જામનગર સહિત રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો આરંભ...

|

Added news for notification testing

ઓટીટીની અશ્લિલ સામગ્રી સામે કડક કાર્યવાહીઃ ૧૮ પ્લેટફોર્મ, ૧૯ સાઈટ, ૧૦ એપ બ્લોક

સ્ત્રી સરળ છેઃ આ વાત સમજવી અઘરી છે

હું સ્ત્રી છું એટલે નહીં, પણ મારી માતાને ચાહું છું એટલે સ્ત્રીજાતિને ચાહુ છું. તેના વડે જ હું જગતમાં આવી છું. સ્ત્રી વિશે ઘણું બધું વાંચ્યું છે, ઘણું જાણ્યું છે, ઘણું સાંભળ્યું છે, પણ દરેક જગ્યાએથી એક વાત તો સાંભળી જ છે કે સ્ત્રીને સમજવી અઘરી છે, કેટલી નવાઈની વાત? મોટા મોટા પ્રોબ્લેમ સોલ્વ કરતા પુરુષો, ધંધાની આંટીઘૂંટી ઉકેલી શકનાર પુરુષો એક નમણી-નાજુક-લાગણીશીલ સ્ત્રીને કેમ નથી સમજી શકતા? કારણ કે પુરુષોએ સ્ત્રીના દિલ સુધી પહોંચવાનો પ્રયત્ન જ નથી કર્યો. સ્ત્રી એકસાથે કેટલા યુગમાં જીવે છે તે વિચાર્યું? ઘરમાં ૮૦ વર્ષની આસપાસના સાસુ-સસરા, પોતાની ઉંમરના જેઠાણી,-દેરાણી-નણંદ જેવા કુટુંબીજનો, ૩૦ ની આસપાસના દીકરા-વહુ અને પૌત્ર-પૌત્રી... એક સાથે ચાર પેઢીના લોકોને ખુશ રાખી શકે છે. પુરુષો કહે છે કે સ્ત્રી લાગણીશીલ હોય છે. તે પોતાની લાગણી કાબૂમાં રાખી શકતી નથી, પણ સાચું તો એ છે કે સ્ત્રીઓ પોતાની લાગણી દબાવીને ઘરના લોકોને ખુશ રાખતી હોય છે. મનથી બાળક જેવી, થોડી બુદ્ધુ, વધારે લાગણીશીલ, થોડી ઉતાવળી, થોડી આત્મસન્માની, થોડી જિદ્દી હોવાથી પુરુષોને તે ઉખાણા જેવી લાગે છે, પણ ખરેખર તો સ્ત્રીને જરાક સંભાળી લો તો એ પૂરેપૂરી ઓવારી જાય છે.

એક સ્ત્રીની અંદર પ્રેમ, લાગણી, રિસાવવું, સ્વમાન, સમર્પણની ભાવના, લડી લેવાની તાકાત આ બધા જ સ્વરૂપ હોય છે, પણ સ્ત્રીના બધા સ્વરૂપને કોઈ સમજી નથી શકતું. સ્ત્રીને પૂરી રીતે પોતાની બનાવવી હોય તો તેના બધા જ સ્વરૂપને પ્રેમ કરવો પડે છે. ફક્ત તેની સુંદરાત જોઈને તેના પ્રેમમાં નથી પડાતું, પણ તેની પાસે જે ધડકતું દિલ છે તેની લાગણી, તેના ધબકારા સમજવા પડે છે.

સ્ત્રીમાં રહેલી ઊર્જા વર્તમાન અને ભવિષ્યને પણ બદલી શકે છે. તે ધારે તે રીતે જીવી શકે તથા સામર્થ્યવાળી તો છે જ, પણ તે ધરે તો આસપાસના વાતાવરણમાં પણ પોતાની અપેક્ષા પ્રમાણેના બદલાવ લાવી શકે તેમ છે. તે ઘરે તો યુદ્ધ કરાવી પણ શકે અને ધારે તો શાંતિનું સામ્રાજ્ય પણ સર્જી શકે. તે ધારે તો દુઃખના દરિયા વચ્ચે પણ સુખનો ટાપુ રચી શકે, તે ધારે તો દુનિયાને એક કદમ આગળ કેમ લઈ જઈ શકાય તેવા મંત્ર પણ આપી શકે... બસ માત્ર તે ધારે તો... સ્ત્રીને સમજવી અઘરી નથી, માત્ર તેના મનને સમજી લો...

