધન પણ થયા તેને ગાગરના સાગરની જેમ અમે સંક્ષિપ્તમાં પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે.
રાષ્ટ્રીય
સંસદની સુરક્ષામાં સેંધ
દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટીઓ થઈ. ત્રણ રાજ્યોમાં ભાજપ, એક રાજ્યમાં કોંગ્રેસ અને એક રાજ્યમાં ઝોરમ પિપલ્સ મૂવમેન્ટ નામની નવી પ્રાદેશિક પાર્ટીની જીત થઈ. રાજસ્થાનમાં ભજનલાલ શર્મા, છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાય, મધ્યપ્રદેશમાં મહેશ યાદવ, તેલંગાણામાં રેવંત રેડ્ડી અને મિઝોરમમાં લાલદુહોમા મુખ્યમંત્રી બન્યા. વર્ષના અંતે સંસદના શિયાળુ સત્રમાં ધમાલ વચ્ચે ૧૪૬ સાંસદોને સસ્પેન્ડ કરાયા, અને તે પહેલા સંસદની સુરક્ષાને સેંધ લગાડીને બે યુવકો ગૃહમાં ઘૂસી ગયા અને કલરસ્ટીકથી ધૂમાડો કર્યો, તો બે જણાએ સંસદની બહાર આ જ પ્રકારની હરકત કરતા આ મુદ્દો હવે વર્ષ-ર૦ર૪ ની ચૂંટણીમાં વિપક્ષોના પ્રચારનો મુખ્ય મુદ્દો થવા જઈ રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મીમીક્રીનો મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો છે.
ઈન્ડિયા ગઠબંધન
ડિસેમ્બરમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની ચોથી બેઠકમાં સીટશેરીંગ તથા વર્ષ-ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવીને કેન્દ્રમાંથી મોદી સરકારને વિદાય આપવાનો નિર્ધાર કરાયો અને તદ્વિષયક ચર્ચા-પરામર્શ થયો. કોંગ્રેસે તેના સ્થાપના દિન ર૮ મી ડિસેમબરમાં ચૂંટણી પ્રચારની બ્યુગલ ફૂંકવાની ઘોષણા કરી તો ભાજપે પણ બે દિવસીય રાજકીય કક્ષાનું અધિવેશન યોજીને ચૂંટણી પ્રચારની વ્યૂહરચના કરી, 'આપ'ના કેજરીવાલને ઈ.ડી.ના બે સમન્સ પાઠવાયા. તેઓ વિપશ્યના કરવા માટે દક્ષિણ ભારતમાં ગયા.
ચર્ચાસ્પદ મુદ્દા
દેશમાં વર્ષ-ર૦ર૩ ના પ્રારંભથી બનેલી ઘણી ઘટનાઓ ચર્ચામાં રહી, તો કુદરતી-માનવસર્જિત આફતો પણ ઘણી બની. વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે ઘણી નવી યોજનાઓ જાહેર કરી અને નવા કાનૂનો પણ સંસદમાં મંજુર કરાવ્યા. ખાસ કરીને આઈ.પી.સી., સીઆરપીસી અને એવિડેન્સ એક્ટના સ્થાને તદ્ન ત્રણ નવા કાયદાઓ બનાવ્યા, જેની ખૂબ ચર્ચા થઈ. વર્ષ દરમિયાન હિન્ડનબર્ગ રિસર્ચ ફર્મનો અહેવાલ ખૂબ ચર્ચાયો અને રાહુલ ગાંધીએ આ મુદ્દે અદાણીને સાંકળીને મોદી સરકાર પર તડાપીટ બોલાવી. કેટલાક પોલિટિકલ આંદોલનો થયા, તો કેટલાક જનઆંદોલનો પણ થયા. આરબીઆઈએ વર્ષના પ્રારંભે રેપોરેટ વધાર્યો, પરંતુ એકંદરે વર્ષ દરમિયાન સ્થિરતા જાળવી.
કેન્દ્રિય એજન્સીઓની કાર્યવાહી અને ભ્રષ્ટાચાર
વર્ષ દરમિયાન આઈટી, સીબીઆઈ, ઈડી, એનઆઈએ, કસ્ટમ્સ અને અન્ય કેન્દ્રિય એજન્સીઓ દ્વારા ઠેર ઠેર દરોડા પડતા રહ્યા, જેને લઈને વિપક્ષો મોદી સરકાર દ્વારા દુરૂપયોગ કરીને વિરોધનો અવાજ કચડવાનો આક્ષેપ કરતા રહ્યા છે, તો કેન્દ્ર સરકાર તેને નકારી રહી છે, જો કે ઝારખંડના સંસદસભ્ય અને તેને સંબંધિત સ્થળોમાંથી ૩પ૦ કરોડ રૂપિયાની રોકડ મળી આવી, તે મુદ્દો ઘણો જ ચર્ચાસ્પદ બન્યો. સાહુએ ચોખવટ કરી કે આ નાણા તેની કંપની તથા અન્ય લોકોના પણ છે. જેનો હિસાબ તે આપશે. આ નાણા સાથે કોંગ્રેસને કાંઈ લેવા-દેવા નથી, જો કે ભાજપે આ નાણા વર્ષ-ર૦ર૪ ની ચૂંટણીમાં કોંગ્રેસ વાપરવાની હતી, તેવા આક્ષેપો કર્યા... આ મુદ્દો પણ હવે ચૂંટણીપ્રચારમાં જોરશોરથી પડઘાશે.
શેરબજાર
વર્ષ દરમિયાન શેરબજારમાં ઉતાર-ચઢાવ થતા રહ્યા, પરંતુ એકંદરે શેરબજાર તેજીમાં રહ્યું. ડિસેમ્બરમાં પણ ઐતિહાસિક સપાટીએ શેરબજાર પહોંચ્યું તો સોનું-ચાંદી વગેરેમાં પણ એકંદરે તેજી રહી.