સ્ત્રીના કેટકેટલા રૂપ દુનિયાએ તેને આપ્યા છે... સ્ત્રીને માતા, પુત્રી, પત્ની, ભાભી, બહેન, દેરાણી-જેઠાણી, નણંદ, કાકી, ફોઈ, માસી, મામી, કેટકેટલા નામ આપીને સંબંધોની મર્યાદામાં બાંધી દીધી છે, પણ આ ઓળખ અધુરી છે. સાચા અર્થમાં તે સર્વની મિત્ર છે, તે જીવવા કરતા જીવાડવામાં વધુ માને છે. તેનો મંત્ર 'પ્રેમ આપવો અને પ્રેમ પામવો' એ જ છે, અને તેની સાચી ઓળખ પણ કદાચ એ જ છે, તેના તેજે, તેના સ્પર્શે, તેના શબ્દે, તેની લાગણીએ, તેના પ્રેમે, તેની સંવેદનાએ, તેના પ્રેમાળ વર્તને અનેકને દિશા આપી છે.

સ્ત્રી લાગણીનો ભંડાર છે, પણ જો તેના સ્વમાનને ઠેસ પહોંચે તો તે પોતાનું સ્વમાન પાછું ન મળે ત્યાં સુધી શાંત નથી રહેતી, પણ આ વાત બધાને સમજાતી નથી એટલે લોકો તેને જિદ્દી કહે છે, સ્ત્રી સાથે ગેરવર્તન થાય ત્યારે તે અવાજ ઊઠાવે છે અને સમાજને શાંત રહેતી, ચૂપ રહેતી સ્ત્રીઓ ગમે છે. અવાજ ઊઠાવે ત્યારે બધા તેના દુશ્મન થઈ જાય છે.

સ્ત્રી જ્યારે પ્રેમ કરે છે ત્યારે મનથી સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે. પ્રેમ માટે તે ગમે તે કરવા તૈયાર હોય છે, પ્રેમ તેના માટે જીવનબળ છે. તે ક્યારેય પ્રેમને ભૂલતી નથી. હા કદાચ... સમાજ કે જવાબદારીના કારણે પ્રેમને મનમાં દબાવી દે છે, પણ એ પ્રેમ, એ અહેસાસ તેના શ્વાસમાં તેની ધડકનમાં સમાયેલ હોય છે. સ્ત્રી પ્રેમમાં જાતને ભૂલી શકે છે, પણ પ્રેમને નહીં...

હમણાં ૮ માર્ચે મહિલા દિવસ છે. ત્યારે બધા સ્ત્રીના ગુણગાન ગાતી પોસ્ટ મૂકશે. ભાષણ કરશે, તેને એકદિવસ માત્ર ગર્વની અનુભૂતિ કરાવશે... પણ બીજા દિવસે ફરીથી એમ જ કહેશે કે સ્ત્રી સમજાતી નથી.... બસ આ એક વાકય સ્ત્રીનું અપમાન કરે છે. સ્ત્રીને સમજવાની મથામણમાં પડ્યા સિવાય તેને ભરપૂર પ્રેમ આપો. તેની કદર કરો, તેની લાગણી સમજો, તેને જીતવાનો પ્રયત્ન કરવાને બદલે તેને પ્રેમ આપો. બે ચાર સારા શબ્દોથી જ તે જીતાય જશે... તેને કંઈ નથી જોતું... બસ થોડી લાગણી, થોડી કદર, થોડી સંભાળ, થોડો આદર અને અનહદ પ્રેમ... આટલું આપો તો સ્ત્રી સમજાય જશે...