રેવડી કલ્ચર
વર્ષ દરમિયાન ગેસના ભાવોમાં ઉતાર-ચઢાવ થતા રહ્યા. ચૂંટણી ટાણે ભાજપ-કોંગ્રેસે ગેસનો બાટલો સસ્તો કરવાના વાયદા કર્યા હતાં, અને ઘણી લોકલોભામણી જાહેરાતો કરી હતી. 'રેવડી' કલ્ચરની ચર્ચા તો સડકથી સંસદ અને અદાલતો સુધી પહોંચી હતી, તો દેશના વિવિધ વિસ્તારોમાં કિસાન આંદોલનની ચર્ચા થતી રહી હતી.
'પનોતી' પ્રકરણના પ્રત્યાઘાતો-વિકાસ પ્રોજેક્ટો
અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ ઓડીઆઈની ફાયનલમાં ભારત હાર્યું, તે પહેલા ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટની એક પણ મેચ હારી નહોતી, તેથી દેશભરમાં નિરાશા ફેલાઈ. આ મેચમાં ભારતના વડાપ્રધાન તથા ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન હાજર રહ્યા હતાં. આ પરાજયને ટાંકીને રાહુલ ગાંધીએ 'પનોતી' શબ્દપ્રયોગ કર્યો, તેની પણ ખૂબ ચર્ચા થઈ અને પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેની ગૂંજ સંભળાઈ. મહારાષ્ટ્રમાં એન.સી.પી. અને શિવસેનાના બબ્બે જુથો પરસ્પર અથડાતા રહ્યા.
દેશમાં વિવિધ પ્રસંગો, કૃષ્ણ-ઋક્ષ્મણી વિવાહ, મીરાબાઈની પરપ મી જયંતી, જલારામ જયંતી, તમિલ-કાશી સમારોહ, ચરણસિંહની પ્રતિમાનું અનાવરણ, શિવાજી મહારાણા પ્રતાપ સહિતના મહાનુભાવોની પ્રતિમાનું અનાવરણ તથા મેગા વિકાસ પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત-લોકાર્પણો ખૂબ જ ચર્ચામાં રહ્યા. હવે રર મી જાન્યુઆરીના અયોધ્યામાં ભવ્ય રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, તેની જબરદસ્ત ચર્ચા છે. દ્વારકામાં પ૦ હજાર આહિરાણીઓનો રાસ પણ વૈશ્વિક ખ્યાતિ પામ્યો છે.
વર્ષ દરમિયાન દરિયાઈ પટ્ટી પર ડિમોલીશન ઉપરાંત શહેરો-યાત્રાધામોમાં ડિમોલીશનની પ્રવૃત્તિ થતી રહી, તો દ્વારકા સહિતના યાત્રાધામોમાં મંદિર સંકુલના વિકાસ માટે જમીન સંપાદન હેઠળ મોટાપાયે ડિમોલીશનની સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે. ઓખાને બેટદ્વારકા સાથે જોડતો બ્રિજ પૂરો થવાની તૈયારીમાં છે, અને જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો શહેરનો આંતરિક ફ્લાયઓવર બ્રિજ પણ ઝડપભેર નિર્માણ પામી રહ્યો છે. તીર્થસ્થાનો-રેલવે સ્ટેશનો, સરકારી સંકુલોના સફાઈ અભિયાનો પણ ચાલી રહ્યા છે.
કોરોનાની ઉમંગભેર ઉજવણી પછી ભયાનક ઘટનાઓ
કોરોનાની વિદાય પછી લોકો અને આ વર્ષે તમામ તહેવારો, શ્રાવણી મેળાઓ તથા પારિવારિક પ્રસંગો મન ભરીને માણ્યા હતાં, જો કે કોરોનાએ પુનઃ ફૂંફાડો મારતા થોડી ચિંતા પણ જાગી છે. દેશમાં વિવિધ પ્રાકૃતિક આફતો, અતિવૃષ્ટિ, પૂર, આકાશી વીજળી, ભૂકંપ, વાવાઝોડા વગેરેએ પણ વિનાશ વેર્યો અને ઘણાં લોકોના જીવ લીધા. આ વર્ષ કમોસમી વરસાદે પણ ઘણું નુક્સાન કર્યું. ઓડિશાની ટ્રેન દુર્ઘટનામાં ઘણાંના જીવ ગયા.
વૈશ્વિક કક્ષાએ ભારતની ચર્ચા
દેશની વિકસતી અર્થવ્યવસ્થા, જી-ર૦ નું સફળ સંચાલન, વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી પ્રતિભા, પાકિસ્તાન અને ચીનની સરહદી ભેદી પ્રવૃત્તિઓ, આતંકી અને નક્સલી ઘટનાઓ, તથા દેશની વિદેશનીતિને લઈને શાસક પક્ષના દાવાઓ સામે વિપક્ષો દ્વારા આલોચના થતી રહી છે. કેજરીવાલનો શિશમહેલ પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો, તો સિસોદિયા-સંજયસિંહનો જેલવાસ વિવાદાસ્પદ રહ્યો.
સિદ્ધિઓની ગરિમા
આ વર્ષે ચંદ્રયાન-૩ ની સફળતા સહિત ઈસરોના અંતરીક્ષ કાર્યક્રમોની સફળતાએ દેશનું ગૌરવ વધાર્યું, તો આદિત્ય મિશને પણ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું. દેશમાં સંખ્યાબંધ વંદેભારત ટ્રેનો સહિતની ઝડપી રેલવે સેવાઓ ચાલુ થઈ.
મહત્ત્વના અદાલતી ફેંસલાઓ
વર્ષ દરમિયાન અદાલતોના ઘણાં ફેંસલાઓ પણ ચર્ચામાં રહ્યા. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવાઈ, તેને સુપ્રિમ કોર્ટે બંધારણીય ગણાવી, કેટલીક બાબતોમાં સરકારી નિર્ણયોમાં હસ્તક્ષેપ કરવાનો સુપ્રિમ કોર્ટે ઈન્કાર કર્યો. સમલેંગિક લગ્નોને માન્યતા આપવાનો સુપ્રિમ કોર્ટે ઈનકાર કર્યો. દિલ્હીમાં એલ.જી.ને સર્વોપરિ નહીં ગણવાના અદાલતના ફેંસલા પછી કેન્દ્ર સરકારને દિલ્હી વિધેયક સંસદમાં પસાર કરાવવું પડ્યું. એક દેશ-એક ચૂંટણીના મુદ્દે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષસ્થાને કમિટી રચાઈ.
વૈશ્વિક મુદ્દાઓ અને ભારતની નીતિ
ભારત-કેનેડા વચ્ચે સંબંધો બગડ્યા. પરસ્પર ડિપ્લોમેટ્સની હકાલપટ્ટી કરાઈ. અમેરિકાએ કેનેડાની તરફેણ કરી. રશિયા-યુક્રેનના મુદ્દે ભારત તટસ્થ રહ્યું. પ્રારંભમાં ઈઝરાયેલને ટેકો આપ્યા પછી ભારતે પેલેસ્ટાઈનને પણ રાહત સામગ્રી મોકલી. ચીન-પાકિસ્તાનના મુદ્દે ભારતની વિદેશનીતિ યથાવત્ રહી, જ્યારે પીઓકેના મુદ્દે ભારતે પૂનરોચ્ચાર કર્યો કે પીઓકે સહિતના જમ્મુ-કાશ્મીર-લદ્દાખ ભારતના અભિન અંગો છે.
ગુજરાત
કુદરતી-માનવસર્જિત આફતો
ગુજરાતમાં પણ માવઠાં, પૂર, અતિવૃષ્ટિ જેવી પ્રાકૃતિક અને ગમખ્વાર અકસ્માતો જેવી માનવસર્જિત આફતોએ વર્ષ દરમિયાન ઘણું નુક્સાન કર્યું અને હવે કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. વર્ષ દરમિયાન રાજ્યમાં રાજકીય ક્ષેત્રે પણ ઉથલપાથલ થતી રહી, તો નકલી સીરપ પીવાથી કેટલાક મૃત્યુ થયા.
નોંધપાત્ર ઘટનાઓ-આદલતી આદેશો
ગુજરાતના ૪૮ રેલવે સ્ટેશનો પર પ૧ આઉટલેટ મૂકાયા. લોહાણા મહાપરિષદની વૈશ્વિક કક્ષાની બેઠક જામનગરમાં યોજાઈ. ગાંધીનગરમાં જી-ર૦ ના કાર્યક્રમો ઉપરાંત તાજેતરમાં જ ઈન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીની ૧ર મી કોન્ફરન્સ યોજાઈ, જેમાં ૩૧ દેશો જોડાયા. વર્ષ દરમિયાન જુદા જુદા કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ રહી તથા મેગા વિકાસ પ્રોજેક્ટોના લોકાર્પણો-ખાતમુહૂર્તો પણ થયા. રખડતા ઢોરના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અવારનવાર રાજ્ય સરકાર અને તંત્રો તથા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને તતડાવ્યા, પછી કેટલાક પગલાં લેવાયા. આ વર્ષે હાર્ટએટેકથી યુવાવય સહિતના લોકોના તત્કાળ મૃત્યુનો સીલસીલો વધ્યો અને તેના કારણે જ નવરાત્રિમાં ગરબાના સ્થળે મેડિકલ ટીમો તૈનાત રખાઈ. આ વર્ષે ચોમાસામાં પણ ભારે વરસાદ થયો અને માવઠાં થયા, તો કેટલાક સ્થળે કરા પણ પડ્યા. ખેતીપાકને નુક્સાન થયું તો તેની સામે રાહત અને વળતરની ઘોષણાઓ જાહેર થઈ. બળવબળતા ઉનાળા વચ્ચે પણ પાણીની વ્યવસ્થા એકંદરે જળવાઈ રહી, પરંતુ કેટલાક સ્થળે ફરિયાદો પણ ઊઠી, જેનું નિવારણ તત્કાળ કરવું પડ્યું. વિપક્ષો દ્વારા વિધાનસભા અને સડકો પર વિવિધ મુદ્દે વિરોધ ઊઠાવાતો રહ્યો અને રેલીઓ-પ્રદર્શનો-દેખાવો પણ થયા.
જામનગરનું નવું નેતૃત્વ
જામનગર મહાનગરપાલિકાના મેયરને અઢી વર્ષની મુદ્ત પૂરી થતા નવા મેયર તરીકે વિનોદભાઈ ખીમસૂર્યા નિમાયા. તે પહેલાના મેયર સાથે સાંસદ, ધારાસભ્યનો જાહેર વિવાદ ચર્ચાયા પછી પક્ષીય હસ્તક્ષેપ પછી સમી ગયો હતો. ડે. મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી અને દંડક તરીકે કેતન નાખવા નિમાયા. મોદી માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઈ. સંસદસભ્યનું પદ છીનવાયું અને સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યા પછી પુનઃ બહાલ થયું.
હીટ એન્ડ રન
અમદાવાદમાં ઈસ્કોન બ્રીજ પર તથ્ય પટેલની કારે નવ જણાને કચડી નાંખ્યા પછી બાપ-દીકરો જેલમાં ગયા. આ પ્રકરણ ઘણું જ ચર્ચાસ્પદ બન્યું.
ન્યાયતંત્રનો દંડો
ગુજરાતને બીજા મહિલા ચીફ જસ્ટિસ મળ્યા અને સુનિતાબેન અગ્રવાલની નિમણૂક થઈ. ઘણાં અદાલતી ચૂકાદાઓ તથા ટિપ્પણીઓ દ્વારા રાજ્ય સરકારના તંત્રોને રાજ્યમાં દોડતા કર્યા. બાર એસોસિએશનોની રાજ્યવ્યાપી ચૂંટણીઓ થઈ. સીંગદાણા કેસમાં પૂર્વમંત્રી વિપુલ ચૌધરી સહિત ૧પ દોષિતોને ૭ વર્ષની સજા થઈ.