દિપા સોની ઃ જામનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દરેક પત્નીની મૂક વેદનાઃ પતિ તેને સમજતા નથી

લગભગ દરેક સ્ત્રીની ફરિયાદ હોય છે કે તેના પતિ તેને સમજતા નથી, પુરૂષો આ ફરિયાદને ખોટી માને છે, પણ મહદ્અંશે આ ફરિયાદ સાચી હોય છે, એક સ્ત્રી જન્મથી લઈને ર૦-રર વર્ષ જે ઘરમાં પસાર કર્યા હોય, જે રીતભાતથી ટેવાયેલી હોય, માતા-પિતાના પ્રેમથી રજકુમારીની જેમ રહેલી હોય, જયાં તેની દરેક ઈચ્છા પૂરી થતી હોય, જ્યાં તેને પોતાની પસંદ-નાપસંદ સંકોચ વગર જણાવી શકતી હોય, જ્યાં તેની પસંદને ધ્યાનમાં રાખીને રસોઈ બનતી હોય, એ ઘર છોડીને સાવ જ અજાણ્યા લોકોને પોતાના બનાવવા સાસરે આવે છે. સાસરે આવ્યા પછી તેનો એકમાત્ર આધાર તેનો પતિ હોય છે. પતિના પ્રેમને કારણે જ તે પિયર છોડીને સાસરે આવી હોય છે ત્યારે તેની એક જ આશા હોય છે કે પતિ તેને સમજે... પણ અફસોસ... લગ્ન પહેલા મોટી મોટી વાતો, કરનારા, તારી ખુશી એ જ મારી ખુશી' કહેનારા, 'તારી આંખમાં આંસુ નહીં આવવા દઉં એવું કહેનારા પુરૂષો લગ્ન પછી બદલાય જાય છે, લગ્ન પછી તેમને તો કોઈ એડજેસ્ટ કરવાનું નથી હોતું, પણ પત્ની એડજેસ્ટ થાય ત્યાં સુધી મદદ કરવાની પણ તેમને ખબર પડતી નથી.

કહેવાય છે કે સ્ત્રીના ત્રણ જન્મ હોય છે પ્રથમ તો માતાપિતાને ત્યાં જન્મ લે ત્યારે, બીજો જ્યારે તે માતા-પિતાનું આંગણું છોડીને પરણીને નવા ઘરમાં જાય ત્યારે, અને ત્રીજો જ્યારે તે માતા બને ત્યારે... સ્ત્રીની જવાબદારી જન્મતાની સાથે જ શરૂ થઈ જાય છે. લગ્ન પહેલા તેણે એક સારી દીકરી કેવી રીતે બનવું ? કેવી રીતે બોલવું ? કેવી રીતે હસવું ? સાસરે જતાં પહેલાં ઘરનું કામ શીખવું.. વગેરેના બોજ હેઠળ દબાયેલી હોય છે. લગ્ન પછી તો તેની દુનિયા જ બદલાય જાય છે. બિલકુલ અજાણ્યા લોકો, અજાણી રીતભાત વચ્ચે તેણે પોતાની જગ્યા બનાવવાની હોય છે, રહેણી કરણી, ખાણીપીણીની રીત સાવ બદલાય જાય છે, સાસરે ગયેલી મોટાભાગની સ્ત્રીઓ એ પણ ભૂલી જાય છે કે પિયરમાં તો આ વાનગી કયારેય ચાખી જ નથી કે પછી મને તો આ વાનગી ભાવતી જ નથી, તે સતત એ જ ગભરાટમાં હોય છે કે સાસરીયાને કેમ ખુશ રાખવા ? બદલાયેલી રીતભાતે એડજેસ્ટ કરવામાં જ તે ગુંચવાઈ જાય છે અને માતા બન્યા પછી તો તેની જવાબદારી બમણી થઈ જાય છે. પણ જો આ સમયે તેને સમજવામાં આવે, તેને સાથ આપવામાં આવે તો તેને જવાબદારીનો બોજ નહીં લાગે અને તેનું જીવન મહેકી ઉઠશે.