યાત્રિકોની ભીડ-સાંસ્કૃતિક કાર્યક્રમો
ગુજરાતમાં વિશ્વ યોગદિને ૧.ર૦ કરોડથી વધુ લોકોએ સામૂહિક યોગા કર્યા. રાજ્યમાં વખતોવખત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા રહ્યા. આ વખતે જન્માષ્ટમી, દિવાળી વેકેશનો તથા નાતાલના વેકેશનમાં યાત્રાધામોમાં યાત્રિકોની ભારે ભીડ રહી અને લોકો પ્રવાસ કરવા નીકળી પડતા તમામ હોટેલો-ગેસ્ટહાઉસ તથા ટ્રાવેલીંગના વાહનો ભરચક્ક રહ્યા અને રેલવે-બસડેપો-એરપોર્ટ ધમધમતા રહ્યા. રાજ્યના માહિતી ખાતાએ શ્રેષ્ઠ એવોર્ડ સહિત ૧૮૧ પારિતોષિક એનાયત કર્યા.
શાસન-પ્રશાસન અને જનફરિયાદો
ગુજરાતમાં શાસનને લગતી કેટલીક ફરિયાદો પણ ઊઠતી રહી. વિવિધ વિભાગોના સર્વરો ડાઉન થતાં મહત્ત્વપૂર્ણ સરકારી સેવાઓ ખોરવાતી રહી. શાળાઓની તપાસણી દરમિયાન એક આઈ.એ.એસ. અધિકારી ધવલ પટેલે જ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કંગાળ પ્રાથમિક સરકારી શિક્ષણની પોલ ખોલી નાંખતા તેના દેશવ્યાપી પડઘા પડ્યા. કેટલાક જિલ્લાઓમાંથી ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી રહી, તો એલસીબી દ્વારા કેટલાક લાંચિયા અધિકારીઓ તથા પદાધિકારીઓને રંગે હાથ ઝડપી લેવાયા. ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત કરી દેવાયો.
રાજ્યમાં ક્રાઈમ-સાયબર ક્રાઈમ ક્ષેત્રે સફળતાઓ
ગુજરાત એ.ટી.એસ. દ્વારા અલકાયદાના સક્રિય આતંકી જુથનો પર્દાફાશ કર્યો અને બે બાંગલાદેશીઓ સહિત કેટલાક શખ્સોને દબોચી લીધા. રાજ્યમાં સાયબર ક્રાઈમના પણ ઘણાં કેસ નોંધાયા અને આત્મહત્યાના વધતા બનાવોએ પણ ચિંતા વધારી. લોકસાહિત્યકાર ખાવડની ધરપકડ અને જામીનનું પ્રકરણ ચર્ચામાં રહ્યું. મોરબી દુર્ઘટનાના મૃતકોના પરિવારોને દસ-દસ લાખનું વળતર ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો, અને તેના આરોપી જયેશ પટેલના જામીન મંજુર થયા નહીં. જામનગરમાં સાધના કોલોનીમાં જર્જરીત ઈમારત ધરાશાયી થતા ત્રણ મૃત્યુ થયા તથા આગ-અકસ્માતની ઘટનાઓ પણ બની.
ઈન્ટરનેશનલ
યુદ્ધો-સંઘર્ષો-ઉથલપાથલ
વર્ષ ર૦ર૩ નું વર્ષ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ઘણું જ ઉથલપાથલવાળું રહ્યું. અત્યારે ઈઝરાયેલ-હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, અને રશિયા-યુક્રેન યુદ્ધ પણ લાંબા સમયથી ચાલુ છે. તે ઉપરાંત ઈરાન-અમેરિકા વચ્ચે તંગદિલી, ભારત-કેનેડાના બગડેલા સંબંધો, ઉ. કોરિયાના માથાફરેલા તાનાશાહ કીમ જોનની પુનઃ સક્રિયતા, પડોશી દેશ પાકિસ્તાનમાં આંતરિક ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ, જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકી હુમલાની શરૂઆત, મ્યાનમારમાં આંતરિક ડખ્ખો, ચીન-તાઈવાન તંગદિલી અને લાલ સમુદ્રમાં હુતી ચાંચિયાઓના વ્યાપારિક વહાણો પર આક્રમણ વગેરે સંઘર્ષો ચાલી રહ્યા છે.
જી-ર૦ ની ગૌરવગાથા-વિદેશનીતિ
ભારતમાં જી-ર૦ નું આયોજન અને સમાપન વર્ષ ર૦ર૩ માં વર્ષભર વિશ્વની ચર્ચાના કેન્દ્રમાં રહ્યા. અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમને ઝેર અપાતા કરાંચીની હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાના અહેવાલો ગ્લોબલ બન્યા છે. ગુજરાત ગરબાને આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક વારસામાં ગણાતા દેશનું ગૌરવ વિશ્વમાં વધ્યું છે. પંજાબી ગેંગસ્ટર સુખા દુન્નાકેની કેનેડામાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં તંગદિલી છતા કેટલાક વ્યવહારો યથાવત્ રહ્યા છે, જો કે ભારતની નવી વિદેશનીતિ પણ ચર્ચાના કેન્દ્રમાં છે.
ગમખ્વાર અકસ્માતો-દુર્ઘટનાઓ
ઈરાકના મેરેજ હોલમાં આગ લાગતા ૧૦૦ થી વધુ લોકોના મૃત્યુ થયા. તે પહેલા જ્હોનિસબર્ગમાં બહુમાળી ભવનમાં આગ લાગતા ૬૦ લોકોના મૃત્યુ થયા હતાં. નેપાળમાં બસ ગબડી જતા ૬ ભારતીયો સહિત ૭ લોકોના મૃત્યુ થયા હતાં. તે પહેલા મિઝોરમમાં નિર્માણાધિન રેલવે બ્રીજ તૂટી પડતા ૧૭ શ્રમિકોના મૃત્યુ થયા હતાં. ઉત્તર કાશીમાં સુરંગ ધસી પડ્યા પછી ચામત્કારિક રીતે ૪૧ શ્રમિકોને બચાવી લેવાયા, તે ઘટના ગ્લોબલ બની હતી.