દરેક પત્નીને પોતાના પતિ પાસેથી એટલી જ અપેક્ષા છે કે તે સમજે... સ્ત્રી કયારેય નથી ઈચ્છતી કે તેનો પતિ માત્ર તેની પસંદ જ અપનાવે. તે ઈચ્છે છે કે પતિ પોતાની પસંદ-નાપસંદ જણાવે, સાથે સાથે પત્નીની પસંદનું પણ ધ્યાન રાખે, સ્ત્રી કયારેય નથી ઈચ્છતી કે તેનો પતિ આકાશના તારા તોડવાનું વચન આપે કે મોંઘી મોંઘી ગીફટ આપે.. તે ઈચ્છે છે માત્ર તેનો સાથ, તેનો સમય, તેનો પ્રેમ અને તેનો હસતો ચહેરો.... સ્ત્રી કયારેય નથી ઈચ્છતી કે પતિ તેના કુટુંબીજનોને ભૂલીને માત્ર પત્નીને જ પ્રેમ કરે, પણ એટલું ઈચ્છે કે પતિના પ્રેમનો થોડો હિસ્સો તો તેને મળે. સ્ત્રી કયારેય નથી કહેતી કે તેના જન્મદિવસ પર મોટી પાર્ટી આપો... પણ એટલું તો જરૂર ઈચ્છે છે કે તે દિવસ એકાદ નાનકડી ગીફટ તો આપે જ... સ્ત્રી કયારેય નથી ઈચ્છતી કે પતિ તેને દૂર દૂરના સ્થળે ફરવા લઈ જાય.. મોટી મોટી ટ્રીપ કરાવે.. પણ તે એટલું ઈચ્છે છે કે બે-ચાર દિવસે એકવાર તેની સાથે ફરવા જાય. હાથમાં હાથ પરોવીને કયાંક બેસી શકાય... ચાલતા ચાલતા પ્રેમભરી વાતો કરી શકાય... સ્ત્રી કયારે નથી કહેતી કે તેના કામના, તેની રસોઈના વખાણ કરો... પણ કમસેકમ તેણે કરેલી રસોઈનું અપમાન ન કરો. એટલું તો જરૂર ઈચ્છે છે... તે એમ નથી કહેતી કે તેના કામમાં મદદ કરો.. પણ કયારેક તો એમ ઈચ્છે છે કે પતિ કહે કે, 'તું થાકી હોઈશ... લાવ હું મદદ કરું' આટલા શબ્દોથી પણ તેનો થાક ઉતરી જાય છે... સ્ત્રી એમ નથી કહેતી કે ઘરની નાની મોટી માથાકુટ સમયે તેને કંઈ કહેવું નહી, તેને ઠપકો ન આપવો, પણ એટલું કહે છે કે કંઈ થાય ત્યારે તેની વાત પણ સાંભળવી, ફકત એક તરફી વાત સાંભળીને પત્નીને ઉતારી પાડનાર પતિ સ્ત્રીને જરાય ગમતા નથી. સ્ત્રી જાણે છે કે પતિને પણ સતત કામ, જવાબદારીનો ભાર હોય છે, ઓફિસમાં ટાસ્ક, પ્રોજેકટ, ટારગેટ પૂરા કરવાની ખેંચતાણ હોય છે તે એટલું ઈચ્છે છે કે ઓફિસની જવાબદારી કે ઓફિસનું ટેન્શન ઘરે ન લાવો.... બહું ટેન્શન હોય ત્યારે ઘરમાં ગુસ્સો કરવાને બદલે પત્નીના ખોળામાં માથુ રાખીને આરામ કરી લો... તે ઈચ્છે છે પતિ તેને બધી વાત કરે. સ્ત્રી નથી ઈચ્છતી કે વારંવાર મોંઘી હોટલમાં લઈ જાવ... પણ જ્યારે ઘરે જમતા હોય ત્યારે સાથે બેસીને શાંતિથી જમો એટલું જરૂર ઈચ્છે છે.... તે નથી ઈચ્છતી કે તેના માટે કોઈ લાડલુ નામ રાખો... પણ તેને તેના નામથી બોલાવો ત્યારે શબ્દમાં મીઠાસ અવશ્ય ઈચ્છે છે.... સ્ત્રી નથી કહેતી કે તેને આખા દિવસની દરેક વાત જણાવો... પણ જે વાત કહેવા જેવી હોય તે જરૂર કહો એટલું અવશ્ય ઈચ્છે છે.

સ્ત્રી એટલું જ ઈચ્છે છે કે તેને સાથી સમજવામાં આવે. ઘણાં પુરૂષો પોતાના ધંધાની, ઓફિસની વાત ઘરમાં કરતા જ નથી હોતા... કેટલીક વખત તો પતિનો પગાર કેટલો છે એ પણ પત્નીને ખબર નથી હોતી. સ્ત્રીઓ એટલું ઈચ્છે કે પતિ તેને બધી વાત કરે... ઘણી વખત પુરૂષો તરફથી સ્ત્રીના પ્રશ્નનો જવાબ કંઈક આ રીતે આપવામાં આવે છે કે... તને ખબર ન પડે.... અરે.. .ખબર શું કામ ન પડે...? તમે તેને વાત તો કરો... પત્ની એટલું જ ઈચ્છે છે તેનું સ્થાન ફકત રસોડામાં, ઘરના કામમાં અને બેડરૂમમાં જ ન હોય.. તેનું સ્થાન પતિના દિલમાં, સાસરીયાની વચ્ચે હોય, તે ફકત કામ કરવા, ઘર સંભાળવા કે વંશ આગળ વધારવા નથી આવી...તેને સાથ જોઈએ છીએ... પ્રેમ જોઈએ છીએ... બસ પતિ આટલું સમજી લે તો પત્નીનું જીવન મહેકી ઉઠશે... સ્ત્રી નથી કહેતી કે પતિ માત્ર મારો જ .. એ એમ કહે છે કે મારો પણ છે.. બસ આટલી જ અરજ... પ્રેમની લાગણીની.... સાથની માંગણી...

- દિપા સોની ઃ જામનગર

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

યંત્રવત બનતી જતી લાગણીઃ વનલાઈનર કે ઈમોજી

હમણાં એક મિત્રનો બર્થ-ડે હતો. વોટ્સએપથી વિશ  કરવાને બદલે ફોન કર્યો. તે મિત્ર ખુશ થઈ ગયોે કહે કે સવારથી મેસેજનો મારો ચાલતો રહ્યો છે. મોબાઈલની ગેલેરી કેકથી ભરાય ગઈ છે. ગુગલમાંથી શોધેલા મેસેજ, કેકના ફોટા-રીપીટ થયા કરે છે. આટલા બધા મેસેજથી જેટલો આનંદ ન થયો એટલો આનંદ તારા ફોનથી થયો... બે-ચાર મિનિટના તારા ફોને મિત્રતાનો અહેસાસ કરાવ્યો.. ઈમોજી કે વોટસએપના મેસેજથી યંત્રવત લાગણી લાગે છે, પણ ફોનથી મળતી વિશ લાગણીનો ધબકાર લાગે છે.

એક ભાઈ બીમાર પડયા સગાવહાલા બધાએ મેસેજમાં 'ગેટ વેલ સુન' લખીને મોકલી દીધું, તે ભાઈ તેના અંગત મિત્ર કે જે હંમેશાં સાથે રહેતા હોય તેની રાહ જોતા હતા. તે મિત્ર અંગત કારણોસર જોવા ન આવી શકયો અને તેણે મેસેજ કરી દીધો, આ ભાઈની બીમારી ખાસ મિત્રના આવા વર્તનથી વધી ગઈ. સાજા થયા પછી તે મિત્રને મળ્યા ત્યારે પણ તેમના ચહેરા પર નારાજગી હતી. મિત્રએ પુછતા કહ્યું કે, મારી બીમારીમાં પણ તું કોપી પેસ્ટ મેસેજ મૂકી દે છે.. એ ચાલે ? તું મને જોવા આવીશ એવી મને આશા પણ હતી અને વિશ્વાસ પણ હતો. પણ તું ન આવ્યો... મિત્રએ કાન પકડી લીધા.