પડોશી દેશમાં હલચલ
પાકિસ્તાનમાં ઓગસ્ટમાં સંસદનું વિસર્જન થયા પછી ચૂંટણી જાહેર થઈ છે, તો પૂર્વ પી.એમ. ઈમરાનખાન ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં છે. પૂર્વ પી.એમ. નવાઝ શરીફ ફરીથી પી.એમ. બનવા થનગની રહ્યા છે, તો કાર્યવાહક પી.એમ. કાકરે તાજેતરમાં પીઓકે અને જમ્મુ-કાશ્મીરનું નિવેદન કર્યા પછી ચર્ચામાં છે.
પ્રકીર્ણ ઘટનાઓ
અમેરિકાની ટાઈટન કેપ્સ્યુલની જળસમાધિ અને ટાઈટેનિક જોવા ગયેલા પાંચ અબજોપતિઓના મૃત્યુ થતા અરેરાટી પ્રસરી હતી, તો ચીને પોતે જ બીછાવેલી જાળમાં તેમની જ સબમરીન ફસાઈ જતા એના જ સૈનિકોના થયેલા મૃત્યુ ગ્લોબલ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતાં. તે ઉપરાંત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામેના અદાલતી આદેશના કારણે તેઓ હવે રાષ્ટ્રપતિપદની ચૂંટણી નહીં લડી શકે, તેવા અહેવાલો પણ ગ્લોબલ બન્યા છે. ભારતે યુક્રેન, પેલેસ્ટાઈન, સુદાન વગેરે સ્થળે ફસાયેલ ભારતીયો સહિત વિવિધ દેશોના નાગરિકોને પરત લાવવા ચલાવેલા અભિયાનો ચર્ચામાં રહ્યા છે, કેનેડામાં ખાલિસ્તાનવાદીઓને મળતું રક્ષણ પણ ચર્ચામાં રહ્યું છે. માર્ચ મહિનામાં બ્રિટનમાં પાકિસ્તાની સમર્થકોએ ભારતનો તિરંગો નીચે ઉતારતા ભારતના જોરદાર વિરોધ પછી બ્રિટને પગલાં લીધા હતાં.
બ્રિટનના પી.એમ. ઋષિ સુનક પોતે હિન્દુ ભારતીય હોવાનું ગૌરવ અનુભવતા હોવાના અહેવાલો તથા રાહુલ ગાંધીએ વિદેશી ધરતી પરથી કરેલા કેટલાક ઘટસ્ફોટ પણ ગ્લોબલ બન્યા હતાં, તો ઓસ્કાર એવોર્ડનો મુદ્દો ભારતની સંસદમાં પણ ગૂંજ્યો હતો. ફેબ્રુઆરીમાં શ્રીલંકાની ચૂંટણી મોકુફ રહેવા પાછળનું કારણ ચર્ચાસ્પદ બન્યું હતું. કાગળના અભાવે બેલેટ પેપર છપાયા નહીં હોવાથી ત્યાં ચૂંટણી મોકુફ રહી હતી!
વર્ષ-ર૦ર૩ માં થયેલા નિધન
બિહારના સહપ્રભારી, ગુજરાત ભાજપના નેતા, પૂર્વ ધારાસભ્ય સુનિલ ઓઝા, અભિનેતા ગુફી પેન્ટલ ઉપરાંત સતિષ કૌશિક, સુમિત્રા સેન, પ્રદીપ સરકાર, મિર્ઝા ગાલીબ, રાજનેતાઓ ઓમાનચાંડી, કેસરીનાથ ત્રિપાઠી, શાંતિભૂષણ, ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રના દિગ્ગજો કેશવ મહિન્દ્રા, વાઘબકરીના એક્ઝિ. ડિરેક્ટર પરાગ દેસાઈ, ઈસરોના વૈજ્ઞાનિક એલ. વલારમથ્થી, પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું પૂરા થયેલા વર્ષે નિધન થયું હતું. તે ઉપરાંત ગુજરાતના પ્રખ્યાત ગુજરાતી ભજનિક લક્ષ્મણ બારોટ, ઉપરાંત ઉદ્યોગપતિ ચેતન ટાકોદરા, ભાટિયાના પત્રકાર દિનેશ કાનાણી, જામનગરના ડો. ગૌરવ ગાંધી, ખંભાળિયાના પત્રકાર, નેતા સુભાષ પોપટ વગેરેનું નિધન થયું છે.
ખેલ જગત
વન-ડે વર્લ્ડકપની તમામ લીગ મેચોમાં ટોપ પર રહીને સેમિફાઈનલમાં પણ દમદાર વિજય હાંસલ કર્યા પછી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા ફાઈનલમાં હારી ગઈ, તે ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે સૌથી નિરાશાજનક ઘટના હતી, પરંતુ મહિલા ક્રિકેટ, કબડ્ડી અને એથ્લેટ્સ-પેરા એથ્લેટ્સ દ્વારા મેળવાયેલી સિદ્ધિઓએ ગૌરવ પણ અપાવ્યું. તે પહેલા આઈપીએલની ચર્ચા હતી અને આગામી આઈપીએલ ટુર્નામેન્ટ માટે ખેલાડીઓની હરાજી પણ થવા લાગી છે. હવે તો દસ-દસ ઓવરની નવી ટુર્નામેન્ટની જાહેરાત પણ બીસીસીઆઈ એ કરી છે. વર્ષ દરમિયાન કુસ્તીબાજોની ચર્ચા તથા વિવાદ ચાલતા રહ્યા અને એક વખત ફરીથી કુસ્તીબાજોએ એવોર્ડવાપસી કરતા મોદી સરકારે રેસલીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે ડબલ્યુએફઆઈને જ બરતરફ કરી દેતા નવો વિવાદ જાગ્યો છે. આ વિવાદાસ્પદ પ્રકરણમાં સાંસદ બ્રિજભૂષણસિંહે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી. બીજી તરફ તેના નજીકના ગણાતા સંજયસિંહ પ્રમુખપદે ચૂંટાતા બજરંગ પુનિયાએ પદ્મશ્રી પરત કર્યું અને સાક્ષી મલ્લિકે ભાવનાત્મક પ્રત્યાઘાતો આપ્યા. હવે કેન્દ્ર સરકારના કદમ સાથે નવા પ્રમુખે લીગલ એક્સનની ચીમકી પણ આપી હતી.