ઘણીવખત મરણ પ્રસંગે પણ આપણે 'ઓમ શાંતિ'નો મેસેજ કરી લઈએ છીએ... ઘણી વખત તો લાગણી જાણે યંત્રવત બની ગઈ હોય એવું લાગે છે... શું આપણે હવે લાગણીશૂન્ય થઈ ગયા છીએ ? કેટલીક વખત વોટ્સએપ ગ્રુપમાં ઘણા લોકોને આપણે રૃબરૃ પરિચય ન હોય તો પણ બર્થ-ડે, એનીવર્સરી, કોન્ગ્રેચ્યુલેશન, ઓમ શાંતિ, જેવા મેસેજ મોબાઈલ દ્વારા મોકલી દઈએ છીએ. માન્યુ કે વોટ્સએપ ગ્રુપમાં ઘણાં લોકો હોય ત્યારે દરેક સાથે અંગત પરિચય ન હોય, પણ જે અંગત છે તેને પણ મેસેજ કરીને આપણે તમામ સંબંધોને એક લાકડીએ હાંકીએ છીએ. તમામ સંબંધો અને લાગણીની અભિવ્યક્તિ એક જ પેરામીટરમાં આવી ગઈ છે. બીજી રીતે કહીએ તો દાયકાઓના સંબંધને માત્ર સ્માર્ટ ફોનના સહારે નિભાવીએ છીએ. યંત્રવત શુભેચ્છા, મેસેજ, પ્રેમ વ્યકત કરવો કે શોક પાઠવવો. દરેકમાં આપણે ફોરવર્ડ મેસેજ મોકલતા થઈ ગયા છીએ. હા કયારેક અંગત-ખાસ વ્યક્તિ હોય તો ગુગલમાંથી શોધીને સારી ઈમેજ કે મેસેજ મોકલીએ. એટલો ફર્ક કયારેક હોય છે, પણ જાતે લખીને મોકલવાનું ટાળીએ છીએ. ઘણીવાર તો એટલા બેજવાબદાર બની જઈએ કે મેસેજ ફોરવર્ડ કરતી વખતે તેમાં સુધારો કરવાનું પણ યાદ નથી. રાખતા... આવું થાય ત્યારે વિચાર આવે કે લાગણીથી છલોછલ સંબંધ મોબાઈલના મેસેજની પટ્ટીમાં ફેરવાઈ ગયા. પણ જરા વિચારો... તમામ વ્યક્તિ અને તેની સાથેના સંબંધોને એક ત્રાજવે તોળીને આપણે બહુ ઝડપથી લાગણી શૂન્ય-સંવેદનના શૂન્ય સમાજ તરફ આગળ વધી રહ્યા છીએ. વૈજ્ઞાનિક સંશોધનથી પુરવાર થયું છે કે જીવંત સંપર્ક, આંખોમાં આંખ મેળવીને થતો સંવાદ, લાગણી-પ્રેમ-હુંફથી સામી વ્યક્તિના હાથ પર મુકાતો હાથ, કે પછી 'હું સાથે જ છું' એ દર્શાવવા ખભા પર મુકાતો હાથ... એ બધું હવે ઈમેજીસમાં મોકલીએ તે કૃત્રિમ જ લાગે છે. બોલાયેલા શબ્દો કે સ્પર્શથી જે હુંફ મળે છે, જે ખુશી મળે છે એ મેસેજમાં કયાં મળે છે ?

ડો. સર્વપલ્લી રાધાકિષ્નને ર૦ મી સદીમાં ચિંતા વ્યકત કરી હતી. કે યાંત્રિક ક્રાંતિ વિશ્વને એવા સ્તરે લઈ જશે કે માનવી સમય બચાવવા તેનો જ ઉપયોગ કરશે. બધું યંત્રવત થઈ જશે. તેમની ચિંતા આજે સચોટ જણાય છે. આપણે એક એવા સમાજને જન્મ આપી ચુક્યા છે કે જેમાં લાગણી નામનું તત્ત્વ નથી. આપણી અંદર સંવેદનાનો છલોછલ ભરેલો સાગર સુકાઈ રહ્યો છે.