ડુપ્લીકેટ્સનો દબદબો-નકલીનો રાફડો
સિસ્ટમ અને તંત્રોમાં ચાલતી પોલંપોલનો લાભ લઈને ઘણાં લોકો ડુપ્લીકેટ બનીને લાભ લઈ રહ્ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેન્દ્રિય એજન્સીઓના ત્રણ નકલી અધિકારીઓ તાજેતરમાં જ પકડાયા છે. પીએમઓના નકલી અધિકારી તરીકે કિરણ પટેલ ઝડપાયો, તે પછી તો ડુપ્લીકેટ્સનો જાણે રાફડો ફાટ્યો હોય તેવા અહેવાલો આવવા લાગ્યા હતાં, તો નકલી ઘી-દૂધ-તેલ-ખાદ્ય પદાર્થો અને પીણાઓ પછી આખેઆખી સરકારી કચેરી અને ટોલનાકું પણ નકલી ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. નકલી દસ્તાવેજો, નકલી માર્કશીટો, નકલી પ્રમાણપત્રો, નકલી ડીગ્રી, નકલી કફ સીરપ, નકલી ચલણી નોટો, નકલી દવાઓ, નકલી એજન્ટો, નકલી સીમકાર્ડ, નકલી દારૂ, નકલી પાસપોર્ટ, નકલી રબ્બર સ્ટેમ્પ, નકલી જ્વેલરી પણ ચર્ચાસ્પદ છે અને નકલી કંપનીઓની જાણે બોલબાલા છે. હવે આ નકલીની વણજાર વણથંભી રહેશે તો કોનો ભરોસો કરવો અને કોને શંકાસ્પદ ગણવા તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે.
આલેખન વિનોદ કોટેચા
ઓકટોબર
નવેમ્બર
ડિસેમ્બર
જુલાઈ
ઓગસ્ટ
સપ્ટેમ્બર-ર૦ર૩
એપ્રિલ
મે
જૂન
જાન્યુઆરી-ર૦ર૩
જામનગરમાં ચતુર્ભુજ સ્વરૂપ શ્રી મદન મોહન પ્રભુજીની ભવ્ય શોભાયાત્રા-છપ્પનભોગ મહોત્સવ.
વર્ષની આખરી રાત્રે નશાની હાલતમાં ઝુમતા ર૪ સામે નોંધાયો દારૂબંધી ભંગનો ગુન્હો.
જામનગર મનપામાં વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસના ધવલ નંદા અને ઉપનેતા તરીકે બસપાના રાહુલ બોરીચાની સર્વાનુમતે વરણી.
જગત મંદિરની સુરક્ષા વ્યવસ્થાની વાતો વચ્ચે શિખર પર ચઢેલી વ્યક્તિઓના ફોટા વાયરલ.
'નાસા' દ્વારા આસિ. સાયન્ટીસ્ટ તરીકે પસંદગી પામનાર નગરની આદર્શ પ્રા.શાળાની વિદ્યાર્થીની જુવેરીયા પરમારનું સન્માન.
સુપ્રજા-ર૦ર૩ સેમિનારમાં ૧૭૦ ફેકલ્ટીના રિસર્ચ પેપર રજુ.
જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીમાં રંગમતી નદી પર રીવરબ્રીજ-ચેકડેમ તથા રીટેઈનીંગ વોલ માટે પ.૮૬ કરોડ મંજુર.
મેઘપર પોલીસે ૭૦ લાખના દારૂના જથ્થાનો કર્યો નાશ.
જામનગરના નૃત્યાંગના અને ઈન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલમાં નિર્ણાક રાજશ્રીબા સોઢાને નૃત્યાંગના એવોર્ડ એનાયત.
જામનગરના સુપ્રસિદ્ધ ભજનીક શક્તિદાન ઈસરાણીનું નિધન.
જામનગરમાં ૭ જેટલી પેઢીઓમાં જીએસટીના દરોડાઃ તપાસનો ધમધમાટ.
આઈસલેન્ડ યુનિ. અને યુનેસ્કો દ્વારા ચલાવાતા જીઈએસટી પ્રોગ્રામ હેઠળ પસંદગી પામનારી મૂળ જામનગરની અદિતી રિંડાણી પ્રથમ ગુજરાતી બની.
સ્વ. એચ.આર. માડમ મેમોરિયલ ટ્રસ્ટની અન્ડર-૧૭ બહેનોની ટીમ સૌરાષ્ટ્ર ઝોન ફૂટબોલ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન.
જામનગરમાં સુરી નામના રાષ્ટ્રપતિનું આગમનઃ રાજયમંત્રી-મેયર સહીતના મહાનુભાવો દ્વારા સ્વાગત.
ખંભાળીયા પોલીસે ૩૩ લાખના દારૂ પર બુલડોઝર ફેરવી દીધું.
પોલેન્ડ સ્થિત ભારતીય રાજદૂત નગ્મા મલિકે જામસાહેબ શત્રુશલ્યસિંહજીની શુભેચ્છા મુલાકાત લીધી.
ગૌ સેવા સંવર્ધન અને પ્રાણી રક્ષા માટે આયુર્વેદ યુનિ.ના પૂર્વ પ્રિન્સીપાલ ડો. હિતેશ જાનીને અહિંસા એવોર્ડ એનાયત.
જામનગરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા સન્માન સમારોહ-સમૂહ ભોજન-ઐતિહાસિક ૧૧ કરોડનું દાન એકત્ર.
વ્યાજંકવાદીઓ સામે પીડિતોની વ્યથા સાંભળવા જનસભાઃ જિલ્લા પોલીસવડા, સિટી ડિવાયએસપીએ અરજીઓ અન્વયે તપાસની ખાતરી આપી.
જામનગરમાં લેન્ડ કરાયેલા રશિયાના પ્લેનમાં બોમ્બ હોવાની આશંકા કરી નિર્મુળ.
દ્વારકામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સાંસદ પૂનમબેન માડમના હસ્તે ઉદ્ઘાટન
જામનગર, જામજોધપુર તથા લાલપુરમાં મહિલા સહિત ૧૬ સામે વ્યાજ ખોરીની ફરિયાદ.
ધ્રોલના રાજપરામાં એક અઠવાડિયામાં ૧૪ર જેટલા ઘેટા-બકરાના મૃત્યુથી માલધારીઓમાં ચિંતા.
જામનગરમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન ૭.પ ડિગ્રી.
રેન્જ આઈજીના વિશેષ લોકદરબારમાં વ્યાજખોરીની દોઢ ડઝનથી વધુ અરજી આવી.
નગરના આસામીએ રૂા. ૧પ લાખ સામે રૂા. ૬૩ લાખ આપવા વેચી નાખી ફેકટરી. ૩ મહિલા અને ૧૩ શખ્સ સામે નોંધાયા વ્યાજખોરીના સાત ગુન્હા.
જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ પોતાના જન્મ દિવસ તથા મકરસંક્રાંતિની ઉજવણી નિમિત્તે રપ૧ કુપોષિત બાળકોને દત્તક લીધાઃ રકતદાન કેમ્પમાં ૩૬પ બોટલ રકત એકત્ર થયું.
હાપામાં જલારામ બાપાના મંદિરે ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકોટ.
નગરમાં ૩ આતંકવાદી સાથેની મોટર ઝડપાઈ, હથિયાર-બોમ્બ કબજેઃ રેન્જ આઈજીની ઉપસ્થિતિમાં મોકડ્રીલ.
કજુરડામાંથી દારૂની ર૩૧૬ બોટલ ઝડપાઈ ઃ એકની અટક.
ખંભાળીયાની અનુસૂચિત જાતિની યુવતી પર દુષ્કર્મના ગુન્હામાં એક શખ્સને આજીવન કેદની સજા.
સૌરાષ્ટ્ર યુનિ.ના પદવીદાન સમારોહમાં જામનગરની મેડિકલ કોલેજના આનંદ તાન્યાને ૧૦ અને વડાલિયા અક્ષતને ત્રણ ગોલ્ડ મેડલ.
ડેન્ટલ તથા ફિઝીયોથેરાપી સેન્ટર માટે મહિલા બેંકના એમ.ડી. શેતલબેન શેઠ દ્વારા રૂા. ૧૯ લાખનું અનુદાન.
જામનગરમાં આવકવેરા ખાતુંઃ ઈનાયત મુસા એન્ડ કંપનીમાં હાથ ધરાયું સર્ચ ઓપરેશન.
ડો. મુનિશ્રી દિપરત્ન સાગરજી મ.સા.ને શ્રૃતસ્થવીર પદવી એનાયત.
ભૂચરમોરીમાં જામનગર જિલ્લાના પ્રજાસત્તાક પર્વમાં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ ફરકાવ્યો તિરંગો.
જામ ખંભાળીયામાં જીવીજે હાઈસ્કૂલના હેરીટેઝ બિલ્ડીંગનું રૂા. પ.૬૭ કરોડના ખર્ચે થશે નિર્માણ.
જામ્યુકોની સ્ટે. કમિટીમાં રૂા. ર.૪૯ કરોડના દરખાસ્તો મંજુર.
પંચાયતની કલાર્કની પરીક્ષાનું પેપર ફુટી જતાં પરીક્ષા રદઃ ઉમેદવારોએ કર્યો હોબાળો.
ગુજરાત લલિતકલા અકાદમી દ્વારા શિવરાજપુર બીચમાં રેતશિલ્પ મહોત્સવ.
જામનગરની ૭, ૧૦,રપ,ર૬ અને ર૭ નંબરની ટીપી સ્કીમને સર્વાનુમતે મંજુરી.
જામ્યુકોનું વર્ષ ર૦ર૩-ર૪ નું રૂા. ૧૦૭૯ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ.
ફેબ્રુઆરી-ર૦ર૩
કલ્યાણપુર તાલુકામાંથી ૧૮ લાખની વીજચોરી પકડાઈ.
જામનગરમાં લાયસન્સ વગર ચાલતી ચિકન-મટનની ૪ર શોપ સીલ કરાઈ.
ડીજીપીએ ગાંધીનગરમાં બેસ્ટ પોકેટ કોપ એવોર્ડથી જામનગરની એલસીબીની ટીમને સન્માનીત કરી.
હવાઈ ચોકમાં રાત્રે ફોજદારે લાકડીના ઘા કરતા વેપારીઓમાં રોષઃ દુકાનો બંધ કરાઈ.
જામનગર જિલ્લામાં ૩૭ ગામો માટે નવી વિતરણ યોજનાને નલ સે જલ યોજનાની બેઠકમાં બહાલી.
જામનગરના રણજીતનગરમાં ઝડપાઈ નશાકારક કેફી પીણાની ૪૬૮ બોટલ.
વ્યાજખોરીના દુષણને ડામવા જામનગર સહિત પાંચ જિલ્લામાં પોલીસે કરી પરિણામલક્ષી કાર્યવાહી ઃ દ્વારકામાં ર૩ ની અને નગરના ૩૬ વ્યાજખોરોની ધરકપકડ ઃ ૧૩ જેલહવાલે કરાયા.
હિસાબના ગોટાળા બદલ સચાણાના સરપંચને સસ્પેન્ડ કરાયા.
નગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૮૧ લાભાર્થીની ફલેટ ફાળવણી રદ.
ડબલ જંત્રી સામે દ્વારકા બાર એસોસિએશને દર્શાવ્યો વિરોધ.
જામનગરના જોલી બંગલા વિસ્તારમાં સ્પાના ઓઠા હેઠળ ધમધમતા કુટણખાના પર એલસીબી ત્રાટકી.
જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટીએ રૂા. પર કરોડના કરવેરામાં આપી અડધો અડધ રાહત.
વિમેન્સ આઈપીએલ હરાજીની યાદીમાં જામનગરની બે ખેલાડીઓનો સમાવેશ.
નગરની જી.જી.હોસ્પિટલમાં નશામુકત ઉપચાર કેન્દ્રનું કેન્દ્રીય મંત્રીઓના હસ્તે વર્ચ્યુલ લોકાર્પણ.
દ્વારકા જિલ્લાની ત્રણ દિવાદાંડીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે. કેન્દ્ર સરકાર.