હવે એક નવી પ્રથા શરૃ થઈ છે. ઘરના શુભ પ્રસંગે વોટ્સએપ દ્વારા આમંત્રણ કાર્ડ મોકલી દેવાય છે. પછી ફોન પણ થતા નથી. જીવનભર સાથ નિભાવનાર મિત્રો-સગા-સ્નેહીઓને ફોન કરવાનો વિવેકપણ બતાવાતો નથી. પહેલા તો કંકોત્રી વહેંચવા જવાનું કામ બે-ચાર દિવસ ચાલતું, અને પછી વડીલોને આમંત્રણ માટે ફોન પણ કરાતા, પણ હવે તો બધું મોબાઈલમાં.... ફોન કંપની મફત ફોનની સુવિધા આપે છે. છતાં આપણને ઘરે પ્રસંગ હોય ત્યારે પણ ફોન કરવાનું યાદ નથી. આવતું, એવું નથી કે દરેકને વોટ્સએપથી જ કંકોત્રી મોકલાય છે. મોટા માણસો હોય તેમને રૃબરૃ પણ આમંત્રણ આપવામાં આવે છે. આપણે સમજી લેવાનું કે સામી વ્યક્તિના મનમાં આપણું સ્થાન શું છે??

અગાઉના વર્ષમાં ઉંમરમાં નાના હોય તેઓ તેમના જન્મ દિવસે વડીલોને પગે લાગતા અને આશીર્વાદ માંગતા, પણ હવે તો એ પણ બંધ થયું. વડીલોએ પૌત્ર-પૌત્રીઓને શુભેચ્છા આપવી પડે. મેસેજ કરવો પડે. દુઃખની વાત એ છે કે જો તમે સોશ્યલ મીડિયામાંથી દૂર થયા તો તમારી હયાતી જ નથી તેમ સમજવામાં આવે છે. રૃબરૃ આશીર્વાદ કરતા એક મેસેજ કે એક લાઈકની કિંમત વધી ગઈ છે. આવું દરેક વ્યક્તિ સાથે થાય છે. પાછા બધા એમ પણ કહેતા જ હોય છે કે અપડેટ રહેવું પડે, લોકો ભૂલી ન જાય એટલે સોશ્યલ મીડિયામાં રહેવું પડે, પણ આ યાદદાસ્ત પણ ક્ષણિક છે. જેવા તમે સોશ્યલ મીડિયામાંથી ગયા, એવા લોકોની યાદદાસ્તમાંથી પણ ગયા એવું સમજી જ લેવાનું.

બસ... એક વાત સમજી લો... તમે મેસેજ કે ઈમોજીથી તમારી ખરી લાગણી કયારેક સામી વ્યક્તિને પહોંચાડી શકતા નથી. ફોન કે રૃબરૃ વાત કરીને જે ટોન સાથે મેસેજપહોંચાડો તે જ તમારી હકારાત્મક કે નકારાત્મક લાગણી અને રજુઆતની તીવ્રતા બતાવતી હોય છે. મેસેજ કે ઈમોજી પ્રત્યેક વ્યક્તિ માટે કયારેક અલગ અલગ હોઈ શકે, કયારેક અંગત વ્યક્તિને મોકલવા માટે ઈમોજી શોધવામાં ખાસ્સો સમય પણ આપવો પડે છે. પણ આ મહેનતને બદલે એક ફોન કરી દો... તમારી લાગણીથી તરબતર કરી દો... યંત્રવત બનવાને બદલે લાગણીથી ધબકતા બનો, ઈમોજી નહીં... ફોન કરો... વાત કરો... સંબંધ જીવંત રાખો.

- દિપા સોની  જામનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00.check

હવામાન

close
Ank Bandh