ઓડિટ રિપોર્ટમાં કસૂરવાર જણાયેલા જામનગર જિલ્લા સરકારી બેંકના છ કર્મચારીઓની નોકીરમાંથી હકાલપટ્ટી.
દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે યુવા અગ્રણી મયુરભાઈ રામભાઈ ગઢવી નિમાયા.
જામનગરથી નજીક લાલપુર ચોકડી પાસે રંગમતિ નદી ઉપર ગેરકાયદે બની રહેલા પુલનું બાંધકામ મ્યુ. કમિશનરના મૌખીક આદેશથી બંધ કરાયુંઃ 'નોબત'ના અહેવાલનો પડઘો.
સેવાભાવિ રઘુવંશી ડો. અતુલ ચગની આત્મહત્યા સંદર્ભે જામનગર લોહાણા મહાજનની મૌન રેલી નીકળી.
ફલ્લામાં હિંસક પ્રાણીએ ૧૪ ઘેટાં-બકરા ફાડી ખાધાઃ તંત્ર દોડયું.
જામનગરના વતની સોનીયાબેન ગોકાણીએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે શપથ લીધા.
મક્કા મદીના જવા ઈચ્છતા નગરના આસામી સાથે રૂા. ૧૦ લાખની છેતરપિંડી.
ખંભાળીયાઃ રૂા. રપ કરોડના ખર્ચે નિર્માણાધીન નવી હોસ્પિટલનું રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે ભૂમિપૂજન.
દ્વારકામાં બાવન જિનાલયનો પ્રારંભ.
ખંભાળીયામાં ૧૦૦ વર્ષ જુની વરણાંગીનું પ્રસ્થાનઃ ભૂદેવો દ્વારા ખુલ્લા પગે નગરભ્રમણ.
ભાદરા પાટિયા પાસે પોલીસ પર સ્કોર્પિયો ચઢાવવાનો પ્રયાસ ઃ પોલીસ દ્વારા ૩ રાઉન્ડ ફાયરિંગ, બન્ને શખ્સોની ફિલ્મી ઢબે ધરપકડ.
જામ્યુકોનું રૂા. ૧૦૮૦ કરોડનું વર્ષ ર૦ર૩-ર૪નું બજેટ રજુઃ ભારે હોબાળો.
જામનગરમાં ભૂજિયા કોઠા હેઠળની ૭ દુકાનો ખાલી કરાવાઈઃ કબ્જો સુપ્રત.
જામનગરના ખાનગી પેઢીના અધિકારી સાથે રૂા. ૧ કરોડ ઉપરાંતની ઓનલાઈન ઠગાઈ.
લતીપરમાં નશાકારક કેફી પીણાની ૮૯૦ બોટલ સાથે એક શખ્સ ઝબ્બે.
દ્વારકાના જગતમંદિર અને પરિસરના વિકાસ માટે યાત્રાધામ કોરિડોરનો પ્રસ્તાવ.
માર્ચ-ર૦ર૩
દ્વારકામાં બીઓબીનું એટીએમ તોડી દસેક લાખની ચોરી.
હરિદ્વારમાં ગાગીયા પરિવારના નામે ઈન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ.
બર્ધનચોક-શાકમાર્કેટ વિસ્તારમાંથી ફેરિયા-પથારાવાળાને હટાવવા મેયર ખુદ મેદાનમાં.
જામનગર જિલ્લામાં ક્ષયના નવા કેસોમાં ઘટાડો થતાં રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ મળ્યો.
જામનગરના સાંધ્ય દૈનિક 'નોબત'ની વાર્ષિક લવાજમ યોજનાનો મીની અને મેગા ડ્રો પારદર્શક રીતે સંપન્ન.
'નોબત'ની વર્ષ ર૦ર૩-ર૪ની આકર્ષક વાર્ષિક લવાજમ યોજનાનું ધમાકેદાર લોન્ચીંગ.
જી.જી. હોસ્પિટલને મળી રૂા. ૧૩ કરોડના આધુનિક એમઆરઆઈ મશીનની સુવિધા.
જામનગરમાં આશરે ર૦ કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું.
રૂા. ૬ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે નગરનું દંપતિ ઝડપાયું.
જામનગરમાં ગુજસીટોકના બે આરોપીની રૂપિયા સવા ત્રણ કરોડની મિલકત ટાંચમાં લેવાઈ.
જમીનની હરાજી અંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે અનેક સવાલો ઉઠાવતા ચર્ચા પ્રસરી, 'જાડા'ની જમીનનો વિવાદ વધુ વકર્યો.
જામનગર મ્યુનિ. કમિશનર વિજયકુમાર ખરાડીની અચાનક બદલી થતાં ચર્ચા જાગી.
કલ્યાણપુરના હર્ષદ-ગાંધવી, નાવદ્રા તથા ભોગાતમાં પર૦ દબાણો તોડી પડાયા.
ઉલટા પગે ૬૦૦ કિમીની પદયાત્રા પૂરી કરીને દ્વારકા પહોંચ્યા વૃદ્ધ ભાવિક, વાલાભાઈ ગઢવી, ઠેર-ઠેર સ્વાગત.
કલ્યાણપુરના નાવદ્રામાં ગેરકાયદે દબાણો અને ૯૮ બાંધકામને તોડી પડાયા.
હર્ષદમાં ઓપરેશન ડિમોલિશનની પૂર્ણાહુતિઃ પોણા પાંચ કરોડની જમીન થઈ ખુલ્લી.
જામનગર જિલ્લા પંચાયતમાં વિપક્ષના હલ્લાબોલ પછી રૂા. ૮,૦૭,૬પ,૮ર૪ નું અંદાજપત્ર મંજુર.
દેવભૂમિ દ્વારકાના લક્ષ્મીનારાયણ નવકુંડી મહાયજ્ઞમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાર્થના સાથે આપી આહુતિ.
જામનગરમાં ૧પ૧ નવી એસ.ટી. બસોનું લોકાર્પણ.
ઓખાના દરિયામાંથી ઝડપાયેલા ડ્રગ્સ સાથેના પાંચ ઈરાનની કડક પૂછપરછ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો